ફેસબુક ૫૦ લાખ વેપારીઓને ડિજીટલ સ્કીલના પાઠ ભણાવશે
ઇન્ટરનેટનો મહત્તમ ઉપયોગ કેવી રીતે થાય તેનો અભ્યાસ જરુરી હોય છે. સામાન્ય રીતે લોકો સોશ્યલ નેટવર્ક પર ચીટકેલા હોય છે. લોકો પાસે સ્માર્ટ ફોન વસાવવાના પૈસા પણ છે.
લોકો ૧૫-૨૫ હજારનો ફોન લાવતા ક્યારેય ખચકાતા નથી. પરંતુ તેના સંપૂર્ણ ઉપયોગથી તે વાકેફ નથી હોતા.
કોઇપણ નવી ટેકનોલોજીને અપનાવવા આપણે તૈયાર હોઇએ છીએ પરંતુ તેમાંથી આર્થિક ઉપાર્જન કેવી રીતે કરવું તેનો ખ્યાલ નથી હોતો. નાના વેપારીઓ સ્માર્ટ ફોન વાપરે છે પણ તેના મહત્તમ ઉપયોગને નથી સમજતા.
નવો ફોન આવે એટલે તેના તમામ ફીચર્સ તે ફેંદી નાખે છે પરંતુ તેમાંથી પોતે કોઇ આવક ઉભી કરી શકે કે કેમ તે અંગે ભાગ્યેજ વિચારે છે. હકીકતતો એ છે કે ડીજીટલ ટેકનોલોજી દરેકને વિશ્વ સાથે જોડી આપે છે. દરેક સમક્ષ વિશાળ માર્કેટ ઉભું કરી આપે છે.
જોકે દરેક નવો બિઝનેસ મેળવવા મથતા હોય છે. જો આ બાબતનું તેમને થોડું નોલેજ આપવામાં આવે તો તે જાતેજ પોતાની નિસરણી બનાવી દે એટલા હોંશિયાર હોય છે.
ભારતના નાના વેપારીઓ ફેસબુકના માધ્યમથી પોતાનો બિઝનેસ વધારી શકે એટલા માટે ફેસબુક જ મદદ કરવા તૈયાર છે. કહે છે કે ફેસબુક આગામી ત્રણ વર્ષમાં ભારતના ફાઇવ મીલીયન વેપારીઓને (૫૦લાખ ) વૈશ્વિક માર્કેટના ડીજીટલ નોલેજ માટે તૈયાર કરશે.
સોશ્યલ મીડીયાએ અત્યાર સુધીમાં ૧૫૦ શહેરો અને ૬૮૦૦૦ ગામોમાં એકલાખ લોકોને ડીજીટલ ટેકનોલોજીનો ઉપયોગ શીખવાડયો છે. બુસ્ટ યોર બિઝનેસ અને શી મીન્સ બિઝનેસ એવા ટાઈટલ હેઠળ ડીજીટલ પ્રોગ્રામ તૈયાર કરાયા હતા.
આવા પ્રોગ્રામ હેઠળ માત્ર બિઝનેસ નહીં પણ નોકરીની તકો પણ ઉભી થઇ શકશે. વ્યક્તિમાં રહેલી ડીજીટલ સ્કીલ પણ બહાર લવાશે અને તેનોે ઉપયોગ આર્થિક ઉપાર્જન માટે થાય એવા પ્રયાસોને વેગ આપવામાં આવશે.
જેને સોશ્યલ મીડીયા જાયન્ટ કહી શકાય એવા ફેસબુકના કહેવા પ્રમાણે તે ૨૯ જિલ્લાઓમાં કોમ્યુનીટી બુસ્ટ પ્રોગ્રામ ચલાવે છે. ૧૪ ભાષાઓમાં તે આ પ્રોગ્રામ ચલાવે છે. જેમાં ઉત્તર પ્રદેશ, ઓડીશા, કર્ણાટક, આસામ વગેરેનો સમાવેશ થાય છે. આ એક એવું ડીજીટલ પ્લેટફોર્મ હશે કે જેમાં ફ્રી ટ્રેડ જેવી સિસ્ટમ હશે.
વેપારીએ તૈયાર કરેલી પ્રોડક્ટ ને લોકો જુએ, સમજે અને કોમ્યુનીકેટ કરે એવી વ્યવસ્થા ઉભી કરી શકાશે. લોકોને ડીજીટલ પ્લેટફોર્મ પુરું પાડવાની સાથે સાથે ડીજીટલ સ્કીલ ડેવલોપ કરીને તેનો મહત્તમ ઉપયોગ કરવાનો પ્લાન નાના વેપારીઓને ઉપયોગી થઇ પડશે. ડીજીટલ સ્કીલ ડેવલોપ થાય તો ઓનલાઇન બિઝનેસમાં તે ઉપયોગી બની શકે છે.
નાનો વેપારી સતત નવો વેપાર ઝંખતો હોય છે પરંતુ તેનું માર્કેટ પરંપરાગત હોય છે. તે જે ચીજ બનાવે છે તેની ડીમાન્ડ ભારતમાં કે વિશ્વમાં અન્ય સ્થળે હોઇ શકે છે. આ માટે સર્ફીંગ પર જોર આપવાની જરુર હોય છે. ફેસબુક આ માટે પોતાનું ખાસ પ્લેટફોર્મ બનાવીને વેપારીઓને તેના પર કેવી રીતે ડીલીંગ કરવું તે શીખવાડશે.
કેટલાક વેપારીઓ ખરીદી માટે થોડા ફેરફાર વાળી પ્રોડક્ટ માંગતા હોય છે જે સ્થાનિક વેપારીઓ માટે શક્ય પણ હોય છે. અહીં એ પણ યાદ રાખવું જોઇએ કે જેમ કોઇને વેચવું છે તો સામે ક્યાંક ખરીદનાર પણ હોય છે.
એવી જ રીતે વેપારી કોઇ ચીજ ખરીદવા માંગે છે તેને વેચનાર પણ મળી જાય છે. જ્યારે ડીજીટલ કોમ્યુનિકેશનનો વ્યાપ વધ્યો છે ત્યારે બિઝનેસ પ્લેટફોર્મનો પણ ઉપયોગ જરુરી બની જાય છે.
તમારે શું જોઇએ છે અને સામાવાળા શું વેચે છે એવું દર્શાવતી બિઝનેસ ટુ બિઝનેસ પ્રકારની સાઇટો ઉપયોગી બની રહી છે. ફેસબુક નવું પ્લેટફોર્મ આપે તો તે ઝડપવું જોઇએ.
સોશ્યલ નેટવર્ક ઘણો સમય બગાડે છે. હકીકતે આ સમય વેસ્ટ થાય છે. આવો સમય ફળદાયી બને તે માટેની પહેલ આવકાર્ય છે. સામાન્ય રીતે નાના વેપારીઓ થોડો સમય મળે તેમાં વોટસઅપ કે ફેેસબુકમાં રચ્યા પચ્યા રહે છે.
આ વેપારીઓએ એક સર્વેમાં જણાવ્યું હતું કે અમારી પાસે કોઇ નવા ક્રીએટીવ કામો નથી હોતા કે જેના કારણે અમે સોશ્યલ નેટવર્ક સાથે જોડાયેલા રહીએ છીએ અને રીફ્રેશ થઇએ છીએ.
ડીજીટલ સ્કીલને બહાર લાવવા માટે ફેસબુકે કરેલી પહેલ પ્રશંસનીય છે. તેનાથી નાના વેપારીઓ બિઝનેસ વધારી શકશે.
- પ્રસંગપટ
Comments
Post a Comment