આસામમાં 19 લાખ લોકો ભારતીય નાગરિક નથી


જો ટ્રિબ્યૂનલમાં પણ નાગરિકતા પુરવાર ન થાય તો શું થશે તેને લઇને અસમંજસ, હિંસાની શક્યતાને પગલે સુરક્ષા વધારાઇ 

નવી દિલ્હી, તા. 31 ઓગસ્ટ, 2019, શનિવાર

આસામમાં એનઆરસીની અંતીમ યાદી જાહેર કરી દેવામાં આવી છે. ભારે સુરક્ષા વચ્ચે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, એવી શક્યતાઓ હતી કે જે લોકોના નામ આ યાદીમાં નથી તેઓ હિંસા પર ઉતરી આવી શકે છે. જેને પગલે કેન્દ્ર સરકારે પણ 50 અર્ધ સૈન્ય દળની ટુકડીને પણ સુરક્ષા માટે મોકલી હતી. અંતિમ યાદી જાહેર કરી દેવાઇ છે અને જે લોકોેના નામ યાદીમાં નહીં હોય તેમને પોતાની નાગરિક્તા પુરવાર કરવા માટે વધુ 120 દિવસનો સમય આપવામા આવશે.  

આસામની નાગિક્તા માટે હાથ ધરાયેલી પ્રક્રિયાને એનઆરસી નામ આપવામાં આવ્યું છે. આ પ્રક્રિયાના ભાગરૂપે અગાઉ બે યાદી બહાર પાડવામાં આવી હતી, હવે અંતીમ યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે. જેમા કુલ 19 લાખ (19,06,657) લોકોનો સમાવેશ નથી થઇ શક્યો. જે પણ લોકોએ અરજી કરી હતી તેમાં 3,30,27,661 એટલે કે આશરે ત્રણ કરોડ ત્રીસ લાખ જેટલા લોકો નાગરિક્તા મેળવવાને લાયક જાહેર કરવામા આવ્યા છે. 

જે 19 લાખ જેટલા લોકોના નામોનો સમાવેશ નથી થઇ શક્યો તેમાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે કે જેમણે નાગરિક્તા માટે દાવો જ નહોતો કર્યો. એનઆરસીના આસામના કોઓર્ડિનેટર પ્રતીક હજેલાએ જણાવ્યું હતું કે જે પણ લોકોના નામ આ યાદીમાં સામેલ નથી તેઓ ફોરેન ટ્રિબ્યૂનલ સમક્ષ અપીલમાં જઇ શકે છે. અંતિમ યાદીને એનઆરસીઆસામડોટએનઆઇસીડોટઇન પર પણ મુકવામાં આવી છે. યાદીમા  પોતાનું નામ છે કે કેમ તે જોવા માટે આસામમાં ઠેર ઠેર એનઆરસી સેવા કેન્દ્રો પણ ખોલવામાં આવ્યા હતા. 

જે લોકોના નામ આ યાદીમા નથી તેઓ નાગરિક્તા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ જમા કરવામા નિષ્ફળ રહ્યા છે માટે તેમનો સમાવેશ નથી થઇ શક્યો. આ સ્થિતિ વચ્ચે 19 લાખ લોકોના નામ યાદીમાં ન હોવાથી માહોલ તંગદીલ બની શકે છે તેવી ભીતિને પગલે આસામના મુખ્ય પ્રધાન સર્બાનંદ સોનોવાલે આસામના લોકોેને ભરોસો આપ્યો હતો કે જે પણ લોકોના નામ યાદીમા નથી તેમાંથી કોઇની પણ અટકાયત નહીં કરવામાં આવે સાથે જ તેમને પોતાની નાગરિક્તા પુરવાર કરવાની દરેક તક આપવામાં આવશે. સરકારે આ માટે હવે અપીલની સમય મર્યાદા 60 દિવસને બદલે 120 દિવસ કરી દીધી છે.

જોકે જે લોકોના નામ યાદીમાં નથી તેેઓ ટ્રિબ્યૂનલમાં અપીલમાં જાય તે દરમિયાન પણ પોતાની  નાગરિક્તા પુરવાર કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ રજુ કરવામાં નિષ્ફળ રહે તો બાદમાં શું થશે તેને લઇને અસમંજસ જેવી સ્થિતિ છે.

નામ સામેલ ન હોય તેમાં મોટા ભાગના બાંગ્લાદેશથી ભારતમાં ગેરકાયદે રીતે સરહદ પાર કરીને આવ્યા હોવાની શક્યતાઓ છે ખાસ કરીને 1971માં જ્યારે યુદ્ધ થયું ત્યારે જ મોટા ભાગના અહીં આવીને વસ્યા હોવાની પણ શક્યતાઓ છે.   

એનઆરસીમાં સામેલ ન થઇ શકેલા ભારતીયોને મદદ કરીશું : આસામના મંત્રી

નવી દિલ્હી, તા. 31

આસામ સરકારે સ્પષ્ટતા કરી છે કે જે લોકોના નામ એનઆરસીમાં નથી તેઓએ સરકાર સહકાર આપશે. આસામ સરકારમાં મંત્રી ચંદ્રમોહન પટોવરીએ જણાવ્યું હતું કે જે ભારતીય નાગરિકોને એનઆરસીમાં સ્થાન નથી મળી શક્યું તેને સરકાર કાયદાકીય મદદ કરવા માટે તૈયાર છે.

સાથે તેમણે દાવો કર્યો હતો કે એક બાબત એ પણ સ્પષ્ટ છે કે જે અનેક ભારતીય નાગરિકો આ યાદીમાં સ્થાન નથી મેળવી શક્યા જ્યારે વાસ્તરમાં તેઓ ભારતના જ નાગરિક છે. આવા લોકોને દરેક પ્રકારની મદદ કરવા માટે સરકાર તૈયાર છે.  આગળ હવે ટ્રિબ્યૂનલમાં અપીલ કરવા માટે જવાનું થાય તો તેમાં પણ અમે મદદ કરવા માટે તૈયાર છીએ. અમે ફોરેન ટ્રિબ્યૂનલની સંખ્યા પણ 100થી વધારીને 300 કરી નાખી છે. જેથી લોકોને અપીલ કરવામાં સરળતા રહે. 

19 લાખનો આંકડો ઓછો, સુપ્રીમમાં જઇશું : એએએસયુ

નવી દિલ્હી, તા. 31

આસામમાં જે લોકો પોતાની નાગરિક્તા પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યા છે તેના સમર્થનમાં સ્થાનિક સંગઠનો આવ્યા છે તો કેટલાક સંગઠનોને હજુ પણ આ યાદીથી સંતોષ નથી અને આંકડા ઓછા હોવાની દલિલો કરી રહ્યા છે જેમ કે ઓલ આસામ સ્ટૂડન્ટ યુનિયન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે એનઆરસીની અંતિમ યાદી સાથે અમે સહમત નથી, અમે હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં અપીલમાં જઇશું. 

આ સંગઠનના જનરલ સેક્રેટરી લુરિંગજ્યોતી ગોગોઇએ દાવો કર્યો હતો કે હજુ પણ આ યાદીમાં બહુ ઓછા લોકોને બહાર રખાયા છે. અગાઉ 40 લાખ લોકો વિદેશી હતા હવે અચાનક તેમાં 50 ટકાનો કાપ મુકીને 19 લાખ જ કરી દેવાયા. આ આંકડો અગાઉ જારી કરાયેલા આંકડા સાથે મેળ નથી ખાતો માટે અમે હવે સુપ્રીમ કોર્ટમાં અપીલ માટે જઇશું.  

દિલ્હીમાં પણ એનઆરસી લાગુ કરો, અનેક વિદેશીઓ દુષણ ફેલાવે છે : મનોજ તિવારી

એનઆરસીની યાદીથી અસહમત, અંતે માત્ર 6 લાખ જ ઘૂસણખોરો ઝડપાશે : આસામના મંત્રી 

નવી દિલ્હી, તા. 31

નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી)ની અંતિમ યાદી જાહેર કરી દેવામાં આવી છે. જોકે આ યાદીથી ભાજપ સહમત નથી, ભાજપની માગણી છે કે આ યાદીમાંથી જે 19 લાખ લોકોને બાકાત રખાયા છે તેઓની સંખ્યા ઓછી છે, વધુ લોકોને સામેલ કરી શકાયા હોત. સાથે જ ભાજપે માગણી કરી છે કે એનઆરસીને દિલ્હીમાં પણ લાગુ કરવામા આવે.  

ભાજપના દિલ્હીના પ્રમુખ મનોજ તિવારીએ માગણી કરી છે કે એનઆરસીને દિલ્હીમાં પણ લાગુ કરવામાં આવે. તેમણે દાવો કર્યો હતો કે દિલ્હીમાં પણ એનઆરસી લાગુ કરવુ જોઇએ કેમ કે રાજધાનીમાં સ્થિતિ વધુ ખરાબ થઇ રહી છે, દિલ્હીમાં અનેક લોકો વિદેશી છે અને ભારતના નાગરિક નથી, આવા લોકોને કારણે અપરાધનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આ બિન ભારતીયો દેશ માટે ખતરો બની રહ્યા છે. 

જ્યારે ભાજપના આસામના મંત્રી હિમાન્તા બિસ્વા સર્માએ કહ્યું હતું કે એનઆરસીની જે યાદી જાહેર કરવામાં આવી છે તેનાથી અમને સંતોષ નથી કેમ કે અગાઉ 40 લાખ લોકોના નામ યાદીમાં હતા તો હવે 19 લાખ કેમ થઇ ગયા? અનેક લોકો આસામમાં ગેરકાયદે રહે છે તેમના નામો આ યાદીમાં સામેલ નથી થઇ શક્યાનો દાવો પણ નેતાઓ દ્વારા થઇ રહ્યો છે.

ભાજપના નેતાએ દાવો કર્યો હતો કે જ્યારે ટ્રિબ્યૂનલમાં અપીલ માટે આ 19 લાખ લોકો જશે તેમાંથી ત્રણ લાખ એવા છે કે જેમાંથી કોઇ મૃત્યુ પામ્યુ છે, જ્યારે અન્યોને નાગરિક્તા મળી જશે, તેથી અંતે માત્ર 6થી સાત લાખ લોકો જ બચશે.  

આસામમાં ધારાસભ્ય, સૈન્યના પૂર્વ અધિકારીનું નામ પણ એનઆરસીમાં નહીં

મારૂં નામ નથી તેનું મને કોઇ આશ્ચર્ય નથી, ભારતની ન્યાય વ્યવસ્થા પર વિશ્વાસ : સનાઉલ્લા 

ગુવાહાટી, તા. 31

આસામના એનઆરસીની જે યાદી જાહેર કરવામાં આવી છે તેમાં આશરે 19 લાખ જેટલા લોકો પોતાની નાગરિક્તા પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યા છે. જોકે નાગરિક્તા પુરવાર કરવામા એવા પણ લોકો છે કે જેઓ દેશ માટે સેવા આપી ચુક્યા હોય કે આપી રહ્યા હોય. 

જે 19 લાખ લોકોના નામ સામેલ નથી થઇ શક્યા તેમાં આસામના વિપક્ષના એક ધારાસભ્યનો પણ સમાવેશ થાય છે. આ ધારાસભ્યનું નામ અનંતા કુમાર માલો છે, તેઓનું નામ એનઆરસીમાં ન હોવાનું સામે આવ્યું છે.

આ ધારાસભ્ય આસામના ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ સાથે સંકળાયેલા છે. આ પક્ષ આસામમાં બીજો સૌથી મોટો અને તાકતવર વિપક્ષ માનવામાં આવે છે તેથી આગામી દિવસોમાં ધારાસભ્ય અને પક્ષના નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન પણ થઇ શકે છે. 

જ્યારે સૈન્યના એક નિવૃદ્ધ અધિકારી મોહમ્મદ સનાઉલ્લાનું નામ પણ એનઆરસીમાં નથી અને તેમની પાસે પણ નાગરિક્તાના પુરાવા ન હોવાનું સામે આવ્યું છે. આ મામલે તેમણે જણાવ્યું હતું કે મને એવી કોઇ જ આશા નહોતી કે મારૂ નામ પણ આ યાદીમાં સામેલ થશે જ.

મને ભારતની ન્યાય વ્યવસ્થા પર પુરો વિશ્વાસ છે અને મને એક દિવસ આ મામલે ન્યાય મળશે. જ્યારે તેઓ સૈન્યમાં અધિકારી હતા ત્યારે કાશ્મીર અને મણીપૂરમાં આતંકવાદ સામે લડયા અને દેશની રક્ષા કરી હતી. તેઓ 2017માં જ નિવૃત થયા હતા. જે બાદ આસામ બોર્ડર પોલીસમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે પણ નોકરી કરી હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો