દેશની રાજધાની દર વર્ષની જેમ આ શિયાળામાં પણ ગેસ ચેમ્બર બની જશે?
પ્રદૂષણની કાયમી સમસ્યાને નાથવા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે દિલ્હી અને આસપાસના રાજ્યોની સરકારોને અનેક દિશાનિર્દેશો આપ્યાં છે તેમ છતાં શિયાળો આવતા તો ઝેરી હવા ખતરનાક સ્તરે પહોંચી જાય છે અને આગામી દિવસોમાં પરિસ્થિતિ વધારે વણસવાની ચેતવણી આપવામાં આવી છે
દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણે માઝા મૂકી છે. જેમ જેમ શિયાળો નજીક આવી રહ્યો છે તેમ તેમ દિલ્હી અને એનસીઆરની હવા વધારે ને વધારે ઝેરી બની રહી છે. પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે અને વાતાવરણ પણ ધૂંધળું થવા લાગ્યું છે.
દિલ્હી પ્રદૂષણ બોર્ડે હજુ તો નવેમ્બરમાં દેશની રાજધાનીમાં હવા વધારે પ્રદૂષિત થવાની ચેતવણી આપી છે. એમાં પણ દીવાળી બાદ પરિસ્થિતિ વધારે વણસવાની શક્યતા છે.
દિલ્હીમાં હવામાન બદતર બની જવાની વાત નવી નથી, છેલ્લા ચાર-પાંચ વર્ષોથી શિયાળો શરૂ થતાં જ દેશની રાજધાનીની હવા ઝેરી બનવા લાગે છે. ડિસેમ્બર ૨૦૧૫માં તો દિલ્હી હાઇ કોર્ટે કડક શબ્દોમાં ઝાટકણી કાઢતા દિલ્હીને ગેસ ચેમ્બર ગણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પણ અવારનવાર દિલ્હી સરકારને પ્રદૂષણ નાથવા ઉચિત પગલા લેવા ધમકાવ્યું છે પરંતુ દિલ્હીમાં સરકારો બદલાતી રહે છે પરંતુ પ્રદૂષણના મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવતો નથી.
એર ક્વોલિટી એટલે કે હવાની ગુણવત્તા માપવાના ઘણાં માપદંડ છે પરંતુ જેમાં સૌથી વધારે પ્રચલિત છે હવામાં પીએમ ૨.૫ અને પીએમ ૧૦નું પ્રમાણ. પીએમ નો અર્થ છે પાર્ટિક્યૂલેટ મેટર એટલે કે હવામાં રહેલા સૂક્ષ્મ કણો. પીએમ ૨.૫ અને પીએમ ૧૦ આ કણોની સાઇઝ દર્શાવે છે. સામાન્ય રીતે આપણા શરીર પરના વાળની સાઇઝ પીએમ ૫૦ જેટલી હોય છે.
એના પરથી અંદાજ લગાવી શકાય કે પીએમ ૨.૫ અને પીએમ ૧૦ કેટલા સૂક્ષ્મ કણ હશે. સામાન્ય સંજોગોમાં ૨૪ કલાકમાં હવામાં પીએમ ૨.૫નું પ્રમાણ ૬૦ માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર હોવું જોઇએ અને પીએમ ૧૦નું પ્રમાણ ૧૦૦ માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર હોવું જોઇએ. આ કણોનું આના કરતા વધારે પ્રમાણ હોય તો એ સ્થિતિ ભયજનક ગણાય.
પીએમ ૨.૫નું સ્તર આપણા દેશના હિસાબે ૬૦ અને આંતરરાષ્ટ્રીય માપદંડ પ્રમાણે ૨૫ યૂનિટ હોવું જોઇએ. હાલના દિવસોમાં દિલ્હીમાં પીએમ ૨.૫નું પ્રમાણ ૨૧૭ના આંકડે પહોંચી ગયું છે. પીએમ ૨.૫નું પ્રમાણ ૩૦૦ સુધી પણ પહોંચે તો પરિસ્થિતિને અત્યંત ખતરનાક ગણવામાં આવે છે એ જોતાં હાલ દિલ્હી અને એનસીઆરની પરિસ્થિતિ ખતરનાક બનવા તરફ છે.
તો દિલ્હી અને એનસીઆરના કેટલાક વિસ્તારોમાં પીએમ ૧૦નું પ્રમાણ ૩૪૭ થઇ ગયું છે જે સામાન્ય કરતા ત્રણ ગણું વધારે છે. સાદા શબ્દોમાં કહીએ તો શ્વાસમાં જે હવા લેવામાં આવે એ જ ઝેર બની ચૂકી છે. દિલ્હીની હોસ્પિટલોમાં શ્વાસના દર્દીઓની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે.
વાતાવરણમાં આટલી ભારે માત્રામાં ઝેરી કણો ભળેલા હોય ત્યારે જીવનું જોખમ આવી પડે છે. ખાસ કરીને બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધો માટે જોખમ ઘણું વધી જાય છે. સ્મોગમાં રહેલા સૂક્ષ્મ કણો શ્વાસની સાથે શરીરમાં જતાં ગંભીર પ્રકારના બ્રોન્કાઇટિસ, ફેફસાંનું કેન્સર અને હૃદયની બીમારી જેવા જીવલેણ રોગો થવાની શક્યતા વધી જાય છે. અસ્થમાના દર્દીઓને હુમલાનું પ્રમાણ વધી જાય છે. બ્લડપ્રેશરના દર્દીઓને બ્રેઇન સ્ટ્રોક આવવાની શક્યતા વધી જાય છે.
આ સાથે જ ખાંસી, શરદી, છાતીમાં દુઃખાવો, ચામડીના રોગો, વાળ ઉતરવા જેવી સમસ્યાઓ પણ થાય છે. એક રિપોર્ટ અનુસાર દિલ્હીમાં ૧૦માંથી ૪ બાળકો ફેફસાંની કોઇ બીમારીથી પીડાય છે. બે વર્ષથી વધારે વયના બાળકોમાં અસ્થમાનું પ્રમાણ વધ્યું છે. ૧૩ વર્ષથી ઓછી વયના બાળકોમાં બ્રોન્કાઇટિસની સમસ્યા વધી છે.
દિલ્હીના લોકો અને ખાસ કરીને હૃદય અને ફેફસાંના રોગોના દર્દીઓ, વૃદ્ધો અને બાળકોને લાંબા સમય સુધી વધારે પ્રદૂષણવાળા વિસ્તારોમાં ન ફરવાની સલાહ આપવામાં આવી છે. એ ઉપરાંત ઘરના બારી બારણા બંધ રાખવાની તેમજ બહાર નીકળતી વખતે મોંઢા ઉપર માસ્ક લગાવવાની સલાહ પણ આપવામાં આવી છે.
આમ તો પ્રદૂષણના કારણે હવામાં હાનિકારક કણો બારે માસ ભળતા હોય છે પરંતુ શિયાળામાં સંજોગો થોડા અલગ હોય છે. સામાન્ય સંજોગોમાં આવા કણો વાતાવરણના ઉપલા સ્તરમાં જતાં રહેતા હોય છે પરંતુ શિયાળામાં ઠંડી વધે ત્યારે આવા હાનિકારક કણો ઉપલા સ્તરમાં ન જતા વાતાવરણના નીચલા સ્તરમાં જ તોળાતા રહે છે. હજુ તો શિયાળામાં ઠંડી વધતા આગામી દિવસોમાં ઝેરી હવા ઓર વધવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
દિલ્હી-એનસીઆરના માથે પ્રદૂષણનું ઝેરી વાદળ રચાવા પાછળ એક કરતા વધારે પરિબળો ભાગ ભજવે છે. એ તો જગજાહેર છે કે જ્યાં ઔદ્યોગિક કામકાજ વધારે પ્રમાણમાં થતું હોય ત્યાં પ્રદૂષણ વધારે પ્રમાણમાં થાય છે. દિલ્હી જેવા શહેરોમાં ફેકટરીઓ મોટા પ્રમાણમાં હોય છે અને સામા પક્ષે પ્રદૂષણને અંકુશમાં રાખતી વનસ્પતિ ઓછા પ્રમાણમાં હોય છે.
બીજું કારણ છે ડીઝલ જનરેટરોનો વધારે પ્રમાણમાં થયો ઉપયોગ જેના કારણે પ્રદૂષણનું પ્રમાણ વધે છે. બે વર્ષ પહેલાં ડીઝલ પર ચાલતી ટ્રકોની જકાતમાં ભારે વધારો કરીને ડીઝલ દ્વારા ફેલાતા પ્રદૂષણ પર અંકુશ રાખવાનો પ્રયાસ થયો હતો. આ વખતે પણ પ્રદૂષણ ફેલાવતા અનેક યૂનિટોને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
રાજધાનીના લોકોની આવક વધતા ખરીદક્ષમતા વધી છે જેના પગલે કારોના વેચાણમાં મોટો ઉછાળો આવ્યો છે. રોજ રાતે દિલ્હીની સડકો પર આશરે એક કરોડ કારો ફરતી હોય છે જેના ધૂમાડા દ્વારા ફેલાતું પ્રદૂષણ વાતાવરણમાં ભળતું રહે છે. સડકો પર ફરતા ખાનગી વાહનોને ઓછા કરવા ગયા વર્ષે દિલ્હી સરકારે ઓડ-ઇવન ફોર્મૂલા પણ લાગુ કરી હતી.
હજુ તો દીવાળી આવી રહી છે અને દીવાળીના તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં ફોડવામાં આવતા ફટાકડાના કારણે વાતાવરણમાં ઝેરી કણો મોટી માત્રામાં ભળે છે. સુપ્રીમ કોર્ટે રાતના આઠથી દસ એમ માત્ર બે જ કલાક ફટાકડા ફોડવાની પરવાનગી આપી છે. પરંતુ એનો કેટલો અમલ થાય છે એ મોટો સવાલ છે.
ગયા વર્ષે પણ સુપ્રીમ કોર્ટે દલ્હીમાં ફટાકડાના વેચાણ ઉપર જ પ્રતિબંધ મૂકી દીધો હતો. પરંતુ કોર્ટના આવા પ્રતિબંધની ખાસ અસર જોવા નહોતી મળી. લોકોએ બીજા વિસ્તારોમાંથી ફટાકડાં લાવીને પણ આતશબાજીની મજા લીધી હતી.
દિલ્હીમાં જે રીતે વિકાસ વધી રહ્યો છે તેના પગલે ઇમારતોના બાંધકામમાં ભારે વધારો થયો છે. આવી ઇમારતોના નિર્માણસ્થળ આસપાસ ધૂળના ઢગલાં જામેલાં હોય છે જે પણ પ્રદૂષણમાં ભારે વધારો કરે છે. ઉપરાંત પાવર પ્લાન્ટોમાં વપરાતા કોલસાના બળતણના કારણે જે પ્રચંડ પ્રમાણમાં ઝેરી વાયુઓ વાતાવરણમાં ભળે છે તેની તો ગણતરી કરવી જ મુશ્કેલ છે.
દિલ્હીના વિકાસની સાથે તેની વસતી પણ કૂદકેને ભૂસકે વધી રહી છે જેનું કારણ છે ઉત્તર ભારતના લાખો લોકો રોજીરોટી માટે દેશની રાજધાનીમાં પહોંચે છે. વસતી વધતા કુદરતી સંસાધનો પર બોજ વધે છે અને પ્રદૂષણમાં પણ વધારો થાય છે.
અન્ય એક કારણ એ છે કે ઓક્ટોબરના અંતથી પશ્ચિમી પવનો દિલ્હી-એનસીઆર તરફ વાય છે જેમાં રાજસ્થાનની સૂકી જમીન અને રણપ્રદેશો તરફથી ધૂળની આંધીઓ પહોંચે છે જે વાતાવરણમાં ભારે કણોનું પ્રમાણ વધારી મૂકે છે. બીજું કારણ એ છે કે શિયાળો આવવાની તૈયારીમાં હોય ત્યારે દિલ્હીની આસપાસના રાજ્યો જેવા કે રાજસ્થાન, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને પંજાબના ખેડૂતો રવીપાક લણી લીધાં પછી વધેલા ઠૂંઠાઓ બાળી મૂકે છે.
આમ તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે આ રીતે ઠૂંઠા બાળવા પર પ્રતિબંધ મૂક્યો છે પરંતુ ખેડૂતો આ પ્રતિબંધને ધરાર અવગણે છે. દિલ્હીમાં પ્રદૂષણ નાથવાના નામે સરકારને હરીફરીને ઓડ-ઇવનનો જ વિચાર આવે છે. ગયા વર્ષે પણ નવેમ્બરમાં પ્રદૂષણે માઝા મૂકી ત્યારે દિલ્હી સરકારે અનેક પગલા લેવાની જાહેરાતો કરી હતી પરંતુ એક વર્ષ બાદ પણ પરિસ્થિતિ જૈસે થે જ છે. ખરેખર તો પ્રદૂષણની સમસ્યા દૂર કરવા સરકાર, સામાજિક સંસ્થાઓ અને લોકોએ સાથે મળીને કામ કરવાની જરૂર છે.
આમ તો વધી રહેલાં પ્રદૂષણને લઇને ભારત સહિત દુનિયાભરમાં કાગારોળ થાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના નવા રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૬માં ભારતમાં પાંચ વર્ષથી ઓછી વયના એક લાખ બાળકો પ્રદૂષણના કારણે મૃત્યુને ભેટયાં. રિપોર્ટ અનુસાર એ વર્ષે દુનિયાભરમાં છ લાખ બાળકો ઝેરી હવાના કારણે મૃત્યુ પામ્યા એ જોતાં ઝેરી હવાના કારણે જીવ ગુમાવતા પાંચ બાળકોમાંથી એક ભારતીય હોય છે.
અન્ય એક રિપોર્ટ અનુસાર ૨૦૧૫માં ભારતમાં ૨૫ લાખ કરતા વધારે લોકોના મૃત્યુ થયા હતાં. એ વર્ષે આખી દુનિયામાં પ્રદૂષણના કારણે ૯૦ લાખ લોકોના મૃત્યુ નીપજ્યાં જે જોતાં ૨૮ ટકા લોકોના મૃત્યુ ભારતમાં થયા છે. ચીનમાં એ વર્ષે ૨૨ લાખ લોકોના પ્રદૂષણના કારણે મોત નીપજ્યાં.
આમાં વાયુ પ્રદૂષણના કારણે અધિકતમ લોકોના મૃત્યુ નીપજ્યાં છે. મોટા ભાગના લોકોના મૃત્યુ હૃદય રોગ, હાર્ટ એટેક અને ફેફસાના કેન્સરના કારણે થયા છે. એક રિપોર્ટ પ્રમાણે વાયુ પ્રદૂષણના કારણે દુનિયાભરમાં થતા મૃત્યુના અડધો અડધ મોત ચીન અને ભારતમાં થાય છે.
ખરેખર તો પ્રદૂષણ હવે પર્યાવરણ સાથે જોડાયેલી સમસ્યા નથી રહી, પ્રદૂષણ પોતે જ એક ગંભીર બીમારી બની ગયું છે. દિલ્હીમાં જે રીતે પ્રદૂષણ વધી રહ્યું છે એ જોતાં કાં તો દિલ્હીવાસીઓ શ્વાસ લેવાનું જ બંધ કરી દે જે શક્ય નથી અથવા તો દિલ્હી છોડી દે એ પણ શક્ય નથી. તો તાજી હવામાં શ્વાસ લેવાના મૂળભૂત અધિકાર માટે આંદોલનો ચલાવે એ જ રસ્તો બચ્યો છે.
Comments
Post a Comment