એ ગોઝારો દિવસ… શુ આજનો દિવસ તમને યાદ છે? ગોધરાકાંડ વરસી વિશેષ
- 2002માં આજના દિવસે ગોધરા સ્ટેશન પર બનેલી ઘટના બાદ ગુજરાતમાં થયા હતા રમખાણો
- પથ્થરમારા બાદ એક ડબ્બાને આગને હવાલે કરી દેવાયો જેમાં 59 લોકોના મોત થયા
- ગોધરાકાંડ બાદના રમખાણોમાં 1,200 લોકોના મોત થયા હોવાનો અહેવાલ
ગોધરા, તા. 27 ફેબ્રુઆરી, 2021, શનિવાર
આજથી 19 વર્ષ પહેલા 2002ના વર્ષમાં આજના દિવસે જ ગોધરાકાંડ થયો હતો. ત્યાર બાદ ઈતિહાસના પાનાઓમાં આજનો દિવસ એક દુઃખદ ઘટના સાથે નોંધાઈ ગયો છે. ગુજરાતના ગોધરા સ્ટેશનથી રવાના થઈ રહેલી સાબરમતી એક્સપ્રેસની એક બોગીને હિંસક અને ઉન્માદી ભીડે આગ લગાવી દીધી હતી. આ ઘટનામાં અયોધ્યાથી પરત આવી રહેલા 59 કારસેવકોના મોત થયા હતા અને ત્યાર બાદ આખા ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા.
હકીકતે હિંદુ તીર્થયાત્રીઓ સાબરમતી એક્સપ્રેસ દ્વારા અયોધ્યાથી પરત આવી રહ્યા હતા. 27 ફેબ્રુઆરી, 2002ના રોજ તેમની ટ્રેન ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલા ગોધરા સ્ટેશન પહોંચી હતી. ટ્રેન જેવી રવાના થવા લાગી કે કોઈકે ચેઈન ખેંચીને ગાડીને રોકી લીધી હતી અને પછી પથ્થરમારા બાદ ટ્રેનના એક ડબ્બાને આગને હવાલે કરી દેવામાં આવ્યો હતો. S-6 કોચમાં અગ્નિકાંડની ઘટનામાં 59 લોકોના મોત થયા હતા.
અયોધ્યાથી પાછા આવી રહ્યા હતા શ્રદ્ધાળુઓ
વિશ્વ હિંદુ પરિષદે ફેબ્રુઆરી 2002માં અયોધ્યા ખાતે પૂર્ણાહુતિ મહાયજ્ઞનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સહભાગી બન્યા હતા. 25 ફેબ્રુઆરી, 2002ના રોજ અમદાવાદ જઈ રહેલી સાબરમતી એક્સપ્રેસમાં આશરે 1,700 તીર્થયાત્રીઓ અને કારસેવકો સવાર થયા હતા. 27મી ફેબ્રુઆરીની સવારે 7:43 કલાકે ટ્રેન ગોધરા સ્ટેશન પહોંચી હતી અને થોડી વાર બાદ જેવી ટ્રેન ઉપડી કે ચેઈન પુલિંગના કારણે સિગ્નલ પાસે ટ્રેન અટકી ગઈ હતી. ત્યાર બાદ ટોળાએ આગજની કરી હતી.
ગોધરાકાંડ બાદ રમખાણો
ગોધરા ખાતે થયેલી ઘટનામાં 1,500 લોકો વિરૂદ્ધ FIR નોંધાઈ હતી. આ ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં સાંપ્રદાયિક હિંસા ભડકી ઉઠી હતી અને જાન-માલનું ભારે નુકસાન થયું હતું. સ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ હતી કે, તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ જનતાને શાંતિ જાળવવા અપીલ કરવી પડી હતી. સરકારી આંકડાઓ પ્રમાણે રમખાણોમાં 1,200 લોકોના મોત થયા હતા.
Comments
Post a Comment