બાલાકોટ સ્ટ્રાઇકની વર્ષગાંઠ પર IAFએ બતાવ્યું કઇ રીતે નષ્ટ કરાઇ હતી આતંકવાદી છાવણીઓ
નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી 2021 શનિવાર
આજથી બરાબર બે વર્ષ પહેલાં, 26 ફેબ્રુઆરીએ, જ્યારે IAFના ફાઇટર વિમાનોએ લાઇન ઓફ કન્ટ્રોલને પાર કરીને પાકિસ્તાનના બાલાકોટમાં જૈશના ટ્રેનિંગ કેમ્પો પર બોમ્બવર્ષા કરી હતી, ત્યારે પાકિસ્તાન ધ્રુજી ગયું હતું. બાલાકોટ એરસ્ટ્રાઇકનાં બે વર્ષ પૂરા થતાં એરફોર્સએ એક એવો જ વીડિયો જાહેર કર્યો છે જે બાલાકોટની યાદ અપાવે છે.
બીજી વર્ષગાંઠ પર બાલાકોટ જેવો નજારો
એરફોર્સએ બાલાકોટની બીજી વર્ષગાંઠ નિમિત્તે લાંબા અંતરની સ્ટ્રાઇકની કવાયત કરી છે, જેમાં લક્ષ્યને લેસર ગાઇડ બોમ્બથી ઉડાવી દેતું બતાવવામાં આવ્યું છે. ખાસ બાબત એ છે કે બાલાકોટ મિશન પુરૂ કરનારા મિરાજ એરફોર્સ સ્ક્વોડ્રોને જ આ કર્યું છે, અને વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે લેસર ગાઇડ બોમ્બે તેના નિશાનને અચુક રીતે નષ્ટ કર્યું છે. આ પ્રકારની પ્રેક્ટિસમાં એક ડમી લક્ષ્ય બનાવવામાં આવે છે અને પછી તે બોમ્બ દ્વારા ઉડાવી દેવામાં આવ્યું છે.
આ રીતે થઇ હતી બાલાકોટ સ્ટ્રાઇક
અત્રે ઉલ્લેખનિય છે કે જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં 14 ફેબ્રુઆરી 2019 ના રોજ થયેલા આતંકી હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના 40 જવાનો શહીદ થયા હતા, ત્યારબાદ એરફોર્સએ બાલાકોટ સ્થિત આતંકવાદી છાવણીઓ પર હવાઇ હુમલો કર્યો હતો. ભારતીય એરફોર્સનાં ફાઇટર વિમાનોએ 26 ફેબ્રુઆરી 2019 ના રોજ લાઇન ઓફ કંટ્રોલ (LoC) ને પાર કરીને પાકિસ્તાનનાં બાલાકોટમાં આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો હતો.
સરકારના દાવા મુજબ, મિરાજ 2000 એ આતંકવાદી છાવણીઓ પર લગભગ 1000 કિલો બોમ્બ ફેંક્યા હતાં જેમાં 300 જેટલા આતંકવાદીઓ માર્યા ગયા હતા. પાકિસ્તાન ભારતની આ કાર્યવાહી વિશે તદ્દન અંધારામાં જ રહ્યું હતું. ભારત તરફથી પાકિસ્તાન પર આ હુમલો પુલવામામાં થયેલા આતંકી હુમલાનાં 12 દિવસ બાદ પુલવામાનો બદલો લેવા માટે કરવામાં આવ્યો હતો.
આ અગાઉ ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે ટિ્વટ કર્યું હતું કે, “આજે 2019 માં ભારતીય હવાઇ દળે પુલવામા આતંકી હુમલાનો જવાબ આપીને નવા ભારતનાં આતંકવાદ વિરૂધ્ધ પોતાની નીતિની ફરી સ્પષ્ટતા કરી હતી. હું પુલવામાનાં વીર શહીદોનાં સ્મરણ તથા એરફોર્સની વીરતાને સલામ કરૂ છું, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશ અને આપણા સૈનિકોની સુરક્ષા સર્વોપરી છે."
Comments
Post a Comment