આજે સદ્ભાવના દિવસ ઉજવશે આંદોલનકારી ખેડૂતો: દિવસભર રાખશે ઉપવાસ, કરશે દિલ્હી કૂચ


નવી દિલ્હી તા.30 જાન્યુઆરી 2021 શનિવાર

છેલ્લા દોઢ બે મહિનાથી પાટનગર નવી દિલ્હીમાં નવા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા હજારો ખેડૂતો આજે ગાંધીજીની પુણ્યતિથિએ સદ્ભાવના દિવસ મનાવશે અને આજનો આખો દિવસ ઉપવાસ કરશે એવી જાહેરાત કરવામાં આવી હતી.

26મી જાન્યુઆરીએ દિલ્હીમાં થયેલા હિંસાચાર પછી કેટલાક ખેડૂત સંઘો પોતપોતાના વતનમાં જવા રવાના થઇ ગયા હતા અને સિંધુ બોર્ડર, ગાઝીપુર બોર્ડર વગેરે ખાલી થવા માંડ્યા હતા. પરંતુ 27મીએ રાત્રે ખેડૂત નેતા રાકેશ ટીકૈતે ઇલેક્ટ્રોનિક મિડિયા સમક્ષ આંસુ સાર્યા ત્યારબાદ ફરી ખેડૂતો દિલ્હી ભણી આવવા રવાના થયા હતા. 

રાકેશ ટીકૈતના રુદન પછી હવે ફરી ખેડૂત આંદોલન વેગ પકડી રહેલું જણાય છે. 27મીએ પાછાં ફરેલા ખેડૂત સંઘો પણ દિલ્હી આવવા ઉપડ્યા હતા. બીજી બાજુ મહારાષ્ટ્રના રાલેગણ સિદ્ધિ વિસ્તારમાં સામાજિક કાર્યકર અન્ના હજારેએ ખેડૂતોના ટેકામાં આજથી આમરણ ઉપવાસની જાહેરાત કરી હતી. 

દરમિયાન, શુક્રવારે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં ખેડૂતોની મહાપંચાયત મળી હતી અને એવો નિર્ણય કરાયો  હતો કે વેસ્ટર્ન ઉત્તર પ્રદેશ અને મુઝફ્ફરનગરતી ખેડૂતોનો કાફલો ફરી દિલ્હી જવા રવાના થશે અને નવા કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનને વેગવાન બનાવશે. આમ રાકેશ ટીકૈતના આંસુઓએ એક પ્રકારનો ચમત્કાર સર્જ્યો હતો. નબળું પડી રહેલું ખેડૂત આંદોલન ફરી વેગવાન બની રહ્યું હતું.

શુક્રવારની મહાપંચાયતમાં રાષ્ટ્રીય લોક દળના ઉપાધ્યક્ષ જયંત ચૌધરી અને આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંઘે પણ ખેડૂતોને સંબોધ્યા હતા. પરિસ્થિતિ પર કાબુ રાખવા હરિયાણા સરકારે આજે 30 જાન્યુઆરીએ સાંજે પાંચ વાગ્યા સુધી હરિયાણાના કેટલાક જિલ્લામાં ઇન્ટરનેટ ઠપ કરી દીધું હતું. આવા જિલ્લામાં અંબાલા, યમુનાનગર, કુરુક્ષેત્ર, કરનાલ, કૈથલ, પાણીપત, હિસાર, જિંદ, રોહતક, ભિવાની, ચરખી દાદરી, ફતેહાબાદ, રેવાલી અને સિરસા જિલ્લામાં વોઇસ કોલ સિવાયની ઇન્ટરનેટ સેવાઓ બંધ હતી.

દરમિયાન નવી દિલ્હીમાં ખેડૂત નેતા દર્શનપાલ સિંઘે દિલ્હીમાં અને ખાસ તો સિંધુ બોર્ડર પર ઇન્ટરનેટ સેવા ફરી ચાલુ કરવાની માગણી કરી હતી. તેમણે એવો દાવો કર્યો હતો કે અમારે ઇન્ટરનેટ દ્વારા ખેડૂતોના આંદોલન અંગે લાખો લોકો સુધી વાસ્તવિક પરિસ્થિતિની માહિતી પહોંચાડવી હતી.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો