કોઈ પણ સંસ્થા અંતે તો માણસો જ ચલાવતા હોય છે

તમને એમ લાગતું હશે કે સુપ્રીમ કોર્ટે સીબીઆઇના નવા ડિરેક્ટર નીમીને એક વિશ્વસનીય સંસ્થાને રાજકારણના કંટ્રોલમાંથી છોડાવી છે.

જો કે એક સત્ય સમજી લેવું જોઈએ કે કોઈ પણ સંસ્થા બંધારણને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવા કટિબદ્ધ હોય પણ અંતે તો તેમાં નીમાયેલા પુરુષો કે સ્ત્રીઓ જ વહીવટ કરતા હોય છે.

બીજું પણ યાદ રાખવું જોઇએ કે ૧૯૫૦ના આપણા બંધારણમાં અત્યાર સુધીમાં ૧૦૦ વાર સુધારા થયા છે. એવો પણ દાવો કરાતો આવ્યો છે કે, જે લોકોએ આઝાદી મેળવી હતી તેમણે મહામહેનતે બંધારણ તૈયાર કર્યું છે.

પશ્ચિમના બંધારણમાં જે સારી વાતો કહી હતી તેને સમાવી છે. જો કે ૨૨૫ વર્ષ પહેલા તૈયાર કરાયેલા અમેરિકાના બંધારણમાં માંડ ૨૭ વાર સુધારા કરાયા છે જ્યારે આપણે ૭૦ વર્ષમાં ૧૦૦ વાર સુધારા કર્યા છે અને આ પ્રોસેસ ચાલુ છે.

કમનસીબી જુઓ, અમેરિકાએ પ્રથમ એમેન્ડમેન્ટ ફ્રીડમ ઓફ પ્રેસના રક્ષણ માટે કર્યું હતું. જ્યારે આપણે ત્યાં ફ્રીડમ ઓફ પ્રેસ પર નિયંત્રણ માટે એમેન્ડમેન્ટ થયું હતું. આપણે જે કોઈ સરકારી સિસ્ટમ ઉભી કરીએ છીએ તેને કેવી રીતે ચલાવવી તે અંતે તો માણસો જ નક્કી કરે છે. પ્રજાના હિતને ધ્યાનમાં રાખનારા ઘણાં લોકો છે.

પ્રજા વતી પોતાની જાતને 'વોરિયર' સમજી બેઠેલા અરૂણ શૌરી અને પ્રશાંત ભૂષણ જ્યારે સી.બી.આઇ.ના ડીરેક્ટર આલોક વર્માને બચાવવા મેદાનમાં આવે અને તેમને પવિત્ર ગાય કહે એ કેવું ? જો જાન્યુઆરી - ૨૦૧૭માં આલોક વર્મા સીબીઆઇના વડા તરીકે અનફીટ લાગતા હતા તે હવે સૌના પ્રિય કેવી રીતે થઈ ગયા ? જવાબ ખૂબ આસાન છે.

ભૂષણ અને શૌરી જેવા લોકો પોતે ભૂતકાળમાં શું બોલ્યા હતા તેની દરકાર ક્યારેય કરતા નથી. પરંતુ વડાપ્રધાન મોદીને વધુ ને વધુ કેવી રીતે ટાર્ગેટ કરી શકાય તેવું વિચાર્યા કરે છે. એક નાનુ આશ્ચર્ય એ પણ છે કે બની બેઠેલા પ્રોફેશનલ ચળવળકારો પર લોકોને વિશ્વાસ નથી કેમ કે તેમનો પ્રાઇવેટ એજન્ડા કામ કરતો હોય છે.

એ વાત પણ સાચી છે કે રાકેશ અસ્થાનાનો રેકોર્ડ સારો નથી પણ એનો અર્થ એ નથી કે આલોક વર્માને તેમના જુનિયરને ટાર્ગેટ બનાવવાનું અને ખોટા કેસોમાં ભરાવી દેવાનું લાયસન્સ મળી ગયું છે. પરિસ્થિતિ એવી આવી કે વર્મા અને આસ્થાના એકબીજા સામે કેસો કરવા લાગ્યા હતા. આ બંનેને ચાલુ પગારે રજા પર ઉતારવાનું સરકારે ઉત્તમ પગલું ભર્યું હતું. દેશની મુખ્ય તપાસ એજન્સીના બંને અધિકારીઓને રજા પર ઉતારી દેવાની વાત ઘણાંને ખૂંચવા લાગી હતી.

વ્હાઇટ કોલર ક્રાઇમમાં જ્યારે વિવિધ વર્ગના લોકો પકડાતા હતા ત્યારે તેમની તપાસ સાથે ઘણી લીંકો પણ મળતી હતી. બિઝનેસ ગૃહોના ઘણાં લોકો સામે સીબીઆઇની તપાસ ચાલી રહી છે. આ બધા લોકો નારાજ હતા. આ ઇન્કવાયરીઓના કારણે ઘણાંની કેરિયર ખતમ થઈ ગઈ હતી.

ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (એફ.બી.આઇ.) સાથે આપણી તપાસ એજન્સીની સરખામણી કરીએ તો ત્યાં ક્રાઇમ રોકવા, ક્રાઇમની તપાસ કરવા માટે ટેકનોલોજીના નિષ્ણાતોની પણ મદદ લેવાય છે. ચૂંટણીઓમાં રશિયાના ચંચુપાત અંગેની બોબ મુલરે કરેલી તપાસમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ કોઈ દરમ્યાનગીરી કરી શક્યા નહોતા. જ્યારે આપણે ત્યાં તો સરકાર બદલાય એટલે સીબીઆઇનો રંગ પણ બદલાઈ જાય છે.

આપણે બહુ દંભી થવાની જરૂર નથી. જો ચાર સિનિયરો જજો જાહેરમાં ચીફ જસ્ટીસ સામે પોતાના વાંધા-વચકા રજૂ કરી શકતા હોય તો પછી ઉચ્ચ પોલીસ અધિકારીઓ શા માટે જાહેરમાં રજૂઆતો ના કરી શકે ? સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ સામે સિનિયર જજોએ પત્રકારો સામે આક્ષેપો કર્યા હતા. પોલીસ વડાઓએ એ જ સિસ્ટમ રિપીટ કરી છે. સુપ્રીમ કોર્ટે આક્ષેપબાજી કરતા સીબીઆઇના અધિકારીઓ સામે હિલિંગ સિસ્ટમ વાપરી છે. કઈની સામે કેસ બનતો નથી એમ કહી સમતોલ ચુકાદો આપ્યો છે.

તપાસ સોંપી જ નથી
અરૂણ શૌરી એવા પત્રકાર હતા કે તે તેમના જુનિયર પર ગુસ્સે ભરાતા હતા. તેમની રજૂઆત થોડી રંગીન રહેતી હતી જેમ કે રાજકારણીઓ વોમીટ (ઉલટી) કરે છે અને તમે તેને ગળી જાવ છો, જે સમાચાર પત્રોમાં દેખાય છે.

અરૂણ શૌરી હવે રાજકારણી બની ગયા છે એટલે તે ઇચ્છે છે કે તે સરકાર સામે જે કંઈ વોમીટ કરે તેને સમાચાર માધ્યમો છાપે ! સાથે- સાથે એ પણ હકીકત છે કે રાફેલ સોદા સામેની તપાસ સીબીઆઇના ડાયરેક્ટર આલોક વર્મા કરવાના હતા તે પાયા વિનાની અને ઉપજાવી કાઢેલી વાત છે. કેમ કે સીબીઆઇના કોઈ પણ ડાયરેક્ટર પોતાની જાતે કોઈ પણ કેસમાં તપાસ ન કરી શકે. તે માટે તેમણે સરકાર પાસેથી મંજૂરી લેવી પડે. રાજકારણીઓ અધૂરી માહિતી પર આગળ વધે છે અને સમાચાર માધ્યમોની નબળાઈનો ઉપયોગ કરે છે.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો