અમેરિકાએ સીરિયામાં ઈરાન સમર્થિત મિલિશિયાના અડ્ડાઓ પર કરી એરસ્ટ્રાઈક
- રાષ્ટ્રપતિ જો બાઈડને આ એરસ્ટ્રાઈકને મંજૂરી આપી હોવાના અહેવાલ
વોશિંગ્ટન, તા. 26 ફેબ્રુઆરી, 2021, શુક્રવાર
અમેરિકાએ ગુરૂવારે સીરિયામાં એક હવાઈ હુમલો કર્યો હતો. બે અધિકારીઓએ આ હુમલાને ઈરાકમાં અમેરિકી અડ્ડાઓ પર રોકેટ વડે જે હુમલો થયો હતો તેની પ્રતિક્રિયા ગણાવ્યો હતો. જાણવા મળ્યા મુજબ અમેરિકાએ આ હવાઈ હુમલો ઈરાન સમર્થિત મિલિશિયાના અડ્ડાઓ પર કર્યો હતો. એક અહેવાલ પ્રમાણે રાષ્ટ્રપતિ જો બાઈડને આ એરસ્ટ્રાઈકને મંજૂરી આપી હતી પરંતુ હજુ સુધી પેન્ટાગોને આ મામલે કોઈ નિવેદન નથી આપ્યું.
તાજેતરમાં ઈરાક ખાતે રોકેટ વડે જે હુમલા કરવામાં આવેલા તેના જવાબમાં આ એરસ્ટ્રાઈક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા વર્ષોમાં અનેક વખત જવાબી અમેરિકી સૈન્ય હુમલા થયા છે. 2019ના અંતથી અમેરિકી સેનાઓ રોકેટ હુમલાના જવાબમાં ઈરાક અને સીરિયામાં કટિબ હિજબુલ્લાહ મિલિશિયા જૂથ વિરૂદ્ધ મોટા હુમલા કરી રહી છે.
એરસ્ટ્રાઈક બાદ અમેરિકી સંરક્ષણ સચિવ લૉયડ ઑસ્ટિને કહ્યું કે, "હું આશ્વસ્ત છું કે જે ઠેકાણાઓ પર હુમલા કરવામાં આવ્યા તેનો ઉપયોગ હુમલો કરનારા શિયા આતંકવાદીઓ દ્વારા થઈ રહ્યો હતો."
Comments
Post a Comment