અરાઉન્ડ ધ વર્લ્ડ - કુલદીપ કારિયા
વૈદિક સંસ્કૃત અને પારસીઓના ધર્મગ્રંથ અવેસ્તાની ભાષામાં સમાનતા જોવા મળે છે
તેલ કાઢવું અને ઓઇલિંગ કરવું એ બંને વિરોધાભાસી અર્થ ધરાવતા શબ્દો છે. તેલ કાઢવું એ રૂઢિ પ્રયોગ સંબંધનો પણ વિરોધી છે.
જેમ યંત્રના સ્પેરપાર્ટ્સ યોગ્ય કામ આપતા રહે તે માટે સમયાંતરે ઓઇલિંગ જરૂરી છે, તેવું આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પણ આવશ્યક છે.
ડોનલ્ડ ટ્રમ્પે ઇરાન પરમાણું કરાર રદ કરીને તેના પર આર્થિક પ્રતિબંધો લાદી દીધા છે, પરંતુ ભારતે તેની સાથેના સંબંધો યથાવત્ રાખવાનું નક્કી કર્યું છે. જોવાની વાત એ છે કે ભારત અને ઈરાન વ્યાપારી સંબંધો જાળવી રાખે તેમાં અમેરિકાએ પણ વાંધો ઉઠાવ્યો નથી. આ આપણો ડિપ્લોમેટિક વિજય છે.
ભારતનું ૨૭ ટકા કાચું તેલ ઈરાનથી આવે છે. તે બંધ થઈ જાય તો બીજા દેશો પાસેથી ખનીજતેલ લેવાનું થાય, જે મોંઘું પડે. ભારત અને ઈરાનના સંબંધો ઇસવીસન પૂર્વેથી ચાલ્યા આવે છે.
જ્યારે ભારત એક ઉપખંડ હતો ત્યારે ઈરાન અને ભારતની સીમા મળતી હતી. જવાહરલાલ નહેરુએ ડિસ્કવરી ઑફ ઇંડિયામાં નોંધ્યું છે, જે-જે પ્રજાતિઓએ બહારથી આવીને ભારત પર પ્રભાવ પાથર્યો છે તેમાં ઈરાનીઓનું નામ સર્વોપરિ છે.
સંસ્કૃત અને ફારસી બંને અલગ ભાષાઓ છે, પરંતુ કેટલાક એવા પુલ છે જ્યાં તે જોડાય છે. વૈદિક સંસ્કૃત અને પારસીઓના ધર્મગ્રંથ અવેસ્તાની ભાષામાં સમાનતા જોવા મળે છે. વૈદિક ધર્મ તથા ઈરાનના પ્રાચીન ધર્મ જરથોસ્તીમાં પણ કેટલુંક સામ્ય છે. સિંધુ ઘાટી સભ્યતા અને ઇરાનની પ્રાચીન સંસ્કૃતિ મેસોપોટામિયામાં પણ કેટલીક જગ્યાએ ઐક્ય નજરે ચડે છે.
નહેરુએ લખ્યું છે ઋગવેદમાં પર્શિયન લોકોને પાર્શવ કહેવામાં આવ્યા છે. કાળાંતરે પાર્શવ પરાસિક કહેવાયા. પારસી રાજા સાયરસ અને ડોરિયસ પોતાના રાજ્યની સીમા કંધાર અને બલૂચિસ્તાન સુધી લઈ ગયા હતા.
ઈરાનમાં ઇસ્લામ આવ્યા પછી પારસીઓ હિંદુસ્તાન આવી ગયા. તેઓ સંપર્કશીલ અને વ્યાપારી હોવાથી અહીં દૂધમાં સાકરની જેમ ભળી ગયા.
મોગલોના આગમન પછી ઈરાની કળા અને સ્થાપત્ય પણ ભારતમાં આવ્યાં. ફ્રેંચ વિદ્વાન એમ. ગ્રૌસ્સેના મત પ્રમાણે તે ભારતીય શરીરમાં ઈરાનની આત્મા સમાન છે. લખનઉના નવાબોનો ઉદ્ગમ ઈરાનના નિશાં પ્રાંતમાંથી થયો છે. આથી જ આ શહેર દક્ષિણ એશિયાનું મહત્ત્વનું શિયા સાંસ્કૃતિક કેન્દ્ર છે.
અંગ્રેજો ભારત આવ્યા પછી તેમણે સૌથી પહેલું કામ પશ્ચિમ એશિયા સાથેના સંબંધો ખોરવવાનું કર્યું, જેથી ભારતમાંથી યુરોપ જતા માલના વેપાર પર પોતાનો ઈજારો સ્થાપી શકાય. ઈરાનના શાહના સમયમાં સમાજમાં ખુલ્લાપણું હતું.
તહેરાન અને લેબેનોન ભારતીયો માટે પ્રિય પ્રવાસન સ્થળ હતા. ભારતીય મૂળના સત્યજીત સાંગા દુબઈની કંપનીમાં વરિષ્ઠ અધિકારી છે. તેઓ જણાવે છે, એકવાર હું કંપનીના કામથી ઈરાનના જહેદાન પ્રાંતમાં ગયો હતો.
ઈરાની બુઝુર્ગ મહિલાઓને જેવી ખબર પડી કે કોઈ હિંદી આવ્યો છે તો તેઓ મારા પર લાડ વરસાવવા લાગી. તેમણે મારા ગાલ ચૂમ્યા, મને દુવાઓ આપી, મારી ખૂબ આગતા-સ્વાગતા કરી.
ભારતીયોને ઈરાનમાં ખૂબ સન્માન મળે છે. બીબીસીએ ૨૦૦૫માં કરેલા સર્વેમાં ૭૧ ટકા ઈરાનીઓએ માન્યું હતું કે ભારતનો ઈરાન પર સકારાત્મક પ્રભાવ પડયો છે.
મશહૂર પત્રકાર કુલદીપ નય્યરે તેમની આત્મકથા બીયોન્ડ ધી લાઈન્સમાં લખ્યું છે, ૧૯૬૨ના યુદ્ધમાં શાહે અયૂબ ખાનને પત્ર લખીને ભારતની મદદ કરવા કહ્યું હતું. પત્રની એક કોપી તેમણે નહેરુને મોકલેલી. ઘણી વખત આંતરરાષ્ટ્રીય મંચો પર ઈરાને પાકિસ્તાન દ્વારા મૂકવામાં આવેલા ભારત વિરોધી પ્રસ્તાવનો વિરોધ કર્યો છે.
ભારત અને અમેરિકાનો પારસ્પારિક વેપાર ૧૧૩ અબજ ડોલરનો છે. તેની સામે ભારત-ઈરાનનો વેપાર માત્ર ૧૩ અબજ ડોલર. ભારત ઈરાન પાસેથી પેટ્રોલ ખરીદે છે તો ઈરાન ભારત પાસેથી દવાઓ, અનાજ અને અન્ય ચીજવસ્તુઓ ખરીદે છે. બંને ડોલરને બદલે રૂપિયામાં ટ્રેડ કરે છે. વળી, ઇરાને ક્રુડ ઓઇલની ચૂકવણી માટેની સમય મર્યાદા પણ વધારી આપી છે.
વૈશ્વિક રાજનીતિમાં નેચર એલાઇ નામની એક ટર્મ છે. પ્રાકૃતિક સાથીદાર. ભૌગોલિક સામીપ્ય ધરાવતા દેશોના રીતિ-રીવાજ, ખાનપાન, ભાષા અને સંસ્કૃતિ એકબીજાની નજીક હોય છે. તેને લીધે બે દેશો આપમળે એકબીજાની નજીક ગણાય છે. ભારત અને ઈરાન નેચરલ એલાય છે. સ્વાભાવિક દોસ્ત છે.
ફારસી ભાષામાં એક દંતકથા છે. એક વખત બે ભાઈ જુદા પડી ગયા. એક ભાઈ પશ્ચિમ જતો રહ્યો, બીજો ભાઈ પૂર્વમાં જતો રહ્યો. બંને ભાઈઓ એક સરખી વાંસળી વગાડતા. બેયે પોતાનો પરિવાર આગળ વધાર્યો. તેમના બાળકો થયા, બાળકોની ઘરે બાળકો થયા. સૈકાઓ પછી એકસરખી વાગતી વાંસળીના આધારે બંને પરિવારોએ એકબીજાને ઓળખી કાઢ્યા. એ વિખૂટા પડેલા ભાઈઓ એટલે ઈરાની અને હિંદી.
ડોનલ્ડ ટ્રમ્પ ઈરાન સાથે નાહકનો ઝઘડો વધારી રહ્યા છે. અત્યારે ભારત તેમાંથી સિફતપૂર્વક છટકીને ઈરાન સાથેના સંબંધો બચાવી શક્યું, પણ ભવિષ્યનું શું? ભવિષ્યમાં પણ ભારતે ઈરાન સાથેનો વેપાર અને વ્યવહાર જાળવી રાખવો જોઈશે. ન માત્ર જાળવવો, પરંતુ વિસ્તારવો પણ જોઈએ. અમેરિકા વાંસળી વગાડે અને એના પર નર્તન કરીએ એટલા કમજોર આપણે બની શકીએ નહીં.
વૈશ્વિક હાઇલાઇટ્સ...
- અમેરિકા હવે અફઘાનિસ્તાનમાં લડી-લડીને થાક્યું છે. તે તાલીબાન સાથે સમાધાન ઇચ્છે છે. કતારમાં અમેરિકી રાજદૂત જુલ્મે ખલિલજાદ અને તાલિબાનના નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી. ત્રણ દિવસ લગી બંને પક્ષે મંત્રણા ચાલી હતી. અમેરિકાએ છ મહિનામાં સમાધાનની તૈયારી દર્શાવી છે.
- વાઇટ હાઉસે સીએનએનના પત્રકાર જીમ એકોસ્ટાનો પ્રેસ પાસ બહાલ કરી દીધો છે, પરંતુ ચેતવણી પણ ઉચ્ચારી છે કે જો તેમણે બીજી વખત અનુચિત વર્તન કર્યું તો તેમનો પ્રેસ પાસ વાઇટ હાઉસ માટે રદ કરી નાખવામાં આવશે.
એક પ્રેસ કોન્ફરન્સમાં એકોસ્ટાએ ડોનલ્ડ ટ્રમ્પના વિધાનનો વિરોધ કર્યો હતો. પરિણામે ટ્રમ્પ અને તેની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી. ત્યાર બાદ તેનો પાસ છીનવી લેવામાં આવ્યો હતો.
- ડોનલ્ડ ટ્રમ્પની દીકરી ઇવાન્કા પણ હિલેરી ક્લિન્ટન જેવી જ ભૂલ કરી બેસી છે. શ્રીમતી ક્લિન્ટન જ્યારે યુએસના વિદેશ મંત્રી હતા ત્યારે તેમણે પોતાના અંગત ઇમેઇલ અકાઉન્ટ પરથી અધિકારીક મેઇલ કર્યા હતા.
ઇવાન્કાએ પણ એવું જ કર્યું છે. તેણે વાઇટ હાઉસના સહયોગીએ, ટ્રમ્પ સરકારના મંત્રીઓ અને અન્યોને અધિકારીક ઇમેઇલ કરીને વાઇટ હાઉસની કામગીરીની ગોપનીયતાનો ભંગ કર્યો છે.
- ભારતમાં જન્મેલી પાકિસ્તાની શાયરા ફહમીદા રિયાઝનું ૭૩ વર્ષની ઉંમરે અવસાન થયું હતું. તેમનો જન્મ ઉત્તર પ્રદેશના મેરઠમાં થયો હતો.
તેના પિતાની નોકરીમાં બદલી થતા તેઓ સિંધ જતા રહેલા, જે પાછળથી પાકિસ્તાન બની ગયું. જિયા ઉલ હકના સમયમાં ઉદારવાદી વિચારોને પગલે તેના સામયિક આવાઝને પ્રતિબંધિત કરી તેમના પતિની ધરપકડ કરવામાં આવી હતી.
- પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાન્તમાં બોમ્બ વિસ્ફોટ થતા ૨૫ લોકોનાં મોત થયાં હતાં અને ૩૦ ઘાયલ થયા હતા. કરાંચીમાં ચીનના વાણિજ્યક દૂતાવાસ પાસે ગોળીબાર થતા ત્રણ પોલીસ કર્મીઓનાં મોત થયાં હતાં. ત્રાસવાદથી સૌથી વધુ પીડિત પણ પાકિસ્તાન પોતે જ છે.
- રફાલ સોદાનો વિવાદ અત્યાર સુધી ભારતમાં જ થતો હતો, પરંતુ હવે આગ પ્રસરીને ફ્રાંસમાં પહોંચી ગયો છે. આર્થિક અપરાધો સામે લડતી ફ્રાંસની એનજીઓ શેરપા એસોસિએશને રફાલ સોદામાં કૌભાંડ થયું હોવાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે આ સોદાની રાષ્ટ્રીય એજન્સી પાસે તપાસ કરાવવાની માગણી કરી છે.
Comments
Post a Comment