પાકિસ્તાનના યુદ્ધોન્માદ ભડકાવવાના પ્રયાસો

- કાશ્મીર મુદ્દે ભારતને બદનામ કરવાના પ્રયાસોમાં સતત મળી રહેલી નિષ્ફળતા અને વૈશ્વિક સમુદાયના જાકારા બાદ પાકિસ્તાન હવે અણુયુદ્ધની ધમકી આપીને દુનિયાને બ્લેકમેલ કરવાના પ્રયાસ કરી રહ્યું છે


કાશ્મીર મુદ્દે દુનિયાભરના દેશો પાસેથી નિરાશા સાંપડતા છેવટે પાકિસ્તાને વધુ એક નાપાક ચાલ ચાલી છે. દક્ષિણ એશિયાઇ ક્ષેત્રમાં પરમાણુ યુદ્ધની ધમકી આપતા પાકિસ્તાને પરમાણુ શસ્ત્રોનું વહન કરવામાં સક્ષમ એવી ગઝનવી મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. આમ તો પાકિસ્તાને કરાચીની એરસ્પેસ ત્રણ દિવસ માટે બંધ રાખવાની જાહેરાત કરી ત્યારે જ એવો અંદેશો હતો કે તે આવો કોઇક અટકચાળો કરી શકે છે અને એ શંકા સાચી ઠરી છે. 

ગઝનવી મિસાઇલ ચાઇના મેડ  એમ-૧૧ મિસાઇલની પાકિસ્તાની આવૃત્તિ છે જે ૨૯૦ કિલોમીટરની રેન્જ ધરાવતી જમીન પરથી જમીન પર વાર કરતી મિસાઇલ છે. ટૂંકા અંતરે વાર કરી શકતી ગઝનવી સોલિડ ફ્યૂલથી ચાલતી મિસાઇલ છે. આ મિસાઇલનું રેલ અને સડક માર્ગે પરિવહન કરી શકાય છે. ચીને પાકિસ્તાનને ૧૯૮૭માં એમ-૧૧ મિસાઇલ આપી હતી. પાકિસ્તાને એમાં સુધારાવધારા કરીને ગઝનવી મિસાઇલનું નિર્માણ કર્યું છે. જાણકારોના મતે આ મિસાઇલ પરમાણુ હથિયાર લઇ જવા માટે સક્ષમ છે. 

આખી દુનિયા તરફથી જાકારો મળતા હવે પાકિસ્તાન યુદ્ધની ધમકી આપીને દુનિયાને બ્લેકમેલ કરી રહ્યું છે. ભારત-પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થવાની ધમકી આપે છે. કાશ્મીર મામલે આંતરરાષ્ટ્રીય મંચો પર કાગારોળ મચાવી ચૂકેલા પાકિસ્તાનને દુનિયાભરના નેતાઓએ શાંતિ જાળવવાની સલાહ આપી છે.

પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન એકનો એક રાગ આલાપી રહ્યાં છે કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક ભૂલ કરી છે. તેમણે ભારતને ચેતવણી આપી છે કે જો પરિસ્થિતિ ઓર વણસશે તો આખી દુનિયા પર તેની ઊંડી અસર થશે કારણ કે બંને દેશો પાસે પરમાણુ શસ્ત્રો છે. 

પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહેમુદ કુરૈશીએ પણ પરમાણુ જંગની ધમકી આપીને દુનિયાને કાશ્મીર મામલે હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી. ભારતમાં કાયમ આતંકવાદ ફેલાવીને શાંતિ જોખમાવતા પાકિસ્તાને ભારત ઉપર ક્ષેત્રીય શાંતિ સાથે રમત રમવાનો આરોપ મૂક્યો અને વિવાદ ખતમ કરવા ગમે તે હદ સુધી જવાની ધમકી આપી.

જોકે તાજેતરમાં જ જી-૭ સમૂહના મંચ પરથી તમામ મહાસત્તાઓએ જે વલણ દર્શાવ્યું એનાથી ભારતને ધરપત મળી. વડાપ્રધાન મોદીએ પણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સ્પષ્ટ કહી દીધું કે કાશ્મીર મામલે કોઇના હસ્તક્ષેપની આવશ્યક્તા નથી. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ કાશ્મીર મુદ્દે ત્રણ વખત મધ્યસ્થી બનવાની ઓફર કરી ચૂક્યાં છે પરંતુ તેમની એની પાછળની ગણતરી અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળવાની અમેરિકાની યોજનામાં પાકિસ્તાનનો બને એટલો ઉપયોગ કરવાની છે. 

જાણકારોના મતે ગઝનવી મિસાઇલનું પરીક્ષણ કરીને પાકિસ્તાને એક તીરથી અનેક નિશાન તાકવાનો પ્રયાસ કર્યો છે. પહેલું તો તે યુદ્ધનો માહોલ સર્જીને વૈશ્વિક સમુદાય કાશ્મીર મામલે ભારત પર દબાણ કરે એવા પ્રયાસ કરવા માંગે છે. જોકે એથીયે વિશેષ પાકિસ્તાની વડાપ્રધાનની મજબૂરી એ છે કે ખસ્તાહાલ બની ચૂકેલી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પરથી તેના લોકોનું ધ્યાન બીજે દોરાય. એટલા માટે જ પાકિસ્તાન મિસાઇલ પરીક્ષણ કરીને અને યુદ્ધોન્માદ ભડકાવીને પાકિસ્તાનના લોકો અને દુનિયાનું ધ્યાન ભટકાવવા માંગે છે.

પાકિસ્તાને કાશ્મીર મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ચગાવવાના પ્રયાસ કર્યાં પરંતુ એમાં સફળતા ન મળતા તે હવે દુનિયાને એવું દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિ અત્યંત ખરાબ છે અને દુનિયાના હસ્તક્ષેપની તાત્કાલિક આવશ્યકતા છે.

ગઝનવી મિસાઇલના પરીક્ષણ દ્વારા પાકિસ્તાની સરકાર પોતાના દેશના લોકોને પણ એવો સંદેશ આપવા માંગે છે કે તેઓ જરાય કમજોર નથી અને યુદ્ધ માટે તૈયાર છે. ગયા વર્ષે સત્તામાં આવતા ઇમરાન ખાને નવું પાકિસ્તાન બનાવવાની જોરશોરથી જાહેરાતો કરી હતી અને યુવાનોને રોજગાર આપવાની તેમજ દેશને દેવામાંથી મુક્ત કરવાના બડાશો હાંકી હતી. 

પરંતુ એક વર્ષમાં જ ઇમરાન ખાનની તમામ વાતો પોકળ સાબિત થઇ છે. પાકિસ્તાન દિવસે ને દિવસે વધારે ને વધારે દેવાળિયું બની રહ્યું છે. ઇમરાન ખાન પોતે કરેલા વાયદા પાળવામાં નિષ્ફળ સાબિત થયા છે અને એટલા માટે તેઓ લોકોનું ધ્યાન ભટકાવવા માંગે છે. ઇમરાનના ખાનના આ પ્રયાસોમાં પાકિસ્તાની સેનાનો પણ સાથ છે.

પાકિસ્તાની સરકાર અને સેના સાથે મળીને તેમના લોકોને એવું દેખાડવા માંગે છે કે કાશ્મીરમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ છે અને પાકિસ્તાને કોઇ પણ ભોગે કાશ્મીરને બચાવવું પડશે. એટલા માટે પાકિસ્તાન સરહદે પણ સેના ખડકી રહ્યું છે. 

કાશ્મીરમુદ્દે આકરા પ્રત્યાઘાત આપવા પાકિસ્તાની સરકારની મજબૂરી પણ છે. વર્ષોથી પાકિસ્તાની જનતાને ત્યાંના રાજકીય પક્ષો કાશ્મીર અંગે છેતરતા આવ્યાં છે. પાકિસ્તાનની પ્રજાના વિકાસ અને પ્રગતિ કરવાને અસમર્થ એવા ત્યાંના નેતાઓ કાયમ ભારત અને કાશ્મીરમુદ્દે લોકોની લાગણી ભડકાવીને પોતાની વોટબેંક સાધે છે. કલમ ૩૭૦ દૂર કરવાના પ્રત્યાઘાતરૂપે પાકિસ્તાને ભારત સાથેનો દ્વીપક્ષીય વેપાર બંધ કરી દીધો છે. તો બંને દેશો વચ્ચે ચાલતી ટ્રેન અને બસ સેવા પણ અટકાવી દીધી છે. 

જોકે હાલ પાકિસ્તાનની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે અને ભારત સાથેનો વેપાર બંધ કર્યા બાદ એ પરિસ્થિતિ વણસી શકે છે એ જોતાં પાકિસ્તાન સરહદે છમકલાં કરીને લોકોનું ધ્યાન ભટકાવવાના પ્રયાસો પણ કરી શકે છે. એ સંજોગોમાં ભારતે સાવચેત રહીને પાકિસ્તાનના દરેક નાપાક પગલાનો જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર રહેવું પડશે. 

કાશ્મીરને લઇને ભારતે જે પગલાં લીધાં છે એ પ્રત્યક્ષ છે પરંતુ પાકિસ્તાન આ મામલે પરોક્ષ પગલાં લઇ શકે છે. ઇમરાન ખાને તો પુલવામા જેવા હુમલા થવાની ધમકી પણ આપી છે. પાકિસ્તાને પોતાની સેનાને એલર્ટ રહેવાની સૂચના પણ આપી છે. કારણ કે તેમને હવે ડર છે કે ભારત પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં પણ લશ્કરી કાર્યવાહી કરી શકે છે. જોકે પાકિસ્તાન જે આર્થિક તંગીમાંથી પસાર થઇ રહ્યું છે એ જોતાં તેને યુદ્ધ જરાય પોષાય એમ નથી. પરંતુ વૈશ્વિક સમુદાયનું ધ્યાન ખેંચવા તે કાંકરીચાળા કરી શકે છે. 

પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરીએ એવું નિવેદન આપ્યું હતું કે ઇમરાન ખાન ભારત માટે પોતાનું હવાઇ ક્ષેત્ર બંધ કરવાનો વિચાર કરી રહ્યાં છે. જોકે પાકિસ્તાન માટે એમ કરવું આસાન નથી એટલા માટે જ એક જ દિવસ બાદ પાકિસ્તાની વિદેશ મંત્રીએ કહેવું પડયું છે કે ભારત માટે એરસ્પેસ બંધ કરવા અંગે કોઇ વિચારણા થઇ નથી.

અગાઉ બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાને ભારત માટે પોતાનું હવાઇ ક્ષેત્ર બંધ કર્યું ત્યારે તેને ૬૮૮ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. હવે જો પાકિસ્તાન આવો કોઇ નિર્ણય લે તો તેને ઓર નુકસાન વેઠવું પડે એમ છે. આમ પણ પાકિસ્તાન જે આર્થિક તંગહાલીમાંથી પસાર થઇ રહ્યું છે એ જોતાં તેણે આવો કોઇ નિર્ણય લેતા પહેલાં અનેક વખત વિચારવું પડે એમ છે.

એટલું તો નક્કી છે કે પાકિસ્તાન ભારતને પરેશાન કરવા માટે અટકચાળા કરી શકે છે અને સાથે સાથે ભારતવિરોધી પ્રોપેગેન્ડા ફેલાવીને પરેશાન કરી શકે છે. મોદી સરકારના નિર્ણય બાદ જે રીતે પાકિસ્તાન ઉશ્કેરાયું છે એનાથી સ્પષ્ટ છે કે આગામી થોડા દિવસો જમ્મુ-કાશ્મીરમાં સંવેદનશીલ હશે.

સરહદ પર ચાંપતો બંદોબસ્ત હોવાના કારણે પાકિસ્તાનમાંથી તો આતંકવાદીઓની ઘૂસણખોરીના વધારે સંભાવના નથી પરંતુ કાશ્મીરમાં છુપાઇને બેઠેલા આતંકવાદીઓ અશાંતિ ઊભી કરવાના પ્રયાસ કરી શકે છે. આ આતંકવાદીઓ પાકિસ્તાનનો એજન્ડા આગળ વધારવા માટે ભાંગફોડ કે હિંસા ફેલાવી શકે છે. 

સરહદથી વધારે આતંકવાદીઓ ભારતમાં ઘૂસાડવા માટે તે વધારે સેના પણ ગોઠવી રહ્યું છે અને સેના સાથે તેણે કમાન્ડો પણ ગોઠવવાના શરૂ કર્યાં છે. કચ્છ સરહદેથી પાકિસ્તાની કમાન્ડો ભારતમાં ઘૂસીને ભાંગફોડ આચરવાના પ્રયાસ કરે એવી પણ ગુપ્તચર એજન્સીઓની બાતમી છે. પાકિસ્તાનની કોઇ પણ ગુસ્તાખીને પહોંચી વળવા ભારતે તૈયાર રહેવું પડશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો