જીતે તેવાની ખરીદી .

ભારતીય લોકશાહીની હાલત આઈપીએલ ક્રિકેટ મેચ માટેના ખેલાડીઓની હરાજી જેવી થતી જાય છે. ભાજપે આગામી લોકસભાની ચૂંટણી જીતવા માટે પોતાના પક્ષના કેટલાક પસંદગીના ઉમેદવારો સિવાય દેશભરમાં કોંગ્રેસના અને અન્ય પક્ષોના લોકપ્રિય નેતાઓની એકથી સાત પાતાળ સુધી શોધખોળ આદરી છે.

પોતાના જ પક્ષના કાર્યકરો-નેતાઓની સિનિયોરિટી કાપીને આગંતુકોને ઊંચે આસને બેસાડવાની ભાજપની પ્રેક્ટિસ તેમના જ પક્ષના કાર્યકરોને નારાજ કરે છે. દેશના દરેક રાજ્યમાં વિવિધ ઉદ્યોગપતિઓ સાથે કેન્દ્રની એનડીએ સરકારે છેલ્લા સાડા ચાર વરસમાં ગાઢ સંબંધો વિકસાવ્યા છે.

લગભગ દરેક રાજ્યમાં બે-ત્રણ માંધાતા ઉદ્યોગપતિઓને ભાજપે એ જવાબદારી સોંપી છે કે ઈતર પક્ષના વજનદાર નેતાઓને ગમે તેમ કરીને ભાજપમાં લઈ આવો. આ વખતે ભાજપ દ્વારા લોકસભામાં જે કુલ ઉમેદવારો ઊભા રાખવામાં આવશે તેમાં ગઠબંધન પક્ષના ઈતર ઉમેદવારોને બાદ કરતાં જેઓ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડશે તેમાં પણ આવેતુ ઈતરની સંખ્યામાં સારા પ્રમાણમાં હશે.

લોકસભામાં ભાજપ પાસે અત્યારે જે જિલ્લા કક્ષાના જીતેલા સાંસદોનો મોટો સમુદાય વિદ્યમાન છે તેમાંના મોટા ભાગના નેતાઓ સામે તેમના મતવિસ્તારના મતદારોની ભારે નારાજગી પ્રવર્તે છે. હમણાં ગુજરાતમાં જે એકતા યાત્રા નીકળી તેમાં શાસક પક્ષ ભાજપને તેની લોકપ્રિયતાનો નીચે જઈ રહેલો આંક સાક્ષાત અનુભવાયો હોવો જોઈએ કારણ કે અનેક યાત્રામાં ખભે ભગવો ખેસ ધારણ કરવાની મનાઈ ફરમાવવામાં આવી હતી, જેથી કાર્યકરો હોય તે સામાન્ય નાગરિકો જેવા દેખાય અને લોકો યાત્રામાં જોડાયા છે તેવું ચિત્ર ઊભું કરી શકાય.

એકતા યાત્રાના પોસ્ટરો પણ અનેક સ્થળે શિયાળાના 'નવા પવન'થી ફાટી ગયા છે. એટલે કેટલાક મોકાના સ્થળોએ રાજ્ય સરકારે પોસ્ટરોની રક્ષા કરવા માટે પોલીસ જવાનો તૈનાત કરવા પડયા હતા અને એ અંગેની વીડિયો ક્લિપ દેશભરમાં વાયરલ થઈ ગયેલી છે.

જે કેટલાક ઉમેદવારોની 'ખરીદી' ભાજપે ઈ.સ. ૨૦૧૪માં કરી હતી તે જ પ્રેક્ટિસ આ વખતે કામ કરે એમ નથી. કારણ કે ભાજપના નિશાન પર લડવાને બદલે પોતાની લોકપ્રિયતાને કારણે અપક્ષ તરીકે લડનારાઓ પણ અનેક ઉમેદવારરૂપે પ્રગટ થવાના છે. કેન્દ્રમાં એનડીએ સરકારના આજ સુધીના જે 'પરાક્રમો' છે એનાથી ભાજપના નિશ્ચિત મનાતા ઉમેદવારો પણ પોતાના સંભવિત વિજય પરત્વે ચિંતિત છે.

જે રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો સત્તા પર છે ત્યાં અને જ્યાં ભાજપે ટેકો આપીને યુતિ સરકાર રચી છે ત્યાં આ વખતે ભાજપને ભારે નુકસાન જવાની શક્યતા છે. પૂર્વોત્તર ભારત એ વડાપ્રધાન મોદીએ પોતાના અભિમુખ કરેલો નવો અને વિશાળ પ્રદેશ છે. ભલે એની બેઠકો ઓછી હોય તો પણ પૂર્વોત્તરના રાજ્યોની લોકસભાની કુલ બેઠકોનો સરવાળો નાનો નથી. એટલે એ તરફથી ભાજપને ઉજળો પ્રતિસાદ મળવાની આશા હોય તે સ્વાભાવિક છે.

વડાપ્રધાન મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ છેલ્લી ઘડીના 'કલાકાર' તરીકે પણ ઓળખાતા હતા. જે મતવિસ્તાર દેખીતી રીતે સંપૂર્ણ કોંગ્રેસ તરફ જ ઝુકાવ ધરાવતો હોય ત્યાં એક જ સભા યોજીને તેઓ ચિત્ર પલટી શકતા હતા. એ સમય વીતી ગયો છે અને હવે વરવી વાસ્તવિકતાઓ સામે આવ્યા પછી એ જાદુ ચાલે એમ નથી.

આ સંજોગોમાં ભાજપને ચૂંટણી પહેલાના એડવાન્સ ટેકાની જરૂર છે અને એવા એ આગોતરા ટેકા માટે ભાજપ પ્રેરિત ઉદ્યોગપતિઓએ કોંગ્રેસના જીતે તેવા નેતાઓના દ્વાર ખખડાવવા દર દર ભટકવાની શરૂઆત કરી છે. આ નેતાઓના વિણાટકામ માટે કેટલાક નવી પેઢીના નેતાઓને આકર્ષવા માટેની વ્યૂહ રચનાઓ પણ ભાજપે ઘડી રાખી છે.

જીતે તેવા નેતાઓની 'ખરીદી' કરવાનું આ રહસ્યમય ઓપરેશન પેલા ઉદ્યોગપતિ મિત્રોએ ડિસેમ્બર પહેલા પૂરું કરવાનું છે. રાહુલ ગાંધીનો પ્રવાસ અને તેમના રાફેલિયા કેટેગરીના વ્યાખ્યાનો તો દેશભરમાં ચાલુ જ છે અને દરેક રાજ્યમાં કોંગ્રેસ સંગઠનમાં તિરાડો પણ છે. આ સંજોગોમાં મોતી વેરાણા ચોકમાં ઉક્તિ પ્રમાણે કોંગ્રેસના કેટલાક નામી-અનામી છતાં વજનદાર નેતાઓ ભાજપની છાવણી તરફ છાને પગલે આગળ ધપે તો નવાઈ નથી.

કોંગ્રેસની પણ અત્યારે એવી તો કોઈ લોકપ્રિયતા નથી કે તે આસાનીથી સત્તા પર આવે પરંતુ મહેનત કરે અને તેનું વિઝન સ્પષ્ટ કરે તો એનું સંખ્યાબળ વધે. કોંગ્રેસમાં પૂર્ણ વિજય માટે જોઈએ એવો થનગનાટ હજુ દેખાતો નથી. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વિધાનસભા માટે દેખાય છે, પરંતુ રાષ્ટ્રીય સ્તરે વ્યાપક રીતે કોઈપણ વિજેતા નીવડનારા પક્ષમાં અગાઉથી જે અભિજાત લક્ષણો દેખાવા જોઈએ તે નથી ને એના કારણો પણ ઘણા છે. પરંતુ આ સ્થિતિનો લાભ લઈને ગુજરાતમાં જેમ ભાજપ વિરોધપક્ષ થતા થતા રહી ગયો, એ જ રીતે કેન્દ્રમાં પણ ભાજપનો એવો ખુશનુમા ખયાલ છે કે વિરોધપક્ષની પાટલીએ બેસવાનો વારો નહિ આવે.

ભાવિ પ્રબળ હોય છે અને અપ્રગટ હોય છે એ પ્રાચીન ઋષિઓએ ઉચ્ચારેલો સિદ્ધાન્ત છે. ડાર્વિનનો સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટનો સિદ્ધાન્ત બધે લાગુ પડે છે, પણ રાજકારણમાં નહિ! જો એમ જ હોત તો ભારતીય રાજકારણમાં અનફિટ લોકો બહુ જ ઊંચે પહોંચી જતા ન હોત! 

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો