સતત ત્રીજા દિવસે કોરોનાના નવા 16 હજારથી વધુ કેસ, 113નાં મોત
મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 8333 કેસો, 48ના મોત : અમરાવતી-અચલપુરમાં લોકડાઉન લંબાવાયું
નવી દિલ્હી, તા. 27 ફેબ્રૂઆરી, 2021, શનિવાર
સતત ત્રીજા દિવસે દેશભરમાં કોરોનાના નવા દૈનિક કેસોનો આંકડો 16 હજારથી વધુ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16488 કેસો દેશભરમાં નોંધાયા છે અને વધુ 113 લોકોના વાઇરસને કારણે મોત નિપજ્યા છે. જ્યારે સાથે જ 12771 લોકોને સાજા પણ કરી લેવામાં આવ્યા છે.
દેશમાં હાલ કુલ કેસોની સંખ્યા 1,10,79,979 પર પહોંચી ગઇ છે. હાલ દેશભરમાં સૌથી વધુ કેસો મહારાષ્ટ્ર અને કેરળમાં સામે આવવા લાગ્યા છે. જેને પગલે મહારાષ્ટ્રના અમરાવતી અને અચલપુરમાં લોકડાઉનનો સમય વધારી દેવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રના વિદર્ભમાં પણ કેસો ઝડપથી વધી રહ્યા છે. અમરાવતીમાં લોકડાઉન છતા કેસો વધ્યા છે, અમરાવતી-અકોલા ડિવિઝનમાં કોરોનાના 6446 કેસો સામે આવતા પ્રશાસનની ઉંઘ ઉડાવી દીધી છે. જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 8333 કેસો સામે આવ્યા છે.
સતત ચાર દિવસથી દૈનિક આઠ હજારથી વધુ કેસો સામે આવ્યા છે. સાથે જ વધુ 48 લોકોના મોત નિપજ્યા છે. મુંબઇમાં પણ નવા 1035 કેસો સામે આવ્યા અને 3 લોકોના મોત નિપજ્યા છે. બીજી તરફ પહેલી માર્ચથી દેશભરમાં 60 વર્ષથી વધુ વયનાને કોરોનાની રસી આપવાનું કામ શરૂ કરાશે, આ બીજા તબક્કામાં 10 હજાર સરકારી કેન્દ્રો અને 20 હજાર ખાનગી કેન્દ્રો પર રસી અપાશે.
સાથે જ તેમાં 45 વર્ષથી વધુ વયના ચોક્કસ બિમારી હોય તેવા લોકોને પણ રસી આપવામાં પ્રાથમિક્તા અપાશે. સરકારી કેન્દ્રો પર ફ્રીમાં રસી અપાઇ રહી છે જ્યારે ખાનગી કેન્દ્રો પર પ્રતિ વ્યક્તિ દિઠ એક ડોઝના 250 રૂપિયા લેવામાં આવશે. જેમાં રસીનો ચાર્જ 150 રૂપિયા હશે અને 100 રૂપિયા સર્વિસ ચાર્જ લેવામાં આવશે.
લાભાર્થીઓએ પોતાની સાથે એક ફોટો આઇડી પ્રૂફ તરીકે રાખવું જરૂરી રહેશે. જેમાં આધારકાર્ડ, ઇલેક્ટોરલ ફોટો આઇડેટિટી કાર્ડ (એપીક) વગેરે ચાલશે. હાલ જે રાજ્યોમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે ત્યાં વધુ ધ્યાન આપવા કેન્દ્ર સરકારે આદેશ આપ્યા છે. કોરોના ટેસ્ટિંગ વધારવાની સાથે સારવારમાં કોઇ ખામી ન રહે તેવી સુચના જાહેર કરાઇ છે.
વધુ કેસો ધરાવતા જિલ્લાઓને રસી આપવામાં પ્રાથમિક્તા અપાશે
દેશમાં કોરોનાના અચાનક ઉછાળા વચ્ચે પહેલી માર્ચથી રસીકરણનો બીજો તબક્કો શરૂ થવા જઇ રહ્યો છે. આ સિૃથતિ વચ્ચે જે જિલ્લામાં કોરોનાના કેસો હાલ સૌથી વધુ હશે તેને રસી આપવામાં પ્રાથમિક્તા આપવામાં આવશે. આ પહેલા જે રાજ્યોમાં હાલ કેસો ઝડપથી વધી રહ્યા છે તેની સાથે કેન્દ્રએ બેઠક યોજી હતી.
કેન્દ્રીય સચિવ રાજીવ ગૌબાએ જણાવ્યું હતું કે આઠ રાજ્યોમાં છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. આ આઠ રાજ્યોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, જમ્મુ કાશ્મીર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બંગાળ, તેલંગાણાનો સમાવેશ થાય છે કે જ્યાંના સચિવોની સાથે આ બેઠક યોજાઇ હતી. જેમાં રસીકરણ એવા જિલ્લાઓમાં વધુ ઝડપી બનાવવા પર ભાર મુકાયો કે જ્યાં કેસો સૌથી વધુ હોય.
Comments
Post a Comment