આરબીઆઇના નાણાનો ઉપયોગ ક્યાં કરાશે તેની વિગતો આપવાનો નિર્મલાનો ઇનકાર


નવી દિલ્હી, તા. ૨૭

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના ભંડોળમાંથી મોદી સરકારને ૧.૭૬ લાખ કરોડ રૃપિયા આપવાનો નિર્ણય લીધો છે. જો કે કોંગ્રેસે આરબીઆઇના આ નિર્ણય સામે અનેક પ્રશ્રો ઉઠાવ્યા છે. દેશનેે આર્થિક કટોકટીમાં લઇ જવાના કોંગ્રેસના આરોપનો જવાબ આપતા નાણા પ્રધાન નિર્મલા સિતારમણે જણાવ્યું છે કે આરબીઆઇના નિર્ણય સામે પ્રશ્રો ઉભા કરવા કમનસીબ છે. 

કોંગ્રેસે આરબીઆઇની છબિ બગાડવાના પ્રયત્નો કરવા ન જોઇએ. જ્યારે નાણા પ્રધાનને પૂછવામાં આવ્યું કે સરકાર આરબીઆઇ પાસેથી મળેલા નાણાનો ઉપયોગ ક્યા કરશે? તો તેમણે આ અંગેની કોઇ પણ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. 

નિર્મલા સિતારમણે જણાવ્યું હતું કે આરબીઆઇના નાણાંનો ઉપયોગ ક્યાં કરવામાં આવશે તે અમે હાલમાં બતાવી શકીએ તેમ નથી. આરબીઆઇના નાણાનો ઉપયોગ ક્યાં કરવો તે અંગે હાલમાં કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. નિર્મલા સિતારમણે વધુમાં જણાવ્યું હતું કે જીએસટીના દર ઘટાડવા તેમના હાથમાં નથી. જીએસટી અંગેનો નિર્ણય જીએસટી કાઉન્સિલ દ્વારા લેવામાં આવશે. 

બીજી તરફ નિર્મલા સિતારમણે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ટ્વિટનો જવાબ આપતા જણાવ્યું હતું કે જ્યારે પણ રાહુલ ચોરીની વાત કરે છે તો મારા મગજમાં એક જ વાત આવે છે. તેમણે ચૂંટણીમાં ચોરીની વાત અનેક વખત કરી હતી પરંતુ પ્રજાએ તેમને જવાબ આપી દીધો હતો. હવે તે જ શબ્દનો વારંવાર ઉપયોગ કરવાથી કોઇ ફાયદો થવાનો નથી. 

જો કે નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સરકાર આ નાણાનો ઉપયોગ સરકારી બેંકોને ૭૦,૦૦૦ કરોડ રૃપિયાની મૂડી આપવા માટે કરી શકે છે. આ ઉપરાંત મંદીમાં પસાર થઇ રહેલા સેક્ટર માટે સ્ટીમ્યુલેટ પેકેજ પણ જારી કરી શકે છે. 

ઉલ્લેખનીય છે કે ઓટો સેક્ટર છેલ્લા ૨૦ વર્ષની સૌથી મોટી મંદીનો સામનો કરી રહ્યું છે. આ સેક્ટરમાં હજારો કર્મચારીઓની નોકરીઓ ખતરામાં છે. સરકારી બેંકોમાં ૭૦,૦૦૦ કરોડની મૂડી ઠાલવવાથી બેંકો ગ્રાહકોને વધુ લોન આપી શકશે. લોન મળવાને કારણે લોકોની ખરીદ શક્તિમાં વધારો થશે અને તેઓ વધુ વસ્તુઓ ખરીદી શકશે. જેના કારણે વસ્તુઓની માગ વધશે અને અર્થતંત્ર પાટા પર આવી જશે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો