જાપાનમાં લોકોને એક ગ્લાસ વધારે દૂધ પીવા માટે કરાઈ વિનંતી, અભિયાનમાં PMએ પણ ઝંપલાવ્યું
- જાપાનમાં બાળકોને શાળામાં દૂધ આપવામાં આવે છે પરંતુ કોરોના મહામારીના કારણે શાળાઓ બંધ છે અને પરિણામસ્વરૂપ દૂધની ખપત ઘટી ગઈ
નવી દિલ્હી, તા. 23 ડિસેમ્બર, 2021, ગુરૂવાર
પોતાની ટેક્નોલોજીસને કારણે હંમેશા ચર્ચામાં છવાયેલું રહેતું જાપાન આજકાલ એક અલગ વાતને લઈ ચર્ચામાં છે. જાપાનના વડાપ્રધાનથી લઈને અધિકારીઓ પણ દેશવાસીઓને દૂધ પીવા માટે વિનંતી કરી રહ્યા છે. લોકોને એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમણે એક ગ્લાસ એક્સ્ટ્રા દૂધ પીવું જોઈએ અને સાથે જ ભોજનમાં દૂધમાંથી બનેલી વસ્તુઓનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ.
પ્રેસ કોન્ફરન્સમાં દૂધ પી રહ્યા છે મંત્રી
જાપાનમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મંત્રીઓ દૂધ પીતા દેખાઈ રહ્યા છે. તાજેતરમાં જ એક કંપનીએ મોટી ઈવેન્ટ આયોજિત કરી હતી જેમાં સેલિબ્રિટીઝ લોકોને દૂધ પીવા માટે પ્રોત્સાહિત કરતા જોવા મળ્યા હતા. ત્યારે હવે વડાપ્રધાન ફુમિયો કિશિદાએ પણ જાપાનની જનતાને એક્સ્ટ્રા દૂધ પીવા માટે વિનંતી કરી છે.
વડાપ્રધાને જણાવ્યું કે, 'અમે ઈચ્છીએ છીએ કે, લોકો નિયમિત કરતાં વધારાનું એક કપ દૂધ પીવામાં સહયોગ આપે અને ભોજન બનાવતી વખતે મિલ્ક પ્રોડક્ટ્સનો મહત્તમ ઉપયોગ કરે.' અગાઉ 17 ડિસેમ્બરના રોજ જાપાનના કૃષિ મંત્રી જેનજિરો કાનેકો અને ટોક્યોના ગવર્નર યુરિકો કોઈકેએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન દૂધ પીને લોકોને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કર્યો હતો.
અપીલ કરવા પાછળનું કારણ
આ સમગ્ર કવાયત જાપાનમાં મોટા પાયે દૂધની બરબાદી થઈ રહી છે તે રોકવા માટેની છે. એક રિપોર્ટમાં સરકારી આંકડાના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, આ શિયાળામાં જ આશરે 5,000 ટન દૂધની બરબાદીની આશંકા છે. આ બરબાદી રોકવા માટે જાપાની ખેડૂતો પણ એકજૂથ થઈ ગયા છે. તેમણે 25મી ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી 1 લીટર દૂધ ખરીદવાનો સંકલ્પ કર્યો છે. ખેડૂતો #1Lperday હેશટેગનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયામાં લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે.
આ કારણે થઈ રહી છે બરબાદી
આ અભિયાનમાં દિગ્ગજ કંપનીઓ પણ સામેલ થઈ છે. લોસન ઈંકે પોતાના સ્ટોર્સ પર એક કપ હોટ મિલ્ક પર 50 ટકાની છૂટ આપી છે. હકીકતે જાપાનમાં આ વર્ષે દૂધની માગમાં ભારે મોટો ઘટાડો થયો છે જેથી તેનો વ્યય વધ્યો છે. જાપાનમાં બાળકોને શાળામાં દૂધ આપવામાં આવે છે પરંતુ કોરોના મહામારીના કારણે શાળાઓ બંધ છે અને પરિણામસ્વરૂપ દૂધની ખપત ઘટી ગઈ છે. તે સિવાય એની સેક્ટર્સમાં પણ દૂધની ડિમાન્ડ ઘટી ગઈ છે.
Comments
Post a Comment