પીગળી રહેલા ગ્લેશિયર ખતરાનું એલાર્મ વગાડી રહ્યાં છે

- ગ્રીનહાઉસ ગેસોના પાપે ધરતીના વધી રહેલા તાપમાનના કારણે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પરનો બરફ ઝડપથી પીગળી રહ્યો છે અને જો ગ્રીન હાઉસ ગેસોનો ઉપયોગ આજે બંધ કરી દેવામાં આવે તો પણ પરિસ્થિતિ સામાન્ય થતાં બસ્સો વર્ષ લાગી જાય એમ છે


ધરતીના વધી રહેલા તાપમાનના કારણે પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર પથરાયેલો બરફ પીગળી રહ્યો છે. યૂ.એન.ના એક રિપોર્ટ અનુસાર છેલ્લા એક દાયકામાં ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકામાં પથરાયેલી બરફની ચાદરમાં દર વર્ષે ૪૦૦ અબજ ટનનો ઘટાડો થયો છે. આટલી મોટી માત્રામાં બરફ પીગળવાના કારણે મહાસાગરોની સપાટી દર વર્ષે આશરે ૧.૨ મિલીમીટર વધી છે. આ સમયગાળા દરમિયાન પહાડોમાં રહેલા ગ્લેશિયર પણ વધી રહેલા તાપમાનના કારણે પીગળ્યાં છે અને ગ્લેશિયરોનો પણ વાર્ષિક સરેરાશ ૨૮૦ અબજ ટન બરફ પીગળ્યો છે જેના કારણે સમુદ્રોની સપાટીમાં ૦.૭૭ મિલીમીટરનો વધારો થયો છે.

જાણકારોના મતે છેલ્લી એક સદીમાં દુનિયાભરના સમુદ્રોની સપાટીના કુલ વધારામાં ૩૫ ટકા જેટલો વધારો ગ્લેશિયરોના પીગળવાના કારણે થયો છે. જોકે હવે ગ્લેશિયરોના પીગળવાના કારણે સમુદ્રોની સપાટીમાં થતો વધારો ઓછો થતો જશે કારણ કે દુનિયાભરના ગ્લેશિયરોમાં વધારે બરફ વધ્યો જ નથી. એની સરખામણીમાં ગ્રીનલેન્ડ અને એન્ટાર્ક્ટિકામાં રહેલો બરફ પીગળતા સમુદ્રોની સપાટી અનેક ફૂટ વધી શકે છે. તો છેલ્લા પચાસ વર્ષમાં આર્કટિક સમુદ્રના બરફનું પડ પણ સાવ પાતળું થઇ ગયું છે એ છેલ્લા ત્રણ દાયકામાં તેના કદમાં લગભગ ૧૦ ટકાનો ઘટાડો થયો છે. વૈજ્ઞાાનિકોના મતે તાપમાનમાં આવો અનિયંત્રિત વધારો થતો રહ્યો તો વર્ષ ૨૦૪૦ સુધીમાં આર્કટિકનો બરફ ઉનાળા પૂરતો અદૃશ્ય થઇ જશે.

દુનિયાના સૌથી મોટો ટાપુ ગણાતા ગ્રીનલેન્ડમાં હજારો વર્ષોથી સેંકડો કિલોમીટર સુધી બરફની મોટી ચાદર પથરાયેલી છે. પરંતુ હવે ક્લાયમેટ ચેન્જના કારણે એના પર મોટું જોખમ તોળાઇ રહ્યું છે. ગ્રીનલેન્ડમાં આ વર્ષે રેકોર્ડ ગરમી પડી જેના કારણે બહુ મોટી માત્રામાં બરફ પીગળ્યો. એમાંયે ગત બીજી ઓગસ્ટે ગ્રીનલેન્ડમાં માત્ર ૨૪ કલાકમાં લગભગ ૧૨.૫ અબજ ટન બરફની ચાદર પીગળી ગઇ. ઇતિહાસમાં એક દિવસમાં સૌથી વધારે બરફ પીગળવાનો આ રેકોર્ડ છે. વૈજ્ઞાાનિકોનું માનવું છે કે જો આવું જ રહ્યું તો આ સદી પૂરી થતા સુધીમાં માત્ર ગ્રીનલેન્ડમાં પીગળતા બરફના કારણે જ સમુદ્રોની સપાટી ત્રણથી ચાર ફૂટ જેટલી વધી જશે. સમુદ્રોની સપાટીમાં થનારો આટલો મોટો વધારો દુનિયાના અનેક ભાગોને ડૂબાડી શકે છે.

થોડા દિવસ પહેલાં જ આઇસલેન્ડ નામના દેશનો ઓકજોકુલ નામનો ગ્લેશિયર સંપૂર્ણપણે પીગળી ગયો અને આઇસલેન્ડે રીતસરની એ ગ્લેશિયરની અંતિમવિધિ કરી. ઓકજોકુલનો ગ્લેશિયરનો દરજ્જો પાછો લેવામાં આવ્યો અને પોતાની ઓળખ અને અસ્તિત્ત્વ ગુમાવનારો પહેલો ગ્લેશિયર બન્યો. ૭૦૦ વર્ષ પુરાણો આ ગ્લેશિયર આઇસલેન્ડના સૌથી જૂના ગ્લેશિયરોમાંનો એક હતો પરંતુ હવે ત્યાં બરફના છૂટાછવાયા ટુકડા જ બચ્યાં છે. ક્લાયમેટ ચેન્જના કારણે આ ગ્લેશિયરનું અસ્તિત્ત્વ જ મટી ગયું. વૈજ્ઞાાનિકોએ એના માટે ગ્રીનહાઉસ ગેસોને જવાબદાર ઠરાવ્યાં છે. 

પૃથ્વી પર આશરે બે લાખ ગ્લેશિયર છે જેમાં બરફ સ્વરૃપે પીવાલાયક પાણીનો વિશાળ ભંડાર રહેલો છે. જોકે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ ઉપર રહેલા બરફની સરખામણીમાં આ જથ્થો સાવ નાનો કહી શકાય એવો છે. વળી, ધરતીના વધી રહેલા તાપમાનની ધ્રુવીય બરફ કરતા ગ્લેશિયરોના બરફ પર વધારે થાય છે. ગ્લોબલ વૉર્મિંગ કહેવાતી કુદરતી આફતના પાપે ગ્લેશિયરોના પીગળી રહેલા બરફની સીધી અસર મનુષ્યો પર થશે કારણ કે આવા ગ્લેશિયર પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત છે.

ઉદાહરણ તરીકે હિમાલયના ગ્લેશિયરો એ ક્ષેત્રમાં રહેતા લગભગ ૨૫ કરોડ લોકોને પીવાનું પાણી પૂરું પાડે છે અને હિમાલયના ગ્લેશિયરોમાંથી નીકળતી નદીઓ આગળ વધીને લગભગ ૧૬૫ કરોડ લોકોનો જીવનનિર્વાહ ચલાવે છે. સંશોધકોના મતે જે ઝડપે હિમાલયના ગ્લેશિયર પીગળી રહ્યાં છે એ જોતાં તો વર્ષ ૨૦૩૫ સુધીમાં મધ્ય અને પૂર્વ હિમાલયના ગ્લેશિયરો જ અદૃશ્ય થઇ જશે. 

હાલ જે ઝડપે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે એ જોતાં એશિયાના ઊંચા પર્વતોમાં રહેલા ગ્લેશિયરોનો ત્રીજા ભાગનો બરફ પીગળી જાય એમ છે. 

એ પણ જો આપણે ગ્રીનહાઉસ ગેસોનું ઉત્સર્જન ઘટાડીને દુનિયાના તાપમાનનો વધારો ૧.૫ ડિગ્રી સુધી સીમિત કરી શકીએ તો. નહીંતર તો ગ્લેશિયરોના પીગળવાની ઝડપ ઓર વધી જશે. આવનારા દાયકાઓમાં જો ધરતીનું કામકાજ આ રીતે જ ચાલતું રહ્યું અને વૈશ્વિક અર્થવ્યવસ્થા પેટ્રોલિયમ અને કોલસા જેવા પરંપરાગત બળતણથી જ ચાલતી રહી તો ગ્લેશિયરોનો બે તૃતીયાંશ ભાગ ખતમ થઇ જશે. ગ્લેશિયરો ખતમ થતા પીવાના પાણીની ભયંકર તંગી સર્જાશે જેની અસર કરોડો લોકો પર થશે. આમ પણ મધ્ય અને પશ્ચિમી હિમાલયના ક્ષેત્રોમાં તો છેલ્લા થોડા વર્ષોથી સિંચાઇના પાણીની તંગી વર્તાઇ રહી છે. 

પીગળી રહેલા ગ્લેશિયરોની સમસ્યા એશિયા પૂરતી જ સીમિત નથી, યુરોપમાં તો એ ઓર વકરી રહી છે. 

રિપોર્ટ અનુસાર ઉત્તર એશિયા, મધ્ય યુરોપ અને સ્કેન્ડિનેવિયન દેશોમાં રહેલા ૮૦ ટકા ગ્લેશિયર વર્ષ ૨૧૦૦ સુધીમાં પીગળી જશે. સ્વિત્ઝર્લેન્ડ વિશેના એક રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે જો ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જન પર કાબુ ન મેળવવામાં આવ્યો તો આલ્પ્સ પર્વતોમાં રહેલા ૯૦ ટકા ગ્લેશિયર આ સદીના અંત સુધીમાં પીગળી જશે. 

સામાન્ય લોકોના મનમાં ગ્લેશિયર અંગે ખાસ જ્ઞાાન નથી પરંતુ એટલું સમજવું પૂરતું છે કે પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત તરીકે ગ્લેશિયર ધરતી માટે અનિવાર્ય છે. 

સામાન્ય રીતે એવું બને છે કે ઉનાળામાં ગ્લેશિયરો થોડા પીગળે છે અને શિયાળામાં ફરી પાછા વિસ્તરે છે. પરંતુ પૃથ્વીના વધી રહેલા તાપમાનના કારણે ગ્લેશિયરો પીગળી તો રહ્યાં છે પરંતુ શિયાળામાં તેમના ફરી પાછા વધવાનું પ્રમાણ ઘટી રહ્યું છે. આ જ સ્થિતિ દક્ષિણ અમેરિકાની એન્ડિઝ પર્વતમાળા અને આફ્રિકાની પણ છે. આફ્રિકાના વિખ્યાત કિલિમાન્જારો પહાડોનો બરફ વર્ષ ૧૯૧૨ બાદ ૮૦ ટકાથી વધારે પીગળી ગયો છે. ટૂંકમાં ચીનથી લઇને ચીલી સુધી અને ઇન્ડોનેશિયાથી લઇને સ્વિત્ઝર્લેન્ડ સુધી બરફના વિશાળ મેદાનો, ગ્લેશિયરો અને સમુદ્રી બરફ લુપ્ત થઇ રહ્યા છે જેનું પરિણામ અત્યંત ભયંકર હોઇ શકે છે.

સીધી ગણતરી માંડીએ તો ધરતીના તાપમાનમાં થઇ રહેલા ભયજનક વધારાને રોકવા માટે વાતાવરણમાં કાર્બન ડાયોકસાઇડનું જે પ્રમાણ હોવું જોઇએ તેનો બે તૃતીયાંશ હિસ્સો આપણે અત્યાર સુધીમાં વાતાવરણમાં ભેળવી ચૂક્યાં છીએ. જો ક્લાયમેટ ચેન્જ પર અંકુશ રાખવો હોય તો ૨૦૨૦ સુધીમાં ગ્રીન હાઉસ ગેસોનું ઉત્સર્જન ચરમસીમાએ હોવું જોઇએ પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતા એ પછી પણ આવા ગેસોનું પ્રમાણ વધ્યાં જ કરે એવી પૂરી સંભાવના છે. ૨૦૫૦ સુધીમાં દુનિયાભરમાં વીજળીના ઉત્પાદન માટે સૌર, પવન અને પરમાણુ ઉર્જા જેવા વૈકલ્પિક ઉર્જાસ્ત્રોતો પર નિર્ભર થવાનું લક્ષ્યાંક છે જે હાલના સંજોગો જોતા શક્ય નથી લાગતું.

થોડા વખત પહેલા અમેરિકી અવકાશ સંસ્થા નાસાએ જારી કરેલી તસવીરોમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું હતું કે માલદીવ, માર્શલ આઇલેન્ડ, તવાલુ અને નાઉરુ જેવા કેટલાય દેશો સમુદ્રમાં ડૂબી જવાની સંભાવના છે. 

ગ્લોબલ વૉર્મિંગના કારણે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર રહેલો બરફ પીગળી રહ્યો છે જેના કારણે વનસ્પતિ અને જીવજંતુઓની સેંકડો પ્રજાતિઓનું અસ્તિત્ત્વ જોખમમાં છે. અનેક દેશોએ સૂચન કર્યું હતું કે પેટ્રોલિયમ અને કોલસા જેવા પરંપરાગત બળતણોના ઉત્પાદન અને વપરાશનો ક્વોટા નક્કી કરવો જોઇએ કારણ એ આવા બળતણના કારણે જ પૃથ્વીનું તાપમાન વધારતા કાર્બન ડાયોકસાઇડ જેવા વાયુઓનું ઉત્સર્જન થાય છે. ૧૯૭૫ બાદ પૃથ્વીના તાપમાનમાં જે ચિંતાજનક વધારો થયો છે તેની પાછળ ગ્રીનહાઉસ ગેસો જ જવાબદાર હોવાનું દુનિયાના તમામ દેશોએ સ્વીકાર્યું છે.

પીગળતા ગ્લેશિયરોના કારણે દરિયાની સપાટી તો વધે જ છે, સાથે સાથે દરિયાકાંઠાનું ક્ષરણ પણ થાય છે. સમુદ્રોના વધી રહેલા તાપમાનના કારણે સમુદ્રી વાવાઝોડાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. પીગળતા ગ્લેશિયરોના કારણે મહાસાગરોના પ્રવાહો બદલાય છે જેના કારણે દુનિયાભરનું ઋતુચક્ર પણ બદલાઇ રહ્યું છે. પરિસ્થિતિ ગંભીર બની રહી છે. 

જો ગ્રીન હાઉસ ગેસોનો ઉપયોગ આજે બંધ કરી દેવામાં આવે તો પણ પરિસ્થિતિ સામાન્ય થતાં બસ્સો વર્ષ લાગી જાય એમ છે. ધરતી બચાવવાનો સમય આવી ગયો છે અને હવે એમાં વિલંબ થયો તો આપણું અસ્તિત્ત્વ નાબૂદ થવામાં વધારે સમય નહીં લાગે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો