1 ફેબ્રુઆરીથી થીયેટરો 100 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે, કેન્દ્ર સરકારની મોટી જાહેરાત
નવી દિલ્હી, તા.31 જાન્યુઆરી 2021, રવિવાર
કોરોનાના ઘટી રહેલા સંક્રમણની વચ્ચે હવે સરકારે એક મહત્વની જાહેરાત કરીને 1 ફેબ્રુઆરીથી થીયેટરોને 100 ટકા ક્ષમતા સાથે ખુલ્લા મુકવાની મંજૂરી આપી દીધી છે.અત્યાર સુધી થીયેટરમાં એક ખુરશી ખાલી રાખીને બીજી ખુરશી પર દર્શકોને બેસાડવાની છુટ અપાતી હતી પણ હવે તમામ બેઠકો પર પ્રેક્ષકોને બેસાડી શકાશે.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે માર્ચ મહિનામાં લોકડાઉન લાગુ થયા બાદ થીયેટરો અને મલ્ટીપ્લેક્ષ બંધ કરી દેવાયા હતા.જેના કારણે બોલીવૂડ અને મનોરંજન ઈન્ડસ્ટ્રી ઠપ થઈ ગઈ હતી.જોકે હવે થીયેટરોમાં તમામ સીટો પર પ્રેક્ષકોને બેસાડી શકાશે.
કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ હતુ કે, દેશમાં 1 ફેબ્રુઆરીથી સિનેમા ઘરોમાં 100 ટકા ક્ષમતા સાથે પ્રેક્ષકો બેસાડવાની છુટ આપવામાં આવી રહી છે.સાથે સાથે કોરોનાની તમામ ગાઈડ લાઈનનુ પાલન કરવાનુ રહેશે.સરકાર જોકે ઓનલાઈન બૂકિંગને મહત્તમ પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરશે.સાથે સાથે બે શો વચ્ચે થોડો સમય રાખવામાં આવશે જેથી ભીડ વધે નહીં.તેમણે ઓટીટી પ્લેટફોર્મ અંગે મળી રહેલી ફરિયાદો અંગે કહ્યુ હતુ કે, કેટલીક વેબ સિરિઝ સામે ઘણી ફરિયાદો આવી છે અને તેની નોંધ લેવામાં આવી છે.જોકે અત્યાર સુધી ઓટીટી પર કોઈ કાયદો લાગુ નહોતો થતો પણ હવે તેના માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
Comments
Post a Comment