Opinion Poll: જાણો પાંચ રાજ્યોમાં કોની બની રહી છે સરકાર, બહાર આવ્યા ઓપિનિયન પોલનાં આંકડા
નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી 2021 શનિવાર
પાંચ રાજ્યો માટે યોજાનારા આગામી વિધાનસભાનું ચૂંટણીનું પ્રચાર અભિયાન હાલનાં દિવસોમાં જોરશોરથી ચાલી રહ્યું છે, શુક્રવારે જ કેરળ, પશ્ચિમ બંગાળ, પુડુચેરી, તામિલનાડુ અને કેરળમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી. વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન એક નવી ઓપિનિયન પોલ બહાર આવ્યો છે. એબીપી ન્યૂઝ અને સી-વોટરના આ પોલમાં, પશ્ચિમ બંગાળથી ભાજપને નિરાશા મળતી જોવા મળી રહી છે, પરંતુ બેઠકોની દ્રષ્ટિએ તેને જબરદસ્ત લાભ મળતો જણાઇ રહ્યો છે.
ભાજપને નિરાશા મળી શકે છે
સર્વે અનુસાર પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી વિજયની હેટ્રિક ફટકારી શકે છે. 294 બેઠકોવાળી પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ટીએમસીને 148 થી 164 બેઠકો મળી શકે છે. ગત વખતે 3 બેઠકો પર જીત મેળવનાર ભાજપને મોટી સફળતા મળી રહી હોય તેમ લાગે છે, પરંતુ બંગાળની સત્તા પર કબજો મેળવવાનું તેનું સ્વપ્ન તુટતું હોય તેવું લાગે છે. ઓપિનિયન પોલ મુજબ ભાજપને રાજ્યમાં 92 થી 108 બેઠકો મળી શકે છે. તો, ડાબેરી-કોંગ્રેસ ગઠબંધનના ખાતામાં 31 થી 39 બેઠકો આવી શકે છે. જો વોટ શેએરની વાત કરીએ તો ટીએમસીને 43 ટકા, ભાજપને 38 ટકા મત મળી શકે છે.
ભાજપ આસામમાં પરત ફરશે
બીજી તરફ, આસામના ઓપિનિયન પોલમાં, ફરી એકવાર ભાજપ સત્તા પર પાછા ફરતો જોવા મળી રહ્યો છે. સર્વે અનુસાર, આસામની 126 સભ્યોવાળી વિધાનસભામાં ભાજપને 68 થી 76 બેઠકો મળી શકે છે, જ્યારે કોંગ્રેસનાં ગઠબંધનનાં ખાતામાં 43 થી 51 બેઠકો મળે તેવી સંભાવના છે. તો અન્યના ખાતામાં 5-10 બેઠકો જઈ શકે છે. બહુમતીનો આંકડો અહીં 64 છે. સર્વેમાં 44% લોકોએ સીએમ સર્વાનંદ સોનોવાલને મુખ્યમંત્રી માટેની તેમની પહેલી પસંદ બતાવ્યા છે.
તમિલનાડુનો સર્વે
તમિલનાડુમાં 234 વિધાનસભા બેઠકો માટે બહુમતીનો આંકડો 118 બેઠકોનો છે. એબીપી ન્યૂઝ સી વોટરનાં ઓપિનિયન પોલનાં મુજબ તમિળનાડુમાં સત્તાધારી એઆઈએડીએમકેને આ વખતે સત્તામાંથી હાંકી કાંઢવામાં આવશે. એઆઈએડીએમકેને 58–66 બેઠકો મળવાનું અનુમાન છે જ્યારે વિપક્ષી પાર્ટી ડીએમકે ગઠબંધન સત્તા પર પાછા ફરતા જોવા મળશે. અહીં ડીએમકે ગઠબંધનને 154-162 બેઠકો મેળી શકે છે. અન્યના ખાતામાં 8 બેઠકો જવાની શક્યતા છે.
પુડ્ડુચેરીનું ઓપિનિયન પોલ
પુડ્ડુચેરીની 30 બેઠકો માટે એબીપી ન્યૂઝ અને સી વોટર દ્વારા કરાયેલા સર્વેમાં ભાજપનાં નેતૃત્વવાળા એનડીએને બહુમતી મળે તેવી સંભાવના છે. BJP+ ને 17 થી 21 બેઠકો મળવાનો અંદાજ છે. તો, કોંગ્રેસ ગઠબંધન 8 થી 12 બેઠકો મેળવી શકે છે. ગત સરકાર કોંગ્રેસની હતી, પરંતુ થોડા સમય પહેલા જ વિશ્વાસમત મેળવી ન શકવાનાં કારણે સરકાર પડી ગઇ હતી.
કેરળમાં કોની સરકાર
બીજી તરફ, કેરળમાં, 140 વિધાનસભા બેઠકોનાં ઓપિનિયન પોલમાં, આ વખતે એલડીએફનાં ખાતામાં 83-91 બેઠકો પર જઈ શકે છે અને યુડીએફને 47-55 બેઠકોથી સંતોષ માનવો પડી શકે છે. તો, ભાજપને ફક્ત 0-2 બેઠકો જ મળે તેવું લાગે છે.
Comments
Post a Comment