PM મોદીએ લીધો કોરોના વેક્સિનનો પહેલો ડોઝ, AIIMS ખાતે લીધી સ્વદેશી 'કોવેક્સિન'


- વડાપ્રધાને દેશવાસીઓને કોરોના વેક્સિન લેવા વિનંતી કરી

નવી દિલ્હી, તા. 1 માર્ચ, 2021, સોમવાર

આજથી એટલે કે પહેલી માર્ચથી કોરોના વેક્સિનેશનના બીજા તબક્કાની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લઈ લીધો છે. વડાપ્રધાન મોદી પોતાની જાતે જ સવારના પહોરમાં નવી દિલ્હી ખાતે આવેલી એઈમ્સ હોસ્પિટલ પહોંચ્યા હતા અને કોરોના વેક્સિન લીધી હતી. સાથે જ તેમણે દેશવાસીઓને કોરોના વેક્સિન લેવાની વિનંતી પણ કરી હતી. 

વડાપ્રધાને ટ્વીટમાં લખ્યું હતું કે, "મેં એઈમ્સ ખાતે કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો. જે રીતે આપણા ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકોએ કોરોના વિરૂદ્ધની વૈશ્વિક લડાઈ મજબૂત કરવા ઝડપથી કામ કર્યું તે ખૂબ પ્રશંસનીય છે. જે લોકો વેક્સિન લેવા માટે યોગ્ય છે તેઓ વેક્સિન લે તેવી હું વિનંતી કરૂં છું અને આપણે સાથે મળીને ભારતને કોરોનામુક્ત બનાવીએ."

PMએ લીધો પહેલો ડોઝ

જાણવા મળ્યા મુજબ વડાપ્રધાન મોદીએ ભારત બાયોટેકની કોવેક્સિનનો પહેલો ડોઝ લીધો છે. દિલ્હી ખાતેની એઈમ્સ હોસ્પિટલમાં કામ કરતી પુડુચેરીની સિસ્ટર પી નિવેદાએ વડાપ્રધાનને કોરોના વેક્સિનનો ડોઝ આપ્યો હતો. કોવેક્સિન સ્વદેશી વેક્સિન છે જેને ભારતમાં ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી છે. 

કોવેક્સિનની વિશ્વસનીયતા અંગેના સવાલોનો અંત

સ્વદેશી વેક્સિન 'કોવેક્સિન'નો ડોઝ લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક સંદેશ આપવાનું કામ કર્યું છે. હકીકતે વિપક્ષના અનેક નેતાઓ આ વેક્સિનને લઈને સવાલો કરી ચુક્યા છે. વડાપ્રધાને આ વેક્સિન લઈને વિશ્વસનીયતાના સંકટને દૂર કરવા પ્રયત્ન કર્યો અને સાથે જ આત્મનિર્ભર ભારતના નારાને બુલંદ કર્યો છે. ઉપરાંત તેમણે લોકોને ઉત્સાહપૂર્વક વેક્સિનેશન કાર્યક્રમમાં જોડાવવા વિનંતી પણ કરી છે. 

"વિશ્વાસ સર્જનારી તસવીર"- સાંબિત પાત્રા

વડાપ્રધાન મોદીના આ પગલાને લઈ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સાંબિત પાત્રાએ લખ્યું હતું કે, "હકીકતમાં આ એક વિશ્વાસ સર્જનારી તસવીર છે. આપણા વડાપ્રધાન કોરોના સામેના યુદ્ધનું અનુકરણીય નેતૃત્વ કરે છે. સમય-સમય પર યોગ્ય હસ્તક્ષેપ દ્વારા અનેક લોકોનો જીવ બચાવ્યો છે. અંતમાં તેઓ વિશ્વની સૌથી મોટી વેક્સિન ડ્રાઈવ પૈકીની એકનું નેતૃત્વ કરી રહ્યા છે. આવો આપણે વડાપ્રધાનની વિનંતીનું પાલન કરીએ."

આજથી વેક્સિનેશનનો બીજો તબક્કો

આજથી દેશભરમાં વેક્સિનેશનના બીજા તબક્કાની શરૂઆત થઈ ચુકી છે. કોરોના વિરૂદ્ધના વેક્સિન યુદ્ધના આગામી ચરણમાં 60 વર્ષથી વધારે ઉંમરના લોકો અથવા તો વિવિધ બીમારીઓ સામે ઝઝુમી રહેલા 45 વર્ષ કરતા વધારે ઉંમરના લોકો વેક્સિન લઈ શકશે. સરકારી હોસ્પિટલની સાથે સાથે ખાનગી હોસ્પિટલમાં પણ આ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. 

બીજા તબક્કા માટેના નિયમો

- 60 વર્ષ કરતા વધુ ઉંમરના વડીલો વેક્સિન લઈ શકશે

- 45 વર્ષ કરતા વધુ ઉંમરના ગંભીર બીમારીથી પીડાતા લોકો વેક્સિન લઈ શકશે

- સરકાર દ્વારા ગંભીર બીમારીઓની યાદી પણ જાહેર કરી દેવાઈ છે

- ગંભીર બીમારી ધરાવતા લોકો પાસે માન્યતા પ્રાપ્ત ડોક્ટર્સનું સર્ટિફિકેટ હોવું જરૂરી

- કેન્દ્ર સરકારે આ સર્ટિફિકેટનું ફોર્મેટ પણ જાહેર કરી દીધું છે

ખાનગી હોસ્પિટલમાં વેક્સિન ડોઝની કિંમત

- વેક્સિનના એક ડોઝ માટે 250 રૂપિયા લેવામાં આવશે

- તેમાંથી 150 રૂપિયા વેક્સિનના અને 100 રૂપિયા સર્વિસ ચાર્જના હશે

- સરકારી હોસ્પિટલમાં ફ્રીમાં કોરોના વેક્સિન આપવામાં આવશે

બીજા તબક્કામાં 27 કરોડ લોકોને ફાયદો

વેક્સિનેશનના આ નવા અભિયાનથી 27 કરોડ લોકોને ફાયદો થશે. 12,000થી વધારે સરકારી અને પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રો પર વેક્સિનેશનને ગતિશીલ બનાવવાની જવાબદારી સોંપાઈ છે. જો કે, મૈક્સ, એપોલો અને ફોર્ટિસ જેવી કેટલાક મોટી ખાનગી હોસ્પિટલ આ અભિયાનમાં સામેલ નહીં થાય. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો