આસામમાં NRC પહેલા ભય અને ચિંતાનો માહોલ

- આસામમાં ગેરકાયદેસર રીતે ઘૂસી આવેલા બાંગ્લાદેશી નાગરિકોનો દેશનિકાલ કરવા માટે છેલ્લા ઘણાં વર્ષોથી જનઆંદોલન ચાલી રહ્યું હતું અને હવે ચાર વર્ષ લાંબી ચાલેલી પ્રક્રિયા બાદ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર શઇભની અંતિમ યાદી જાહેર થવાની છે


આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (શઇભ)ની અંતિમ યાદી આજે જાહેર થવાની છે. આસામમાં વસવાટ કરતા લગભગ ૪૧ લાખ લોકોના ભાગ્યનો ફેંસલો એનઆરસીની આ યાદી કરશે. સુપ્રીમ કોર્ટે એનઆરસીના પ્રકાશન માટે ૩૧ ઓગસ્ટની સમયસીમા આપી છે.

 આસામમાં ગેરકાયદેસર રીતે ઘૂસી આવેલા બાંગ્લાદેશી નાગરિકો વિરુદ્ધ આસામમાં લગભગ છેલ્લા છ વર્ષથી જનઆંદોલન ચાલી રહ્યું હતું અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ એનું પરિણામ છે.

એનઆરસીનો ઉદ્દેશ દેશના વાસ્તવિક નાગરિકો અને ગેરકાયદેસર શરણાર્થીઓની ઓળખ કરવાનો છે. આસામમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને બહાર કાઢવા માટે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી) અભિયાન અમલમાં આવ્યું છે. દુનિયાના સૌૈથી મોટા અભિયાનોમાંના એક ગણાયેલી આ કવાયતમાં ડિટેક્ટ, ડિલીટ અને ડિપોર્ટની જોગવાઇ છે. અર્થાત્ ગેરકાયદેસર રીતે રહેતા લોકોની પહેલા ઓળખ કરવામાં આવશે અને પછી તેમને દેશનિકાલ કરવામાં આવશે. 

કહેવાય છે કે આસામમાં લગભગ ૫૦ લાખ બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે. જેના કારણે છેલ્લા કેટલાયે દશકોથી રાજ્યમાં સામાજિક અને આર્થિક સમસ્યાઓ સર્જાઇ છે. 

દેશના ભાગલા પડયા બાદ તત્કાલિન પૂર્વ પાકિસ્તાનથી આવતા ગેરકાયદેસર શરણાર્થીઓની ઓળખ માટે આસામમાં ૧૯૫૧માં પહેલી વખત એનઆરસીને અપડેટ કરવામાં આવ્યો હતો. આસામના તત્કાલિન મુખ્યમંત્રી ગોપીનાથ બારોદોલોઇ ભાગલા બાદ પૂર્વ પાકિસ્તાનથી ભાગીને આવેલા બંગાળી હિન્દુ શરણાર્થીઓને આસામમાં વસાવવા વિરુદ્ધ હતાં. એ વખતે તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા  બારદોલોઇનો અસંતોષ દૂર કરવા માટે પહેલી વખત ઓળખવિધિ કરવામાં આવી હતી. 

જોકે એ પછી પણ બાંગ્લાદેશમાંથી ઘૂસણખોરી સતત ચાલુ રહી. ખાસ કરીને ૧૯૭૧ બાદ તો એટલી મોટી સંખ્યામાં શરણાર્થીઓ પહોંચ્યાં કે રાજ્યમાં વસતીનું સ્વરૃપ જ બદલાવા લાગ્યું. આસામમાં ઘૂસણખોરોને પાછા કાઢવાનું આ અભિયાન લગભગ છેલ્લા ૩૭ વર્ષોથી ચાલી રહ્યું છે.

પાછલા વર્ષોમાં અનેક વખત સ્થાનિક લોકો અને ઘૂસણખોરોમાં હિંસક અથડામણો પણ સર્જાઇ છે. ૧૯૮૦ના દશકથી જ આસામમાં ઘૂસણખોરોને પાછા હાંકી કાઢવાના આંદોલન ચાલી રહ્યાં છે. ઘૂસણખોરોના હાંકી કાઢવા માટેનું સૌથી પહેલું આંદોલન ૧૯૭૯માં આસામ સ્ટુડન્ટ યૂનિયન અને આસામ ગણ પરિષદે શરૃ કર્યું હતું. લગભગ છ વર્ષ સુધી ચાલેલા આ આંદોલને હિંસક સ્વરૃપ ધારણ કર્યું જેમાં હજારો લોકોના મૃત્યુ નીપજ્યાં હતાં. 

હિંસાને રોકવા માટે ૧૯૮૫માં કેન્દ્ર સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે સમજૂતિ થઇ. એ વખતે તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીએ સ્ટુડન્ડ યૂનિયન અને આસામ ગણ પરિષદના નેતા વચ્ચે મુલાકાત યોજાઇ જેમાં નક્કી કરવામાં આવ્યું કે ૧૯૫૧થી ૧૯૭૧ વચ્ચે આવેલા લોકોને નાગરિકતા આપવામાં આવશે અને ૧૯૭૧ બાદ આવેલા લોકોને પાછા મોકલવામાં આવશે. જોકે સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે મતભેદો સર્જાતા આ સમજૂતિ નિષ્ફળ ગઇ. એ પછી આસામમાં સામાજિક અને રાજકીય તણાવ વધતો જ રહ્યો. 

૨૦૦૫માં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે એનઆરસી લિસ્ટ અપડેટ કરવા માટે સમજૂતિ કરી. પરંતુ એમાં ધીમા કામકાજના કારણે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યોં. 

સમગ્ર મામલે રાજકીય ઘટનાક્રમ જોઇએ તો કોંગ્રેસે એમાં નિષ્કિયતા દાખવી અને ભાજપે મોકાનો ફાયદો ઉઠાવીને રાજકીય સોગઠી મારી અને ૨૦૧૪ની લોકસભા ચૂંટણી વખતે આને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો. ભાજપે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન બાંગ્લાદેશીઓને તેમના દેશ પાછા મોકલવાની વાત કરી. એ પછી ૨૦૧૫માં કોર્ટે એનઆરસી લિસ્ટ અપડેટ કરવાનો આદેશ આપ્યો. ૨૦૧૬માં આસામમાં ભાજપની પહેલી સરકાર બની અને ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને પાછા મોકલવાની પ્રક્રિયા ફરી વખત તેજ બની.

રાજ્યના ૩.૨૯ કરોડ લોકોએ નાગરિકતા સાબિત કરવા માટે ૬.૫ કરોડ કરતા વધારે દસ્તાવેજ જમા કરાવ્યાં. નાગરિકતા સાબિત કરવા માટે લોકો પાસે ૧૪ પ્રકારના પ્રમાણપત્ર મંગાવવામાં આવ્યાં જેના દ્વારા એ સિધ્ધ થઇ શકે કે તેમનો પરિવાર ૧૯૭૧ પહેલાથી રાજ્યના મૂળ નિવાસી છે. એ પછી રાજ્ય સરકારના હજારો કર્મચારીઓએ ઘેર ઘેર જઇને રેકોર્ડ ચેક કર્યાં. વંશાવળીને આધાર બનાવીને તપાસ થઇ. છેવટે ૨૦૧૭ની સુપ્રીમ કોર્ટની ડેડલાઇન ખતમ થયા પહેલા અર્ધી રાતે રાજ્ય સરકારે એનઆરસીની પ્રથમ યાદી જાહેર કરી.

એનઆરસીનો પહેલો ડ્રાફ્ટ ગયા વર્ષે જુલાઇમાં રજૂ થયો હતો. એનઆરસીમાં નોંધણી કરાવવા માટે કુલ ૩.૨૯ કરોડ લોકોએ અરજી કરી હતી જેમાંથી ૨.૯૦ કરોડ લોકોના નામ ડ્રાફ્ટમાં નહોતાં. આ પહેલા ડ્રાફ્ટ બાદ ઘણો વિવાદ થયો હતો. પહેલું લિસ્ટ જાહેર થયા બાદ એનઆરસી સેન્ટર ઉપર નારાજ લોકોની ભીડ ઉમટી હતી. એ પછી આ વર્ષે જૂનમાં જાહેર થયેલી યાદીમાં બીજા એક લાખ જણાના નામ બાકાત કરવામાં આવ્યાં હતાં. 

એનઆરસી લિસ્ટને લઇને સૌથી મોટો ભય એમાં નામ ન હોય એવા મુસ્લિમોને છે. આ યાદીમાં નામ ન હોય એવા લોકોનેે હવે એ ડર સતાવી રહ્યો છે કે સરકાર તેમને ભારતીય નાગરિક માનવાનો ઇન્કાર કરીને દેશનિકાલ કરી દેશે. આસામની કુલ ૩.૨ કરોડની વસતીમાં લગભગ ત્રીજો ભાગ મુસ્લિમ સમુદાયનો છે. એનઆરસી લિસ્ટમાં જે ૪૦ લાખ લોકોના નામ નથી એમાં મુસ્લિમો ઉપરાંત હિન્દુ શરણાર્થીઓ પણ મોટી સંખ્યામાં છે. એવા પણ લોકો છે જે ભારતીય નાગરિક હોવા છતાં પૂરતા પુરાવાના અભાવે પોતાનું નામ નોંધાવી શક્યા નથી. 

એનઆરસીની યાદીમાં નામ ન હોય એવા આસામના હજારો પરિવારો વિખેરાઇ જાય એવી શક્યતા ઊભી થઇ છે. એનઆરસીની પ્રથમ યાદી વખતે અનેક મામલાઓમાં જોવા મળ્યું છે હતું કે યાદીમાં પરિવારના કોઇક સભ્યનું નામ જ ન હોય. અમુક કિસ્સામાં પત્ની અને સંતાનોના નામ હતાં પરંતુ પરિવારના મોભી અને રોજગાર લાવતા વ્યક્તિનું નામ જ નહોતું. કેટલાક કિસ્સામાં પતિ અને સંતાનોના નામ હતાં તો પરંતુ પત્નીનું નામ નહોતું. એનઆરસીની યાદીમાં સામેલ ન હોય એવી મહિલાઓ માટે તો મોટી મુસીબત સર્જાઇ હતી. એનઆરસીની શરતો અનુસાર વંશાવળીની સાબિતી માટે વિવાહિત મહિલાએ પોતાના માતાપિતા સાથેના સંબંધનો પુરાવો આપવાનો હતો.

પરંતુ રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં હજારો મહિલાઓ માટે એ સમસ્યા હતી કે તેઓ કદી સ્કૂલે જ ગઇ નથી કે નથી તેમના લગ્નું રજિસ્ટ્રેશન થયું. પરિણામે તેમની પાસે તેમની ઓળખના નક્કર પુરાવા જ નથી. સરકારે યાદીમાં નામ ન હોય એવા લોકોને હજુ પણ પોતાની ઓળખ સાબિત કરવા માટે બીજા પુરાવા આપવા ફરમાન કર્યું હતું. પરંતુ લોકો શક્ય એવા તમામ પુરાવા રજૂ કરી ચૂક્યાં હતાં તો નવા પુરાવા ક્યાંથી લાવવા એ મોટો સવાલ હતો.

અંતિમ યાદી આવતા પહેલા આસામમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સરકારે તૈયારીઓ કરી લીધી છે પરંતુ તેમ છતાં આખા રાજ્યમાં ભયનો માહોલ છે. 

સોશિયલ મીડિયા પર બનાવટી ખબરો અને અફવાઓ ન ફેલાય એ માટે પણ દેખરેખ રાખવામાં આવી રહી છે. દરમિયાન અનેક લોકોના બનાવટી દસ્તાવેજોના આધારે એનઆરસીમાં સામેલ થવાના આરોપ લાગી રહ્યાં છે. ભાજપ અને આરએસએસ પહેલેથી જ એનઆરસી પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા તેમાં ગેરકાયદેસર નાગરિકોના નામ સામેલ હોવાની શંકા વ્યક્ત કરી ચૂક્યાં છે.

એનઆરસીના સંયોજક પ્રતિક હાજેલા પર પોતાની મનમાની કરવાના અને અમુક સંગઠનોની સલાહ પર એનઆરસીની સૂચિ તૈયાર કરવાના આરોપ મૂકાઇ રહ્યાં છે. ભાજપનો આરોપ છે કે પહેલી યાદીમાં સામેલ હોય એવા હજારો લોકોના નામ બીજી યાદીમાંથી ગાયબ થઇ ગયા હતાં. ભાજપનું કહેવું છે કે કોઇ પણ કાયદેસર નાગરિક, પછી તે હિંદુ હોય, મુસ્લિમ હોય કે બૌદ્ધ હોય, તેનું નામ એનઆરસીની બહાર ન રહેવું જોઇએ. 

એનઆરસીની યાદી જાહેર થયા બાદ છેલ્લા લગભગ ૪૭ વર્ષોથી આસામમાં વસી ગયેલા લોકો હવે ક્યાં જશે એ મોટો સવાલ છે. પાછલી સરકારોએ વોટબેંકને ધ્યાનમાં રાખીને આવા લોકોને શરણ આપી દીધી અને હવે આ લોકોને હાંકી કાઢવા માટે અભિયાન ચાલી રહ્યું છે. ખાસ વાત એ કે આવા શરણાર્થીઓ, પછી ભલે તે હિન્દુ હોય કે મુસ્લિમ પરંતુ છે અત્યંત ગરીબ. મોટા ભાગના લોકો મજૂરી કરીને પેટ પાળે છે અને એનઆરસીના અભિયાન બાદ શક્ય છે કે તેઓ ફરી વખત બેઘર થઇ જશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો