સંયુક્ત કુટુંબો તૂટવા લાગ્યા ત્યારથી નેનીની ડીમાન્ડ વધી
ટોપની ચાઇલ્ડ સેલીબ્રીટીમાં કરીના કપુર અને સૈફઅલીખાનના પુત્ર તૈમુરનો સમાવેશ થાય છે. મોટા ઘરોમાં પ્રેગનન્સી માટે પણ પ્લાનીંગ થાય છે અને તે સાથેજ બાળકની સાચવણી માટે નેની માટેની શોધખોળ શરુ થઇ જાય છે.
કહે છે કે તૈમુર માટે જે નેની રાખવામાં આવી છે તેનો પગાર દોઢ લાખ રુપિયા છે. કરીના-સૈફની આવક જોતાં નેનીનો દોઢ લાખ પગાર એ ઘણો ઓછો કહેવાય છતાં સામાન્ય રીતે નેની માટે જે ૧૫-૨૦ હજારનો એવરેજ પગાર મુંબઇમાં ચાલે છે તેની સરખામણીમાં દોઢ લાખ પગાર અધધધ રહી શકાય.
આપણે જેને બેબી સીટર કે આયા કહીએ છીએ તેને યુરોપમાં નેની કહે છે તો અમેરિકામાં તેને કેરટેકર કે મેઇડ કહે છે. તેને નોકરાણી નથી કહેવાતી કેમે તેનું એક માત્ર કામ બાળ ઉછેરનું હોય છે. રાજા રજવાડાના સમયમાં તેને દાસી કહેવામાં આવતી હતી. દાસી એટલે ચાકરી કરનાર. યુરોપના દેશો અને અમેરિકામાં નેનીની એટલી ડીમાન્ડ છે કે તે બનવાના કોર્સ ચાલે છે. તેના સર્ટીફીકેટ પણ આપવામાં આવે છે આ સર્ટીફીકેટ ચેક કરીને તેને નોકરી આપવામાં આવે છે.
આયા, નેની, બેબીસીટર વગેરે સર્વીસ સેક્ટરમાં આવે છે. તેમની આવક અને ડીમાન્ડ બન્ને સારી છે. જ્યારથી સ્ત્રીઓ નોકરી કરતી થઇ છે ત્યારથી બેબીસીટરની ડીમાન્ડ ઉભી થઇ છે. આ ઉપરાંત જ્યારથી સંયુક્ત કુટુબોની ભાવના તૂટી છે ત્યારથી પણ બેબી સીટરની ડીમાન્ડ વધી છે.
પૈસાદાર ઘરાનાઓમાં બેબી સીટર સિવાયનો કોઇ વિકલ્પ નથી હોતો તો ઉચ્ચ મધ્યમ વર્ગમાં દેખાદેખીનો માહોલ હોય છે. મધ્યમવર્ગ અને શ્રમજીવી વર્ગમાં છોકરું ક્યારે મોટું થાય તેની ખબર પણ નથી પડતી કેમકે કુટુંબની સિનિયર મહિલાઓમાં છોકરાં ઉછેરવાનો ઘણો અનુભવ હોય છે.
સારી મેઇડ કે સારી બોબી સીટર મળવી એ નસીબની વાત હોય છે.ક્યારેક એવું સાંભળવા મળે છે કે કપલની ગેરહાજરીમાં બેબીસીટર બાળકને ફટકારતી હોય છે. તેનું ખાવાનું સમયસર નથી આપતી તે તો ઠીક પણ તેના પતિ કે બોય ફ્રેન્ડને ઘેર બોલાવીને જલસા કરે છે. કેટલીક બેબી સીટર તેના માલિક કપલની વાતો બધેજ કરતી હોય છે .
આમ કપલ વચ્ચેની કોન્ફીડેન્શીયલ વાતો જગજાહેર થઇ જાય છે. યુરોપમાં ચાલતા નેની બનવાના કોર્સમાં જ્યાં નોકરી કરતા હોય ત્યાંની વાતો ખાનગી રાખવાની કળા શીખવાડતા ખાસ લેશન હોય છે. જ્યારે કપલ થાકીને ઘેર આવતું હોય ત્યારે તે પોતાના ફેમીલી સાથે અંગત વાતો કરતું હોય છે.
કેટલીક નેની બહુ વાતોડીયણ હોય છે. ઘેર કોઇ મળવા આવ્યું હોય તો વગર કશું પૂછે તે વાતો કરવા લાગી જાય છે. તેનું ધ્યાન બાળ ઉછેરના બદલે વાતોનાં વડાં કરવામાં વધુ હોય છે. જ્યાં સુઘી બોલાવવામાં ના આવે ત્યાં સુધી રુમની બહાર ના આવવું જેવી એટીકેટ પણ તેને શીખવાડાય છે.
નેનીના કોર્સ ચલાવતી યુરોપની કોલેજોમાં રોબોટ બેબી પર પ્રયોગો થાય છે. જેમાં ડાયપર બદલાવવાથી માંડીને બેબીને કેવીરીતે નવડાવવું તે શિખવાડાય છે. બ્રિટનના રાજવી પરિવારમાં નેનીને રહેવાની ખાસ સવલત આપાતી હોય છે. તેના પગારમાં અનેક બોનસ તેમજ ગીફ્ટ વગેરેનો સમાવેશ થાય છે. નાનકડા બેબીને રાખવું આસાન નથી હોતું. નાનું બાળક નેનીનેજ પોતાની મા સમજવા લાગે છે.
કેમકે તેને જોઇતી હૂંફ બેબીસીટર પુરી પાડે છે. નેની ને જોઇતી તમામ સવલતો પુરી પાડવામાં આવે છે. કેમકે નેની બાળકની નાનામાં નાની જરુરીઆત પુરી કરતી હોય છે. એટલેજ બાળક તેને મા માનવા લાગે છે. થોડા મોેટા થયા પછી તેને મા અને નેની વચ્ચેનો ભેદ ખબર પડે છે છતાં તેને મા કરતાં નેનીનો સહવાસ વધુ ગમતો હોય છે. આપણે ત્યાં કુટુંબના દરેક સભ્યોની હૂંફ વચ્ચે બાળક ઉછરતું હોય છે.
ઘણી મહિલાઓને તેમની દીકરીની પ્રેગનન્સી દરમ્યાન વિદેશ જવા મળે છે. દીકરીની વ્યથાને સોથી વધુ મા સમજી શકે છે એવી રીતે દીકરીને મા પર જેટલો ભરોસો હોય છે એટલો ભરોસો કોઇ પર હોતો નથી. વિદેશ જઇને મા ડીલીવરીનું ધ્યાન આપવાની સાથે-સાથે તે ત્રણ ચાર મહિના બાળકના ઉછેરમાં પણ પુરતું ધ્યાન રાખે છે.
હકીકતે તો તે સુપર નેનીની ભૂમિકા ભજવે છે. પૈસાદાર ઘરોમાં બાળ ઉછેરના બદલે પૈસા પર વધુ ધ્યાન આપવામાં આવે છે. બાળ ઉછેરમાં કરલું રોકાણ કે આપેલો સમય લાંબા ગાળે ઉપયોગી બને છે. જોકે નેની એટલે નેની અને મા એટલે મા એ આ પૈસાદારોને કોણ સમજાવશે?
- પ્રસંગપટ
Comments
Post a Comment