ક્રિસમસ સમારંભમાં ગુલામ નબી આઝાદે કહ્યું- તલવારના ડરથી નહીં, પ્રભાવિત થઈને ધર્માંતરણ કરી રહ્યા છે લોકો
- ક્ષેત્ર, જાતિ, પંથ, મંદિર, મસ્જિદ, ગુરૂદ્વારા અને ચર્ચ ફક્ત ચૂંટણી જીતવા માટે નથીઃ આઝાદ
નવી દિલ્હી, તા. 26 ડિસેમ્બર, 2021, રવિવાર
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ જમ્મુ કાશ્મીરના ઉધમપુર ખાતે ક્રિસમસ પ્રસંગે એક કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, લોકો જો ધર્માંતરણ કરી રહ્યા છે તો તે તલવારના ડરથી નહીં પણ પોતાની મરજીથી, કોઈનાથી પ્રભાવિત થયા બાદ જ ધર્માંતરણ કરે છે. આ દરમિયાન આઝાદે લોકોને દેશને નુકસાન પહોંચાડવાના વિભાજનકારી રાજકારણથી પણ ચેતવ્યા હતા.
ગુલામ નબી આઝાદે ધર્માંતરણ મામલે કહ્યું કે, જો કોઈ ધર્મ પરિવર્તન કરી રહ્યું છે તો તે તલવારનો ઉપયોગ નથી કરી રહ્યા, જે આમ પણ આજકાલ ઉપયોગમાં નથી. પરંતુ તે તો સારૂં કામ અને લોકોનું ચરિત્ર છે જે અન્ય લોકોને પ્રભાવિત કરી રહ્યું છે.
આઝાદે કહ્યું કે, તમે જ્યારે આદર્શ બની જાઓ છો ત્યારે જ લોકો પ્રભાવિત થયા બાદ પરિવર્તન કરે છે. લોકો પ્રભાવિત થયા બાદ પરિવર્તન કરે છે કારણ કે, તેઓ જોવે છે કે, આ વિશેષ ધર્મ માનવતાની સેવા કરી રહ્યો છે, સૌને સાથે લઈને ચાલી રહ્યો છે અને ભેદભાવ નથી કરી રહ્યો. આઝાદે કહ્યું કે, પ્રેમ વડે કાંઈ પણ હાંસલ કરી શકાય છે, નફરત કે ડરથી નહીં.
કેટલાક નેતાઓ કાચિંડાની જેમ રંગ બદલે છે
વરિષ્ઠ કોંગ્રેસી નેતાએ કહ્યું કે, ઉપરવાળાએ મનુષ્યને જરૂર કરતાં ઘણું વધારે આપ્યું છે. તો પછી આ લડાઈ શેના માટે છે. તેના પાછળનું કારણ રાજકારણ છે. કેટલાક નેતાઓ કાચિંડાની જેમ રંગ બદલે છે, લોકોને વિભાજિત કરે છે અને ધર્મના આધાર પર નફરત ફેલાવે છે. ક્ષેત્ર, જાતિ, પંથ, મંદિર, મસ્જિદ, ગુરૂદ્વારા અને ચર્ચ ફક્ત ચૂંટણી જીતવા માટે નથી.
લોકોમાં ભાગલા પાડવાથી દેશને નુકસાન
ગુલામ નબી આઝાદે કોઈનું નામ લીધા વગર જ સવાલ કર્યો હતો કે, આપણે લોકો સરપંચ, જિલ્લા અને બ્લોક વિકાસ પરિષદો, સાંસદ કે ધારાસભ્યની ચૂંટણી જીતવા માટે ક્યાં સુધી સમાજને વિભાજિત કરીશું. તમે તમારા સત્કર્મ, માનવ સેવા વડે કાંઈ પણ હાંસલ કરી શકો છો પરંતુ લોકોમાં ભાગલા પાડવાથી અને નફરત ફેલાવવાથી દેશ, ધર્મ અને સમાજને જ નુકસાન થશે.
Comments
Post a Comment