૨૦૨૧ની વિદાય, આશા સાથે ૨૦૨૨ને આવકાર
વેલિંગ્ટન, તા.૩૧
દુનિયાભરમાં શનિવારે વર્ષ ૨૦૨૧નો અંતિમ દિવસ છે અને સમગ્ર વિશ્વમાં લોકો નવા વર્ષની ઊજવણીની આતુરતાપૂર્વક તૈયારી કરી રહ્યા છે. ઓમિક્રોનના ભય વચ્ચે ન્યૂઝીલેન્ડના ઑકલેન્ડ ખાતે નવા વર્ષની ઊજવણી સાથે જ વર્ષ ૨૦૨૧ની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ વર્ષના અંત સમયમાં જ કોરોના મહામારી વકરતાં દુનિયાના અનેક દેશોએ નાઈટ કરફ્યૂ સંબંધિત નિયંત્રણો લાદવાના કારણે મોટાભાગના દેશોમાં નવા વર્ષની ઊજવણી ફિક્કી પડી ગઈ છે. અનેક સ્થળો પર નવા વર્ષની ઊજવણી રદ કરાઈ હતી. જોકે, નવા વર્ષમાં કોરોના મહામારીનો અંત આવે તેવી આશા સાથે ન્યૂઝીલેન્ડમાં ઑકલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં સિડની ખાતે પરંપરાગત ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. યુરોપ અને આફ્રિકામાં મોડી રાત પછી નવા વર્ષની ઊજવણી કરાઈ હતી જ્યારે અમેરિકા, કેનેડા, બ્રાઝિલ સહિતના દેશોમાં ભારતીય સમય મુજબ રવિવારે નવા વર્ષની ઊજવણી કરાશે.
દુનિયાભરમાં સતત બીજા વર્ષે કોરોના મહામારીના કારણે અનેક સ્થળો પર નવા વર્ષની ઊજવણી રદ કરવામાં આવી છે. ગયા વર્ષે કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટના કારણે જ્યારે આ વર્ષે ઓમિક્રોન વેરિઅન્ટે લોકોને ઘરોમાં રહેવા મજબૂર કર્યા છે. ઓમિક્રોન વેરિઅન્ટ ફેલાયો તે અગાઉ દુનિયાના મોટાભાગના દેશો નવા વર્ષની ભવ્ય ઊજવણી માટે આતુર હતા. તેમ છતાં ઓમિક્રોનના કારણે કોરોના દર્દીઓના હોસ્પિટલમાં દાખલ થવા અને મોતનું પ્રમાણ ગયા વર્ષની સરખામણીમાં ઓછું હોવાથી તેમજ વ્યાપક સંખ્યામાં લોકોએ કોરોનાની બંને રસી લીધી હોવાથી ૨૦૨૨ દુનિયા માટે નવી આશાઓ લાવી રહ્યું છે.
ન્યૂઝીલેન્ડના ઑકલેન્ડમાં લાઈટ શો વચ્ચે લોકોના ટોળે વળવા પર પ્રતિબંધ
દુનિયામાં નવા વર્ષની ઊજવણી માટેના સૌપ્રથમ દેશોમાંના એક ન્યૂઝીલેન્ડમાં સ્કાય ટાવર અને હાર્બર બ્રિજ સહિત ઑકલેન્ડના લેન્ડમાર્ક સ્થળો પર લો-કી લાઈટ્સ ડિસ્પ્લેથી નવા વર્ષની ઊજવણી કરવામાં આવી હતી. અગાઉ અહીં પરંપરાગત ફટાકડા ફોડવાનો અદ્ભૂત શો યોજાતો હતો. ન્યૂઝીલેન્ડમાં કોરોના વાઈરસનો કોમ્યુનિટી પ્રસાર જોવા મળ્યો નથી, તેમ છતાં સરકારે તકેદારીના ભાગરૂપે નવા વર્ષની ઊજવણીમાં લોકોના ટોળે વળવા પર પ્રતિબંધ મૂક્યો છે.
કોરોના વિસ્ફોટ છતાં સિડની હાર્બર ખાતે ભવ્ય આતશબાજી
જોકે, પડોશી દેશ ઓસ્ટ્રેલિયામાં વાઈરસના કેસમાં વિસ્ફોટ છતાં નવા વર્ષની ઊજવણીમાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઓસ્ટ્રેલિયામાં નવા વર્ષની ઊજવણી માટે સિડની હાર્બર બ્રિજ અને સિડની ઓપેરા હાઉસ ખાતે પરંપરાગત ભવ્ય ફાયર ક્રેકર શો આકર્ષણનું મુખ્ય કેન્દ્ર હોય છે. આ વર્ષે પણ અહીં ફટાકડા ફોડીને નવા વર્ષની ઊજવણી કરાઈ હતી. જોકે, સિડનીમાં નવા વર્ષની ઊજવણી શરૂ થાય તે પહેલાં જ કોરોનાના ૩૨,૦૦૦ નવા કેસ નોંધાતા સરકારે મોટી સંખ્યામાં લોકોને ટોળે વળતા અટકાવ્યા હતા. પરિણામે કોરોના પહેલાં સિડની ખાતે જ્યાં ૧૦ લાખથી વધુ લોકો ફટાકડાનો શો જોવા એકત્ર થતા હતા ત્યાં શનિવારે બહુ ઓછી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.
ભારતમાં જાહેર સમારંભોના બદલે વ્યક્તિગત કાર્યક્રમો યોજાયા
ભારતમાં કોરોના મહામારી એકંદરે નિયંત્રણમાં હતી. પરંતુ છેલ્લા સપ્તાહમાં જ કોરોનાના કેસમાં આકસ્મિક ઊછાળો આવતા અનેક રાજ્યોએ નાઈટ કરફ્યૂ સહિતના નિયંત્રણો લાગુ કર્યા હતા. પરિણામે નવા વર્ષની ઊજવણીમાં અવરોધો ઊભા થયા હતા. આમ છતાં નિયંત્રણો વચ્ચે ગોવા સહિતના પ્રવાસન સ્થળો પર લોકોએ જાહેર સમારંભોના બદલે વ્યક્તિગત કાર્યક્રમો યોજી નવા વર્ષની ઊજવણી કરી હતી.
જાપાનમાં લોકોએ નિયંત્રણોમાંથી મુક્તિનો આનંદ માણ્યો
એશિયામાં નવા વર્ષની સૌપ્રથમ ઊજવણી જાપાનમાં શરૂ થઈ હતી, જ્યાં લોકોએ નિયંત્રણો હેઠળ નવા વર્ષની ઊજવણી કરી હતી. જાપાનમાં મોટાભાગના લોકોએ નવા વર્ષની ઊજવણીનો સમય પરિવાર સાથે પ્રવાસન સ્થળે વિતાવવાનું પસંદ કર્યું હતું. નવા વર્ષની પૂર્વ સંધ્યામાં અનેક લોકોએ માસ્ક પહેરીને મંદિરો અને યાત્રાધામોની મુલાકાત લીધી હતી. કોરોનાના ભય છતાં લોકોએ ખાણી-પીણીની મોજ માણી હતી અને લોકોના ચહેરા પર કોરોના સંબંધિત તાજેતરના નિયંત્રણોમાંથી મુક્તિનો ઉલ્લાસ જોવા મળતો હતો.
દ. કોરિયામાં ઊજવણી રદ, બીચ-પ્રવાસન સ્થળો બંધ કરાયા
દક્ષિણ કોરિયાની રાજધાની સીઓલમાં કોરોનાના કેસ વધવાના કારણે સતત બીજા વર્ષે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ વાર્ષિક બેલ રિન્ગિંગ સેરેમની રદ કરાઈ હતી. અધિકારીઓએ આ વર્ષની બેલ રિન્ગિંગ સેરેમનીના અગાઉથી રેકોર્ડ કરેલા વીડિયોનું ઓનલાઈન અને ટેલિવિઝન પર પ્રસારણ કર્યું હતું. દક્ષિણ કોરિયન સરકારે અનેક બીચ અને અન્ય પ્રવાસન સ્થળો પણ બંધ કરી દીધા હતા. આ સ્થળો પર મોટાભાગે પ્રવાસીઓ નવા વર્ષના સૂર્યોદયની ઝલક મેળવવા પહોંચતા હોય છે. ઈન્ડોનેશિયામાં પણ સરકારે નવા વર્ષની ઊજવણી પર પ્રતિબંધ મૂક્યા પછી મોટાભાગે લોકો ઘરમાં જ પૂરાઈ રહ્યા હતા. જાકાર્તામાં પણ ફાયરવર્ક્સ ડિસ્પ્લે, પરેડ અને અન્ય જંગી મેળાવડાઓ પર પ્રતિબંધ મૂકાયા હતા જ્યારે કરફ્યૂ લાદવા છતાં રેસ્ટોરાં અને મોલ્સ ખૂલ્લા રાખવામાં આવ્યા હતા. વિયેતનામમાં પણ ફાયરવર્ક્સ શો અને ઊજવણીઓ રદ કરાઈ હતી. હનોઈમાં સરકારે સેન્ટ્રલ સ્ટ્રીટ્સ બંધ કરી દીધી હતી.
હોંગકોંગમાં બે વર્ષ પછી નવા વર્ષની ઉલ્લાસપૂર્ણ ઊજવણી, ચીનમાં પ્રતિબંધ
જોકે, હોંગકોંગમાં ૩,૦૦૦થી વધુ લોકોએ સ્થાનિક સેલિબ્રિટીઓ સાથે નવા વર્ષની કોન્સર્ટમાં ભાગ લીધો હતો. હોંગકોંગમાં કોરોનાના ભય વચ્ચે ૨૦૧૮ પછી પહેલી વખત નવા વર્ષની ઊજવણી થઈ હતી. ૨૦૧૯માં રાજકીય કારણોસર જ્યારે ૨૦૨૦માં કોરોનાના કારણે નવા વર્ષની ઊજવણી રદ થઈ હતી. ચીનમાં પણ છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના મહામારીએ ઉથલો મારતા સરકારે શાંઘાઈમાં હુઆંગપુ નદીમાં પ્રખ્યાત વાર્ષિક લાઈટ શો સહિતના આયોજનો રદ કરી દીધા છે.
થાઈલેન્ડમાં નિયંત્રણો હળવા કરાયા, ફિલિપાઈન્સમાં વાવાઝોડું નડયું
થાઈલેન્ડમાં સરકારે કડક સુરક્ષા પગલાંઓ સાથે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ પાર્ટીઓ અને ફાયરવર્ક્સના શોના આયોજનોને મંજૂરી આપી હતી તેમજ સરકારે પ્રવાસન સેક્ટર માટેના નિયંત્રણો પણ હળવા કર્યા હતા. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ સમગ્ર દેશના મોટાભાગના બૌદ્ધ મંદિરોમાં ઓનલાઈન પ્રાર્થના યોજાઈ હતી. ફિલિપાઈન્સમાં નવા વર્ષની ઊજવણી પર બે સપ્તાહ પહેલાં ત્રાટકેલા શક્તિશાળી વાવાઝોડાની અસર જોવા મળી હતી. રાય વાવાઝોડાએ હજારો લોકોને મૂળભૂત સુવિધાઓથી વંચિત કરી દીધા હતા. આ કુદરતી આપત્તિમાં ૪૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા જ્યારે પાંચ લાખથી વધુ લોકો બેઘર થઈ ગયા હતા.
Comments
Post a Comment