‘ભારતની વેક્સિન ઉત્પાદન ક્ષમતા સૌથી શ્રેષ્ઠ’ : યુનોના મહામંત્રી એન્ટોનિયો ગુતારેસે પ્રશંસા કરી


-આ વેક્સિન વિશ્વની સૌથી મોટી સંપત્તિ છે

ન્યૂયોર્ક તા.29 જાન્યુઆરી 2021 શુક્રવાર

યુનોના મહામંત્રી એન્ટોનિયો ગુતારેસે ભારતની કોરોના રસીની ઉત્પાદન ક્ષમતાને બિરદાવી હતી અને કહ્યું હતું કે ભારતની કોરોના રસી વિશ્વની સૌથી શ્રેષ્ઠ સંપત્તિ હતી.

તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વ આ રસીનો ભરપુર ઉપયોગ કરશે એવી મને આશા છે. ‘કોરોનાની રસીની બાબતમાં ભારત મહત્ત્વનું પ્રદાન કરશે એવી મને આશા છે. ભારત પાસે બધી જાતની સાધનસામગ્રી છે અને દુનિયાભરમાં રસીકરણના કાર્યમાં ભારતની ભૂમિકા મહત્ત્વની બની રહેશે. ભારતના પ્રયાસોથી વૈશ્વિક રસીકરણનો કાર્યક્રમ સફળ થશે.’

ભારતે પાડોશી દેશોને રસીના લાખો ડૉઝ આપ્યા છે એવા સમયે ગુતારેસના આ શબ્દો મહત્ત્વના બની રહે છે. પાડોશી દેશો ઉપરાંત ભારતે ઓમાન, નિકારાગુઓ, પેસિફિક આયલેન્ડ સ્ટેટ્સ અને CARICOM દેશોને પણ કોરોનાની રસી આપવાનો કાર્યક્રમ બનાવ્યો છે.

ભારતમાં પૂણેની સીરમ ઇન્સ્ટીટ્યુટ અને ભારત બાયોટેકે વિરાટ પાયા પર કોરોનાની રસી બનાવવાનો મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમ અમલમાં મૂક્યો હતો. એક તરફ દેશમાં વિવિધ રાજ્યોમાં રસીકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે બીજી બાજુ પાડોશી દેશો અને અન્ય રાષ્ટ્રોને પણ કોરોનાની રસી આપવાનો કાર્યક્રમ ભારતે ઘડ્યો હતો. યુનોએ આ માનવતાવાદી કાર્યક્રમની નોંધ લીધી હતી અને યુનોના મહામંત્રી એન્ટોનિયો ગુતારેસે આ કાર્યક્રમની પ્રશંસા કરી હતી.

દરમિયાન, કેન્દ્રના વિદેશ ખાતાના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે ગુરૂવારે કહ્યું હતું કે ભારત આફ્રિકાને કોરોના વેક્સિનના એક કરોડ ડૉઝ આપવાની તૈયારી કરી રહ્યું હતું. આ ઉપરાંત યુનોના હેલ્થ વર્કર્સને પણ ભારત કોરોનાની રસીના દસ લાખ ડૉઝ આપશે. આમ અન્ય મતભેદો ભૂલીને  ભારત અત્યારે જરૂરિયાતવાળા દેશોને કોરોનાની રસી આપી રહ્યું હતું.

પૂણેની સીરમ ઇન્સ્ટીટ્યુટની કોરોના રસી અંગે ચીને કરેલા ખોટા પ્રચારની કોઇ પ્રતિકૂળ અસર થઇ નથી એવું આ વિગતો પરથી જણાતું હતું. ચીને માત્ર પોતાની રસી વિશ્વમાં શ્રેષ્ઠ હોવાનો દાવો કર્યો હતો. પરંતુ હવે દુનિયાના દેશોને ચીન પર વિશ્વાસ નથી કારણ કે કોરોના વાઇરસ પણ ચીનેજ પ્રસારિત કર્યો હતો. ભારતની રસી માટે દિવસે દિવસે બીજા દેશોની માગણી વધતી જતી હતી.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે