સ્વિસ બેંકો આજથી કેન્દ્ર સરકારને ભારતીયોના ખાતાની વિગતો આપશે
નવી દિલ્હી, તા. 31 ઓગસ્ટ, 2019, શનિવાર
સ્વિસ બેંકોમાંથી મોટા ભાગના નાણા ભારતીયોએ ઉપાડી લીધા હોવાના અહેવાલો વચ્ચે હવે સ્વિસ બેંકો જે પણ ભારતીયોના ખાતાની વિગતો ભારતને આપવાનું નક્કી થયું હતું તેની શરૂઆત રવિવારથી કરવામાં આવશે. રવિવારે સ્વિસ બેંકો ભારતીયોના ખાતાની વિગતો ટેક્સ વિભાગને પુરી પાડશે.
સ્વિત્ઝર્લેન્ડ અને ભારત વચ્ચે થયેલા કરારો તેમજ સમજુતી બાદ સ્વિસ બેંકોએ ભારતીયોના ખાતાની વિગતો આપવાની તૈયારી દર્શાવી હતી. સીબીડીટી દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતને કેલેંડર વર્ષ 2018 અંતર્ગત સ્વિસ બેંકો પાસેથી માહિતી મળવા લાગશે. જે પણ ભારતીયોના ખાતા સ્વિત્ઝર્લેન્ડની બેંકોમાં હશે તેની વિગતો મળવા લાગશે. જેમાં એવા ખાતાની પણ માહિતી હશે કે જેને 2018 દરમિયાન બંધ કરી દેવામાં આવ્યા હોય.
એવા રિપોર્ટ અગાઉ સામે આવ્યા હતા કે સ્વિસ બેંકોમાં જે પણ ભારતીયોના નાણા જમા છે તેમાંથી મોટા ભાગના કાળા નાણા હોઇ શકે છે. જોકે તેની કોઇ સત્તાવાર માહિતી હજુસુધી સ્વિસ બેંકો દ્વારા આપવામાં નથી આવી. આવી સ્થિતિમાં હવે પહેલી વખત સત્તાવાર રીતે સ્વિસ બેંકો ભારતીયોના ખાતાની વિગતો આપવાનું શરૂ કરવા જઇ રહી છે અને રવિવારથી જ આ માહિતી મળવા લાગશે.
જોકે કેટલાક રિપોર્ટ એવા પણ સામે આવ્યા છે તેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હવે સ્વિસ બેંકોમાં અગાઉ જેટલુ ભારતીયોનું કાળુ નાણુ નથી રહ્યંુ કેમ કે ઘણા વર્ષોથી આ વિવાદ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં સરકારે એસઆઇટીની રચના પણ કરી હતી. જેથી ધીરે ધીરે આ કાળા નાણા હવે ખાતામાંથી ઉપડી ગયા છે અને બહુ જ ઓછી રકમ બચી હોવાની શક્યતાઓ વ્યક્ત કરાઇ રહી છે.
Comments
Post a Comment