કાશ્મીર મુદ્દે વિપક્ષોએ મતભેદો ભૂલીને સરકારની પડખે રહેવાની જરૂરિયાત

- કાશ્મીર મામલે ભારતને બદનામ કરવા અને આંતરરાષ્ટ્રીય સમુદાયનો સાથ મેળવવા પાકિસ્તાન હવાતિયા મારી રહ્યું છે ત્યારે તેના નાપાક ઇરાદા કદી સફળ ન થાય એ માટે વિપક્ષોએ પરસ્પરના વિખવાદો ભૂલીને એક સાથે ઊભા રહેવાની ભારતીય લોકશાહીની મહાન પરંપરા નિભાવવી જોઇએ


પાકિસ્તાને યૂ.એન.માં રજૂ કરેલી એક અરજીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કથિત નિવેદનનો ઉલ્લેખ કરીને પોતાનો પક્ષ મજબૂત કરવાની હિલચાલ કરતા કોંગ્રેસ સફાળી જાગી છે અને કાશ્મીર ભારતનો આંતરિક મામલો હોવાનો દૃઢોચ્ચાર કર્યો છે. કોંગ્રેસે પાકિસ્તાન પર આકરો હુમલો કરતા કહ્યું કે તે ગમે તેવા જૂઠ્ઠાણાં આચરે અને કાવાદાવા કરે પરંતુ એ હકીકત નહીં બદલાય કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતના અભિન્ન અંગ હતા, છે અને હંમેશા રહેશે. 

પાકિસ્તાન ઇચ્છે છે કે કાશ્મીર મામલે કોઇ ત્રીજો પક્ષ મધ્યસ્થતા કરે અને એ માટે ભારત પર દબાણ સર્જવામાં આવે. પરંતુ પાકિસ્તાનની આ મંશા પણ કદી સફળ થાય એમ નથી કારણ કે આંતરરાષ્ટ્રીય સમુદાય જાણે છે કે ભારત કાશ્મીર મુદ્દે કરી મધ્યસ્થતા સ્વીકારવાનું નથી. કલમ ૩૭૦ની નાબૂદી જેવી ભારતની આંતરિક બાબતને લઇને પાકિસ્તાન જે રીતે કાગારોળ મચાવી રહ્યું છે એનાથી સાબિત થાય છે કે તેના રાજકારણની ખીચડી કાશ્મીરના નામે જ પાકે છે.

કાશ્મીરમુદ્દે આકરા પ્રત્યાઘાત આપવા પાકિસ્તાની સરકારની મજબૂરી પણ છે. વર્ષોથી પાકિસ્તાની જનતાને ત્યાંના રાજકીય પક્ષો કાશ્મીર અંગે છેતરતા આવ્યાં છે. પાકિસ્તાનની પ્રજાના વિકાસ અને પ્રગતિ કરવાને અસમર્થ એવા ત્યાંના નેતાઓ કાયમ ભારત અને કાશ્મીરમુદ્દે લોકોની લાગણી ભડકાવીને પોતાની વોટબેંક સાધે છે.

ખરેખર તો કાશ્મીર મુદ્દે ભારતને જે રીતે આંતરરાષ્ટ્રીય સમર્થન મળ્યું એનાથી પણ કોંગ્રેસના નેતાઓની આંખ ન ખૂલી અને તેઓ પરોક્ષ રીતે પાકિસ્તાનને હવા આપવાની ભયંકર ભૂલ કરતા રહ્યાં. ઇસ્લામી દેશોથી લઇને રશિયા અને અમેરિકા જેવી મહાસત્તાઓ અને યુરોપિયન દેશો તેમજ યૂ.એન. પણ કાશ્મીર મુદ્દે ભારતના પક્ષમાં રહ્યાં એ નાનસૂની બાબત નથી.

આંતરરાષ્ટ્રીય સમુદાય જ્યારે એમ કહેતો હોય કે અનુચ્છેદ ૩૭૦ ભારતનો આંતરિક મામલો છે અને કાશ્મીર એ ભારત અને પાકિસ્તાનનો દ્વીપક્ષીય મામલો છે અને એમાં ત્રીજા પક્ષની મધ્યસ્થીની કોઇ આવશ્યકતા નથી. તેમ છતાં અનુચ્છેદ ૩૭૦ મુદ્દે સંસદમાં ચર્ચા દરમિયાન લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કાશ્મીર મામલામાં યૂ.એન. મધ્યસ્થી હોવાનું કહીને ભાંગરો વાટયો. 

કાશ્મીરમાંથી અનુચ્છેદ ૩૭૦ દૂર કરવાના મામલે કોંગ્રેસના નેતાઓ એ હદે મુંઝાઇ ગયા છે કે તેઓ એવું વર્તન કરી રહ્યાં છે કે મોદી સરકારે જાણે કોઇ ભારતવિરોધી કામ કરી દીધું હોય. કોંગ્રેસ દેશની જનતાનો મિજાજ જાણવામાં નિષ્ફળ જઇ રહી છે અને એવું પણ બને કે ભાજપનો કોંગ્રેસમુક્ત ભારતનો નારો ખુદ કોંગ્રેસ જ સિદ્ધ કરી દે. કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે તો કાશ્મીરના મુદ્દાને સાંપ્રદાયિક રંગ આપવાનો પણ પ્રયાસ કર્યો કે મોદી સરકારે અનુચ્છેદ ૩૭૦ને એટલા માટે દૂર કર્યો કે કાશ્મીરમાં મુસ્લિમો બહુમતિમાં છે. 

પોતાના વિવાદાસ્પદ નિવેદનોથી કોંગ્રેસને પારાવાર નુકસાન પહોંચાડનાર મણિશંકર ઐયર પણ રહીસહી કસર પૂરી કરવા મેદાનમાં આવી ગયા અને કાશ્મીરને પેલેસ્ટાઇન સાથે સરખાવવાની ગુસ્તાખી કરી બેઠાં. ઐયરે ભારતીય બંધારણનું જ અપમાન કર્યું કારણ કે અનુચ્છેદ ૩૭૦ એ ભારતીય બંધારણનો જ હિસ્સો હતો અને એના દ્વારા જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો હતો અને ૩૫-એ લાગુ કરીને જમ્મુ-કાશ્મીરના નાગરિકોે વિશેષ અધિકાર આપવામાં આવ્યા હતાં. આ બંને કલમો ભારતીય બંધારણની જ હતી અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપવાની કાર્યવાહી બંધારણ અનુસાર થઇ હતી. તેમજ આ વિશેષ દરજ્જો પાછો લેવાની પ્રક્રિયા પણ બંધારણની મર્યાદામાં રહીને જ કરવામાં આવી. 

સરકારની મનાઇ છતાં જમ્મુ-કાશ્મીરની મુલાકાતે ગટેલા આઠ વિપક્ષી દળોના પ્રતિનિધિમંડળના નેતાઓને શ્રીનગર એરપોર્ટ પરથી જ પાછા મોકલવામાં આવ્યાં અને એનો રોષ ઠાલવતા રાહુલ ગાંધીએ કાશ્મીરના લોકો મુસીબતમાં હોવાનું બેજવાબદાર નિવેદન આપી દીધું જેનો પાકિસ્તાને પોતાના સ્વાર્થ માટે ફાયદો લેવાનો પ્રયાસ કર્યો. સરકારનું કહેવું છે કે કાશ્મીરમાં પ્રતિબંધોના કારણે હજુ પરિસ્થિતિ હજુ સંપૂર્ણપણે સામાન્ય થઇ નથી અને જનજીવન ધીમે ધીમે પાટા પર ચડી રહ્યું છે. 

એ વાત નિર્વિવાદ છે કે કોઇ પણ પક્ષના પ્રતિનિધિઓને દેશના કોઇ પણ રાજ્યમાં જવાનો અધિકાર છે અને એ રાજ્યના લોકોની પરિસ્થિતિથી વાકેફ થવાનો પણ હક છે પરંતુ સાથે સાથે એ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે નીતિઓમાં ભલે મતભેદ હોય પરંતુ રાજ્યમાં સામાન્ય બનતી પરિસ્થિતિમાં સહાયક બનવું જોઇએ. એ પણ ધ્યાનમાં રાખવું જોઇએ કે સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો દેશની સંસદમાં બહુમતિથી પાછો લીધો છે અને વિપક્ષો પણ એ જ સંસદનો હિસ્સો છે તો તેમણે પણ બંધારણ અને સંસદને માન આપવું જોઇએ. 

કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય બને એની જવાબદારી વિપક્ષની પણ છે અને તંદુરસ્ત લોકશાહી માટે એ જરૂરી પણ છે. જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કર્યાનો નિર્ણય ભલે વિપક્ષી દળોની મરજી વિરુદ્ધનો હોય પરંતુ સંસદમાં લેવામાં આ નિર્ણયનું સન્માન કરવું એ વિપક્ષની ફરજ છે. સાથે સાથે તેમણે પણ સરકારની સાથે રહીને કાશ્મીરના લોકોને વિશ્વાસ અપાવવો જોઇએ કે નવી વ્યવસ્થા દ્વારા તેમને કોઇ અન્યાય નહીં થાય અને તેમના તમામ અધિકારોનું રક્ષણ થશે.

લોકસભામાં તો ભાજપની બહુમતિ હતી અને અનુચ્છેદ ૩૭૦ દૂર કરતું બિલ પસાર કરાવવામાં કોઇ અડચણ ન નડી પરંતુ રાજ્યસભામાં ભાજપ પાસે બહુમતિ ન હોવા છતાં જે આસાનીથી બિલ પસાર થયું એના દ્વારા એ પણ સાબિત થાય છે કે આ મુદ્દે વિપક્ષો પણ એકમત નથી. 

અનુચ્છેદ ૩૭૦ મામલે સત્તાધારી પાર્ટી અને વિપક્ષોની સંસદના બંને ગૃહોમાં થયેલી દલીલો આખો દેશ સાંભળી ચૂક્યો છે અને લોકોને ખબર છે કે કઇ રાજકીય પાર્ટીનું આ મુદ્દે કેવું વલણ છે. વિપક્ષી દળોની એવી દલીલ હતી કે તેઓ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકના નિમંત્રણ પર જ શ્રીનગર ગયા  હતાં પરંતુ તેમણે ત્યાં જતાં પહેલાં પ્રશાસનની પરવાનગી લેવી જરૂરી હતી.

સરકારે ઘણાં નેતાઓને અગમચેેતી નિવારવા અટકાયતમાં લીધાં છે અને તેમની હાલતની જાણકારી લેવાનો વિપક્ષી નેતાઓને પૂરેપૂરો હક છે પરંતુ તેમની આ કાર્યવાહીથી કાશ્મીરમાં પરિસ્થિતિ વણસે નહીં એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે. કારણ કે ખુદ સરકાર પણ પરિસ્થિતિ સંપૂર્ણ સામાન્ય હોવાનો દાવો કરતી નથી.

એવામાં પાકિસ્તાને રાહુલ ગાંધીના નિવેદનનો આશરો લેવાની જે ગુસ્તાખી કરી છે એનાથી એટલું સ્પષ્ટ થાય છે કે કાશ્મીર મુદ્દે વિપક્ષોએ ભારે સંયમ દાખવવાની જરૂર છે કારણ કે કોઇ પણ વિપરિત પરિસ્થિતિ કે નિવેદનને પાકિસ્તાન પોતાના પક્ષમાં ઉપયોગમાં લઇ શકે છે.

ભારતના નેતાઓના નિવેદનોને જ હથિયાર બનાવવાની પેરવી કરતું હોય ત્યારે દેશના તમામ નેતાઓની એ જવાબદારી બની જાય છે કે તેઓ સમજી વિચારીને પોતાના અભિપ્રાય વ્યક્ત કરે. ભારતીય લોકશાહીની એ મહાન પરંપરા રહી છે કે જ્યારે પણ દેશની સુરક્ષાનો મુદ્દો હોય કે કોઇ દેશે ભારતના સાર્વભૌમત્ત્વને લલકાર્યું હોય ત્યારે તમામ રાજકીય પક્ષો પરસ્પરના મતભેદો ભૂલીને એક સાથે ઊભા રહ્યાં છે. 

એમાંયે કાશ્મીર મુદ્દો તો એવો છે જેના પર દેશની અંદર એક સ્વર હોવો આવશ્યક છે કારણ કે પાકિસ્તાન કાશ્મીર મુદ્દે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસના દરવાજા ખટખટાવી રહ્યું છે. થોડા દિવસો અગાઉ તેણે ચીનનો સહારો લઇને કાશ્મીર મુદ્દો યૂ.એન.ની સલામતિ સમિતિમાં બંધ બારણે ચર્ચા કરવામાં સફળતા મેળવી પરંતુ તેની એ હરકતનું પણ કોઇ પરિણામ ન આવ્યું અને યૂ.એન.ની સલામતિ સમિતિના વલણ બાદ સ્પષ્ટ બન્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાય એ સ્વીકારવા તૈયાર જ નથી કે કાશ્મીરની પરિસ્થિતિ પાકિસ્તાન જણાવી રહ્યું છે એવી ભયાવહ છે. 

યૂ.એન.માં ખાસિયાણા પડયા બાદ પણ પાકિસ્તાન હજુ ધરાયું નથી અને હજુ પણ કાશ્મીર મુદ્દે ભારતને બદનામ કરવા અને વૈશ્વિક સમુદાયનો સાથ મેળવવા હવાતિયા મારી રહ્યું છે. તેના આ નાપાક ઇરાદા બર ન આવે એટલા માટે વિપક્ષોએ હવે આંતરિક મતભેદો વિસરાવીને સરકારના સાહસિક કદમને ટેકો આપવાની તાતી જરૂર છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો