મોંઘવારીનો વધુ એક ઝાટકો, સપ્તાહમાં બીજી વખત ઘરેલુ ગેસ સિલિન્ડર થયા મોંઘા
- પહેલી માર્ચે 25 રૂપિયાના વધારા સાથે નવો ભાવ 819 રૂપિયા
નવી દિલ્હી, તા. 1 માર્ચ, 2021, સોમવાર
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સબસિડીવાળા ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં પહેલી માર્ચથી એટલે કે આજથી ફરી 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ 14.2 કિગ્રા વજનવાળા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ હવે વધીને 794 રૂપિયાથી 819 રૂપિયા થઈ ગયા છે. અગાઉ 25 ફેબ્રુઆરીના રોજ પણ એલપીજી ગેસના ભાવમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
આ તરફ કોલકાતામાં સબસિડીવાળા અને કોમર્શિયલ એમ બંને પ્રકારના ગેસ સિલિન્ડરની કિંમત વધી ગઈ છે. સબસિડીવાળા ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાના વધારા બાદ હવે તેની કિંમત 845.50 રૂપિયા થઈ ગઈ છે જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 19 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
1 ડિસેમ્બરથી અત્યાર સુધીનો ભાવવધારો
રાષ્ટ્રીય રાજધાનીમાં પહેલી ડિસેમ્બરથી લઈને અત્યાર સુધીમાં એલપીજી ગેસ સિલિન્ડર 225 રૂપિયા મોંઘા થયા છે. પહેલી ડિસેમ્બરના રોજ એલપીજી ગેસની કિંમત 594 રૂપિયાથી વધીને 644 રૂપિયા થઈ ગઈ હતી. ત્યાર બાદ પહેલી જાન્યુઆરીના રોજ 644 રૂપિયાથી વધીને 694 રૂપિયા થઈ ગઈ હતી. બાદમાં 4 ફેબ્રુઆરીએ 694 રૂપિયાથી 719 રૂપિયા અને તેના પછી 15 ફેબ્રુઆરીએ 719 રૂપિયાથી 769 રૂપિયા થઈ ગઈ.
ત્યાર બાદ 25 ફેબ્રુઆરીના રોજ એલપીજી ગેસના ભાવમાં 25 રૂપિયાનો વધારો કરાયો જેથી તેની કિંમત 769 રૂપિયાથી વધીને 794 રૂપિયા થઈ ગયેલી. હવે પહેલી માર્ચના રોજ એલપીજી ગેસના ભાવમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો તે સાથે જ તેની વર્તમાન કિંમત 819 રૂપિયા થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, સરકાર પ્રત્યેક ઘર દીઠ 12 સિલિન્ડર (14.2 કિગ્રાના) સબસિડી પર આપે છે.
Comments
Post a Comment