26મીના હિંસાચારની ટીકા, કૃષિ કાયદાના વખાણ: રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે સંસદને સંબોધી
-આજથી બજેટ સત્રના પહેલા તબક્કાનો આરંભ
નવી દિલ્હી તા.29 જાન્યુઆરી 2021 શુક્રવાર
રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે આજે શુક્રવાર 29 જાન્યુઆરીએ શરૂ થઇ રહેલા સંસદના બજેટ સત્રના પહેલા તબક્કે સંસદના બંને ગૃહોને સંબોધ્યા હતા.
મોટા ભાગના વિરોધ પક્ષોએ રાષ્ટ્રપતિના પ્રવચનનો બહિષ્કાર કર્યો હતો. રાષ્ટ્રપતિએ પ્રજાસત્તાક દિને રાજધાની નવી દિલ્હીમાં થયેલા હિંસાચારની ટીકા કરી હતી અને નવા કૃષિ કાયદાના વખાણ કર્યા હતા.
રાષ્ટ્રપતિએ કહ્યું કે કોરોના મહામારી દરમિયાન આપણે અનેક દેશવાસીને અકાળે ખોયા હતા. મારા સહિત આપણા સૌના પ્રિય એવા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને પણ આપણે કોરોના કાળમાં ગુમાવ્યા હતા. બીજા છએક સંસદ સભ્યો પણ કોરોના કાળમાં આપણે ગુમાવ્યા હતા. આપ સૌ વતી હું સૌ દિવંગતો અને ખાસ તો શ્રી પ્રણવ મુખરજીને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
રામ નાથ કોવિંદે કહ્યું હતું કે ખેડૂતોન જરૂરિયાતના મુદ્દે સરકાર ગંભીર છે. સ્વામીનાથન પંચે કરેલી ભલામણો કરતાં પણ દોઢ ગણા વધુ ટેકાના ભાવ ખેડૂતોને મળે એવા સરકારના પ્રયાસો છે. મારી સરકાર આજે માત્ર ટેકાના ભાવે રેકોર્ડ રૂપ પાક ખરીદી રહી હતી એટલુંજ નહીં, ખરીદ કેન્દ્રની સંખ્યા પણ વધારી રહી હતી. છેલ્લાં છ વર્ષમાં સરકારે બીજથી માંડીને બજાર સુધી દરેક તબક્કાની વ્યવસ્થામાં સકારાત્મક પરિવર્તન લાવવાના પ્રયાસો કર્યા છે જેથી ભારતીય ખેતીવાડી આધુનિક બને અને ખેતીવાડીનું વિસ્તરણ પણ થાય.
તેમણે કહ્યું કે આત્મનિર્ભર ભારત અભિયાન દરેક નાગરિકના જીવન ધોરણને ઊંચે લાવવા ઉપરાંત દેશનો આત્મવિશ્વાસ વધારનારું અભિયાન છે. કોરોના કાળમાં મારી સરકારે લીધેલા સમયસરના નિર્ણયોથી અનેક લોકોના જીવન ઊગરી શક્યા છે એનો મને સંતોષ છે. આજે દેશમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યા ઘટી રહી છે અને કોરોનાથી સાજા થઇ ગયેલા લોકોની સંખ્યા પણ ખાસ્સી મોટી છે.
રામ નાથ કોવિંદે વધુમાં કહ્યું કે અર્થતંત્રને સંભાળવા માટે મારી સરકારે રેકોર્ડ રૂપ આર્થિક પેકેજ જાહેર કર્યા હતા અને એ વાતની કાળજી રાખી હતી કે કોઇ ગરીબ માણસ એક ટંક પણ ભૂખ્યો ન રહેવા પામે.
Comments
Post a Comment