OBOR: વિવિધ દેશોનો હરિરસ એકાએક ખાટો કેમ થઈ ગયો?
પાકિસ્તાન અને મ્યાંમાર પણ ડ્રેગનથી સાબદા થઈ ગયા છે
આપણે દૂધના દાઝેલા છીએ એટલે છાશ પણ ફૂંકીને પીએ તે સમજી શકાય, પરંતુ જે દેશને ચીનનો અનુભવ નથી એનું શું? કહે છે કે ચેતતા નર સદા સુખી. શ્રીલંકા અને મ્યાંમાર ચેત્યા નહીં એટલે છેતરાઈ ગયા, પરંતુ તેમાંથી ધડો લઈને બીજા દેશો સાબદા થવા લાગ્યા છે.
વન બેલ્ટ વન રોડ યોજનાનું ચીને જ્યારે લોન્ચિંગ કર્યું ત્યારે બહુ મોટો તમાશો થયો હતો. ભારત તેમાં સામેલ ન થવા બદલ એકલવાયું પડી ગયું હતું, પરંતુ ધીમે-ધીમે એક પછી એક દેશોનો હરિરસ ખાટો થઈ જાય છે. પાપ છાપરે ચડીને પોકારે એમ ડ્રેગનના મનનો મેલ વિશ્વ સમક્ષ ઉઘાડો પડતો જઈ રહ્યો છે.
લોન્ચિંગના ત્રણ વર્ષ પછી વન બેલ્ટ વન રોડ યોજના ગાજ્યા મેહ વરસ્યા નહીં-પુરવાર થઈ છે. શરૂઆતમાં જુદા-જુદા રાષ્ટ્રો શામાટે આના સમર્થનમાં હતા? કેમ કે તેમને લાગતું હતું કે ચીન તેમના દેશમાં પૈસા રોકશે તો નવી રોજગારી ઊભી થશે. અર્થતંત્રમાં ગતિ આવશે.
ઉત્સાહમાં ને ઉત્સાહમાં હા તો કહેવાઈ ગઈ, પરંતુ ટાઢા કલેજે વિચાર્યા પછી અને આજુ-બાજુમાં જોયા પછી સમજાયું કે જો જે-તે દેશ ચીને અત્યારે રોકેલા પૈસા ભવિષ્યમાં પરત ન કરી શકે તો ચીન તેના દેશની સંબંધિત મિલકતો પર માલિકી હક કરે છે. તે દેશના સાર્વભૌમત્વ પર તરાપ મારી શકે છે. દૂરથી રળિયામણા લાગેલા ડુંગરા નજીક જઈને જોતા તેમાં ધૂળ અને પથ્થર સિવાય કશું દેખાતું નથી. કોઈ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટીવ લાગુ કરવામાં ઠાગાઠૈયા કરી રહ્યું છે તો કોઈએ તો ઘસીને ના કહી દીધી છે.
૨૦૧૪માં મલેશિયાની સરકારે બીઆરાઈ અંતર્ગત ૫૦ અબજ ડોલરનું રોકાણ કરવા માટે એમઓયુ કર્યા હતા. વિરોધ પક્ષના નેતા ચાઇનીઝ ક્વોલિટીની યોજનાના ઘોર વિરોધી હતા. ગત મેમાં સામાન્ય ચૂંટણીમાં તેઓ વિજેતા બની સત્તામાં આવી જતા ચીનના મનસૂબા અકસ્માતનો ભોગ બનનારી ટ્રેનના ડબાની જેમ ઊથલી ગયા છે.
મહાતિર મોહમ્મદે ૨૫ અબજ ડોલરની યોજના તાત્કાલિક રદ કરી નાખી છે. તેમણે કહ્યું, મલેશિયા વધારે પૈસા ચૂકવી શકે તેમ નથી. એટલે અમે તમારી યોજના રદ કરી છે. અત્યારે અમારી પ્રાથમિકતા દેવું ઓછું કરવાની છે. જો એવું નહીં કરીએ તો નજીકના ભવિષ્યમાં દેવાળુ ફૂંકવાનો વારો આવી શકે છે.
ચીને એવી શરત રાખી હતી કે યોજનાના ૧૫ ટકા પૈસા ચીનની સરકાર ભોગવશે અને ૮૫ ટકા ચીનની બેન્કો. તેમને મળેલા પૈસા બેન્કોએ લોન રૂપે ચૂકવવાના રહેશે.વળી, બીઆઈરઆઈ (ઓબીઓઆર અને બીઆરઆઈ એક જ યોજનાના બે નામ છે. એટલે મહેરબાની કરીને ગૂંચવાતા નહીં.) ના તમામ કોન્ટ્રાક્ટ ચીનની કંપનીઓને જ મળશે. આ માટે મજૂરો પણ ચીનથી જ લાવવાના રહેશે.
પ્રધાન મંત્રી મોહમ્મદે એક ઇન્ટરવ્યૂમાં એવું કહેલું કે ચીનનું રોકાણ ઉપનિવેશનવાદનું નવું રૂપ છે. મારે મલેશિયાને તેનાથી બચાવવું છે. ચીનનું કામ દેશમાં રોકાણ કરવાનું છે. ન કે બહારથી મજૂરોને લાવવાનું. મારું કામ બહારથી રોકાણ અને ટેકનિક લાવવાનું હોવું જોઈએ. ન કે મજૂરો લાવવાનું.
યોજના રદ કરવાનું બીજું એક કારણ તેનું કોસ્ટિંગ છે. તસ્માનિયા વિશ્વવિદ્યાલયમાં એશિયા વિભાગના ડિરેક્ટર જેમ્સ ચીને જણાવ્યું કે મલેશિયાની પાછલી સરકારે બહુ મોંઘા સોદા કર્યા હતા. મહાતિરે જે સોદા રદ કર્યા તેમાં ૨૦ અબજ ડોલરની પડતર ધરાવતી ઇસ્ટ કોસ્ટ રેલ લિન્ક યોજના પણ સામેલ છે. યાને એક કિ.મી. રેલ લાઇન બનાવવામાં ૧૧ કરોડ ડોલરનો ખર્ચો.
(હોય ક્યાંય બાપુજીના ઘરે?) તેની સામે બાંગલાદેશની પદ્મ રેલલાઇન જુઓ. એ પણ ચીની કંપની જ બનાવી રહી છે, પરંતુ તેનું કોસ્ટિંગ પ્રતિ કિલોમીટર ૧ કરોડ ડોલરનું છે. ક્યાં એક કરોડ ડોલર અને ક્યાં ૧૧ કરોડ? બે દેશની એકસરખી પરીયોજનાની પડતર અલગ-અલગ હોઈ શકે, પણ આટલું વિશાળ અંતર કેવીરીતે હોઈ શકે? જે ગેસપાઇપલાઇન પ્રોજેક્ટ રદ કર્યો છે તેની શરતો એવી હતી કે તેમાં માંડ ૧૩ ટકા કામ પૂરું થાય ત્યાં પ્રોજેક્ટના બજેટના ૯૦ ટકા પૈસા ચીન પાસે પહોંચી ગયા હોય.
મલેશિયામાં ઓલરેડી ચીનાઓની વસ્તી સારી એવી થઈ ગઈ છે. જો ત્યાં બેલ્ટ એન્ડ રોડ યોજના અંતર્ગત વધુ લોકો આવે તો થોડા વર્ષોમાં તેની ડેમોગ્રાફીમાં પલટો આવી જાય તેમાં બે મત નથી. ભારતના આમ તો તમામ પડોશીઓ ચીનની ગોદમાં સરી ગયા છે. આ આપણી ડિપ્લોમેટિક નિષ્ફળતા છે. કડવું છે, પણ સત્ય છે. તેમ છતાં આપણા માટે સારી વાત એ છે કે તેમને ચીનની લુચ્ચાઈનો અહેસાસ થવા લાગ્યો છે.
મલેશિયા પછી હવે મ્યાંમાર પણ ટેન્શનમાં આવી ગયું છે. મ્યાંમારમાં ચીન ગેસ, તેલ સહિત વિવિધ પ્રોજેક્ટ્સમાં કામ કરી રહ્યું છે. એક પ્રોજેક્ટ ક્યાઊકપ્યૂ બંદરગાહ તૈયાર કરવાનો છે. આ પ્રોજેક્ટની પડતર કિંમત ૭.૩ અબજ ડોલર નક્કી કરાઈ છે. ૨૦૧૬માં ચીને ૮૫ ટકા રોકાણ કરવાની શરત મૂકી હતી. થોડા સમય પહેલા મ્યાંમારે ચીન પાસેથી આટલા બધા પૈસા લેવાનો ઇનકાર કરી દીધો. તેણે આમા કાપ મૂકવા કહ્યું. છેવટે ૭૦ ટકા લોનરૂપી રોકાણ ચીન કરશે તેવું નક્કી થયું છે.
મ્યાંમારે કહ્યું કે અમે શ્રીલંકાનું ઉદાહરણ જોઈને ચેતી ગયા છીએ. ચીને જે હમ્બનટોટા બંદર સંદર્ભે શ્રીલંકા સાથે કર્યું છે તેવું ભવિષ્યમાં અમારી સાથે પણ થઈ શકે છે. ચીને શ્રીલંકાને એક અબજ ડોલરની કિંમતે હમ્બનટોટા બંદરગાહ ડેવલોપ કરી આપ્યું હતું. શ્રીલંકાએ આ રકમ હપ્તે-હપ્તે ચૂકવી દેવાની હતી.
શ્રીલંકા હવે તે ચૂકવી શકે તેમ ન હોવાથી બંદરગાહ ચીનની જ એક કંપનીને ૯૯ વર્ષની લીઝ પર આપી દેવામાં આવ્યું છે. મ્યાંમારે જ્યારે જોયું કે મલેશિયા અવાજ ઉઠાવી રહ્યું છે તો તેણે પણ હિંમત કરીને કહી દીધું કે અમે બંદરગાહ નિર્માણની તોતિંગ લોન ચૂકવી શકીશું નહીં. આથી તેનું કોસ્ટિંગ ૭.૩ અબજ ડોલરમાંથી ઘટાડીને ૧.૩ અબજ ડોલર કરી નાખો.
મ્યાંમારના ઉપ નાણાંમંત્રી સેટ આંગે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે અમે ચીનના દેવાથી બચવા માગીએ છીએ. અમારે આટલું મોટું બંદરગાહ નથી જોઈતું જેવડું તે બનાવવા માગે છે. અત્યારે નાનું બંદર બનાવી ભવિષ્યમાં જરૂરિયાત પ્રમાણે તેનો વિસ્તાર કરી શકાય.
આંગ સાંગ સૂ કીના આર્થિક મામલાના સલાહકાર શૉન ટર્નેલ પણ કહે છે કે ૧.૩ અબજ ડોલરની કિંમતે જે બંદર બનશે તે મ્યાંમારના વિકાસ માટે પર્યાપ્ત હશે. દેર આયે દુરસ્ત આયે. મ્યાંમાર બચી ગયું. પસ્તાવાનો વારો આવે એ પહેલા તેને જ્ઞાાન લાધી ગયું છે.
મ્યાંમારમાં મોટું બંદર બને તેમાં ફાયદો ચીનનો છે. તે એશિયા અને આફ્રિકામાં આયાત-નિકાસ થતા ક્રૂડ ઓઇલ અને અન્ય ચીજવસ્તુઓનો વેપાર વધારે સુલભ અને સગવડતાપૂર્ણ બને તે માટે આ બંદરનો હાથી જેવો મહાકાય વિકાસ કરવા માગે છે. જો ચીન પોતાના ફાયદા માટે મ્યાંમારનું બંદર બનાવતું હોય તો પછી મ્યાંમારે શામાટે લોન ચૂકવવાની? આ જ તો ચીનની ચાલ છે. જો બારીકીથી જોશો તો સમજાશે કે તે અન્ય દેશોના પૈસાથી વન બેલ્ટ વન રોડ યોજનાનો વિકાસ કરવા માગે છે.
પાકિસ્તાન પણ ચીનને શંકાની નજરથી જોવા લાગ્યું છે તે આપણા માટે ગૂડ ન્યૂઝ છે કે બેડ ન્યૂઝ? અફ કોર્સ ગુડ ન્યૂઝ. કેમ કે પાકિસ્તાન ભલે અત્યારે આપણું શત્રુ છે પણ કાયમ રહેવાનું નથી. અને તેના ભૌગોલિક, સાંસ્કૃતિક હિતો ભારત સાથે જોડાયેલા છે. ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર મામલે ચીને વાંધો ઉઠાવવાનું શરૂ કર્યું છે. ઇમરાન ખાનની સરકાર કહે છે કે અમે આટલું બધું દેવું ચૂકવી શકીશું નહીં. એટલે યોજનાનું બજેટ ઘટાડો.
પાકિસ્તાને ખતરો ટાળવા માટે સાઉદી અરેબિયાને સી-પેકમાં ત્રીજો ભાગીદાર બનાવવા માટે ઑફર કરી. ચીનને પહેલેથી અને સારી પેઠે જાણતા સાઉદી અરેબિયાએ તરત જ નનૈયો ભણી દીધો. આથી પાકિસ્તાનનો હરિરસ વધારે ખાટો થઈ ગયો છે. સીપેકમાં ચીને જે શરત રાખી છે તે પણ પાક સરકારને વસમી લાગે છે. લેખમાં જે તસવીર છે તેમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યી ઇમરાન ખાન સાથે બેઠેલા દેખાય છે. જસ્ટ થોડા સમય પહેલા ઇસ્લામાબાદમાં તેમની મુલાકાત ગોઠવાઈ હતી. ઇમરાને વાંગ યીને સીપેકની શરતો નવેસરથી તૈયાર કરવાનું કહી દીધું છે.
ઇન્ડોનેશિયા, લાઓસ, કઝાખસ્તાન, બાંગ્લાદેશ અને બીઆરઆઈના પ્રોજેક્ટ્સ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. બધાને ધીરે-ધીરે સમજાવા લાગ્યું છે. માલદીવના ટાપુ ગ્લોબલ વોર્મિંગને લીધે દરિયા ડૂબશે ત્યારે ડૂબશે પણ ચીનના દેવામાં અત્યારથી ડૂબવા લાગ્યા છે. તેના નવા ચૂંટાયેલા પ્રમુખ મોહમ્મદ સાલેહે આ બાબતે ચિંતા વ્યક્ત કરી છે.
જે દેશો ચીનથી હતાશ છે તેમને ભારત તરફ કઈરીતે ખેંચવા તે આપણા રાજદ્વારીઓના હાથમાં છે. આવી સોનેરી તકનોય તેઓ લાભ ન ઉઠાવી શકે તો પછી ભગવાન બચાવે.
આજની નવી જોક
લીલી (છગનને): મારી ઉંમર ૪૮ વર્ષ થઈ તોય તમારા મિત્ર મારા સૌંદર્યની પ્રશંસા કરે છે.
છગન: એ જરૂર મગન હશે.
લીલી (અચરજ સાથે ખુશ થતા): તમને કેમ ખબર પડી!?
છગન: એ ભંગારનો વેપારી છે.
Comments
Post a Comment