આર્ટિકલ 370 બાદ હવે નક્સલવાદનો સફાયો કરવા પર સરકારની નજર

- અમિત શાહે નક્સલવાદની સમસ્યાથી છૂટકારો પામવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો છે અને જે રીતે તેમણે કાશ્મીર સમસ્યાને જડમૂળથી ખતમ કરવાની દિશામાં પગલાં લીધાં છે એ જોતાં તો નક્સલવાદી સંગઠનોમાં પણ ફફડાટ ઊભો થયો હશે


ગૃહમંત્રી બન્યા બાદ સોમવારે અમિત શાહે પહેલી વખત નક્સલગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ડીજીપીઓની બેઠક બોલાવી અને નક્સલ સમસ્યાથી છૂટકારો પામવાની કટિબદ્ધતા વ્યક્ત કરી. બેઠકમાં છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહાર, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીઓએ ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ બેઠકમાં હાજર રહી શક્યા નહોતાં. 

ગૃહ ખાતાએ રજૂ કરેલા આંકડા અનુસાર વર્ષ ૨૦૦૯થી ૨૦૧૩ દરમિયાન નક્સલ હિંસાના લગભગ ૮૭૮૨ મામલા નોંધાયા હતાં જ્યારે વર્ષ ૨૦૧૪થી ૨૦૧૮ દરમિયાન ૪૯૬૯ મામલા નોંધાયા, મતલબ કે નક્સલ હિંસામાં ૪૩.૪ ટકાનો ઘટાડો નોંધાયો છે. એ જ રીતે વર્ષ ૨૦૦૯થી ૨૦૧૪ દરમિયાન નક્સલ હિંસામાં ૩૩૨૬ જણા માર્યા ગયા હતાં જ્યારે વર્ષ ૨૦૧૪થી ૨૦૧૮ દરમિયાન ૧૩૨૧ લોકોના મૃત્યુ નીપજ્યાં. એટલે કે નક્સલ હિંસામાં માર્યા ગયેલા લોકોની સંખ્યામાં પણ ૬૦.૪ ટકાનો ઘટાડો નોંધાયો. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ૧૪૦૦ જેટલા નક્સલવાદીઓ માર્યા ગયાં.  

આ વર્ષની શરૂઆતના પાંચ મહિનામાં નક્સલ હિંસાના લગભગ ૩૧૦ મામલા નોંધાયા જેમાં ૮૮ જણા માર્યા હતા. જ્યાં નક્સલવાદીઓ સૌથી વધારે સક્રિય હોય એવા વિસ્તારોને રેડ કોરિડૉર કહેવામાં આવે છે. રેડ કોરિડોરમાં દેશના ૧૦ રાજ્યોના ૭૪ નક્સલ અસરગ્રસ્ત જિલ્લાઓનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારનો દાવો છે કે તેની દૃઢ નીતિઓના કારણે નક્સલ હિંસામાં ઘટાડો થયો છે અને તેનો ભૌગૌલિક વ્યાપ પણ ઘટયો છે. વર્ષ ૨૦૧૮માં નક્સલ હિંસાના સમાચાર માત્ર ૬૦ જિલ્લાઓમાં જ નોંધાયા જેમાંની બે તૃતીયાંશ હિંસા માત્ર ૧૦ જિલ્લામાં થઇ. 

કેન્દ્ર અને રાજ્યોની સરકારો ભલે દાવા કરતી રહે કે નક્સલવાદીઓનો સફાયો થઇ ગયો છે પરંતુ વાસ્તવિકતા એ છે કે નક્સલવાદીઓ આજે પણ પૂરી તાકાત સાથે મેદાનમાં છે. પોતાના વિસ્તારોમાં તેમનો મજબૂત કબજો છે અને ખાસ વાત એ કે તેમનું ગુપ્ત નેટવર્ક ભારે મજબૂત છે. પળેપળની ખબર તેઓ રાખે છે અને લાગ મળતા જ ઘાત લગાવીને હુમલો કરે છે. નક્સલ અસરગ્રસ્ત વિસ્તારોમાં માઓવાદીઓ પોતાની સમાંતર સત્તા ચલાવે છે. 

એટલા માટે જ ગાઢ જંગલોમાં છુપાયા હોવા છતાં તેમની પાસે આઇઇડી જેવા વિસ્ફોટકો અને આધુનિક હથિયારો પહોંચી જાય છે. છેલ્લા બે દાયકામાં માઓવાદી હિંસામાં લગભગ બાર હજાર લોકો માર્યા ગયાં છે જેમાં લગભગ ત્રણેક હજાર પોલીસ અને સુરક્ષા દળોના જવાનોનો સમાવેશ થાય છે. 

સરકાર દાવા કરે છે કે માઓવાદી હિંસામાં ઘટાડો થયો છે કે પછી નક્સલવાદીઓએ હથિયાર ફેંકી દીધાં છે. પરંતુ છાશવારે થતા નક્સલવાદી હુમલાઓ સરકારના દાવાઓને ખોખલા સાબિત કરે છે. જે રીતે નક્સલવાદીઓએ પોતાના વિસ્તારોમાં પક્કડ જમાવી રાખી છે અને જે રીતે તેઓ હુમલાઓ કરી રહ્યાં છે એ જોતાં તો એવું જ લાગે છે કે નક્સલવાદીઓની સમસ્યામાંથી છુટકારો મેળવવામાં સરકારની નીતિઓ સફળ નીવડી નથી.

નક્સલવાદીઓ પોતાના હેતુઓ બર લાવવા માટે પ્રાદેશિક મુદ્દાઓનો સાથ લે છે. છત્તીસગઢ, ઝારખંડ, મહારાષ્ટ્ર, ઓડિશા અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં માઓવાદે એવા મૂળિયા જમાવ્યાં છે કે માત્ર સુરક્ષા દળો દ્વારા અભિયાનો ચલાવીને તેને સંપૂર્ણ રીતે ખતમ કરી શકાય એમ નથી. 

હકીકતમાં નક્સલ સમસ્યા દેશની આંતરિક સુરક્ષા સાથે જોડાયેલી જટિલ સમસ્યા છે જેના મૂળમાં સામાજિક અને આર્થિક ભેદભાવ છે. એટલા માટે તેના નિરાકરણ માટે પણ એક કરતા વધારે મોરચે પગલાં લેવાની આવશ્યક્તા છે. 

હાલ તો નક્સલવાદ સૌથી વધારે ઝારખંડ અને છત્તીસગઢમાં વ્યાપ્ત છે અને જોવા જેવી બાબત એ છે કે આ બંને રાજ્યો આર્થિક રીતે સાવ પછાત છે. ચિંતાનો વિષય એ જ છે કે આર્થિક રીતે પછાત રાજ્યોમાં  નક્સલવાદની સમસ્યા વધારે ગંભીર છે. ખરેખર તો આ બંને રાજ્યો કુદરતી સંસાધનોની દૃષ્ટિએ અત્યંત સમૃદ્ધ છે પરંતુ અહીંયાના લોકો જ વધારે ગરીબ છે. 

આ વિરોધાભાસના કારણે એવું લાગે કે સામાજિક અને આર્થિક અસમાનતાના કારણે જ આ રાજ્યોમાં નક્સલવાદ વકર્યો છે પરંતુ જે રીતે નક્સલ અસરગ્રસ્ત દરેક રાજ્યોમાં નક્સલવાદીઓ પોલીસ અને તંત્રને પોતાના શત્રુ ગણીને જે રીતે હિંસા ફેલાવે છે એનાથી તો એવું જ લાગે છે કે તેમનો ઉદ્દેશ આદિવાસીઓના અધિકાર મેળવવાનો નહીં પરંતુ સમાજમાં દહેશત ફેલાવીને તેમનું રાજ સ્થાપવાનો અને એ રીતે લોકતાંત્રિક વ્યવસ્થાને પડકારવાનો છે.

હકીકતમાં હિંસાથી આજ દિન સુધી કોઇ સમસ્યા હલ થઇ નથી અને એમાંયે નક્સલવાદની અન્યાયથી અન્યાયનો ખાતમો બોલાવવાની નીતિ તો કોઇનું ભલું થયું નથી. હિંસા અને લૂટફાટ કદી ન્યાયપૂર્ણ સમાજની સ્થાપના ન કરી શકે.  અગાઉ વાજપેયી સરકારના ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીએ નક્સલ સમસ્યાને સમાપ્ત કરવા માટે તમામ નક્સલ અસરગ્રસ્ત રાજ્યોના પોલીસ અધિકારીઓ અને ગૃહ સચિવોની બેઠક બોલાવીને સહિયારી રણનીતિ બનાવવાની શરૂઆત કરી હતી.

અગાઉ એવું રહેતું કે દરેક નક્સલગ્રસ્ત રાજ્ય પોતપોતાની કાયદાકીય વ્યવસ્થા દ્વારા નક્સલવાદ સામે લડવાની રણનીતિ તૈયાર કરતું હતું. આનો ફાયદો નક્સલવાદીઓને મળતો હતો કારણ કે તેઓ કોઇ એક રાજ્યમાં હુમલો કરીને બીજા રાજ્યની સરહદમાં આસાનીથી પ્રવેશ કરી લેતા હતાં. નક્સલવાદીઓની આવી વ્યૂહરચનાના કારણે જ સહિયારી રણનીતિ ઘડવાની જરૂરિયાત ઊભી થઇ. એ પછી નક્સલવાદ વિરુદ્ધની રણનીતિમાં વખતોવખત પરિવર્તન પણ થતાં રહ્યાં. 

વર્ષ ૨૦૦૪માં કેન્દ્રમાં યૂપીએની સરકાર બન્યા બાદ તેમાં ગૃહમંત્રી રહેલા શિવરાજ પાટિલે નક્સલ સમસ્યાને સામાજિક આધારે હલ કરવાના પ્રયાસ કર્યાં. જોકે અડવાણીની કડક રણનીતિના સ્થાને તેમની આ ઉદાર રણનીતિ કામ ન લાગી અને નક્સલવાદીઓની ગતિવિધિ ચાલુ જ રહી. આનું કારણ એ હતું કે નક્સલવાદીઓ જ ઇચ્છતા નહોતા કે તેમના વિસ્તારોમાં કોઇ સામાજિક સુધારા થાય. તેમનો ઉદ્દેશ તો હિંસાના જોરે લોકોમાં ડર ફેલાવીને સમાનાન્તર શાસન ચલાવવાનો જ હતો. 

આવી લોકશાહી વિરુદ્ધની કાર્યપ્રણાલિને વખતોવખત કેટલીક બુદ્ધિજીવી કહેવાતી સંસ્થાઓ અને વ્યક્તિઓનું સમર્થન પણ મળતું રહ્યું. 

નક્લસ અસરગ્રસ્ત વિસ્તારોમાં ખાસ અભિયાનો ચલાવીને વિકાસ કાર્યક્રમોનું અમલીકરણ કરવું ઘણું જરૂરી છે. જો એવું થયું તો જ નક્સલ વિચારધારાથી લોકોને દૂર રાખવામાં સફળતા મળશે. 

ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે નક્સલવાદને દેશની સૌથી મોટી આતંકવાદી સમસ્યા ગણાવી હતી પરંતુ એ ફલવાફૂલવાના કારણોની જડમાં ગયા નહોતાં. હકીકત એ છે કે આર્થિક ઉદારીકરણ અને ખાનગીકરણના દોર બાદ જ નક્સલવાદની સમસ્યા ઓર વકરી અને ખનીજ તેમજ અન્ય પ્રાકૃતિક સંપત્તિથી ભરપૂર રાજ્યોમાં વધારે ફેલાઇ. 

ગૃહમંત્રી અમિત શાહે આ તમામ બાબતો ધ્યાનમાં રાખીને સમસ્યાનું સમાધાન શોધવું પડશે. જોકે જે રીતે તેમણે કાશ્મીર સમસ્યાને જડમૂળથી ખતમ કરવાની દિશામાં પગલાં લીધાં છે એ જોતાં તો નક્સલવાદી સંગઠનોને પણ ભય તો લાગી રહ્યો હશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો