શિયાળા પહેલાં જ દિલ્હીમાં વાયુ પ્રદૂષણે માથું ઊંચક્યું


- કાળઝાળ ગરમી, ધોધમાર વરસાદ બાદ દિલ્હીવાસીઓ સામે વધુ એક સમસ્યા 

- આનંદ વિહારમાં એક્યુઆઈ 418 ઉપર પહોંચ્યો : એક અઠવાડિયામાં રાજધાનીના અનેક વિસ્તારોમાં સ્થિતિ વધુ વણસવાની ચેતવણી

- ડાંગરના ખેતરોમાં પરાળી સળગાવતી રોકવા દિલ્હી સરકાર 5,000 એકરમાં બાયો-ડીકમ્પોસરનો છંટકાવ કરશે

નવી દિલ્હી : દેશમાં શિયાળાની મોસમ હજુ શરૂ પણ નથી થઈ ત્યાં રાજધાની દિલ્હીમાં ફરીથી હવા ઝેરી થવા લાગી છે અને તે ફરી ગેસ ચેમ્બરમાં પરિવર્તિત થવાનું શરૂ થયું છે. દિલ્હીમાં ફરી એક વખત પ્રદૂષણમાં વધારો થવા લાગ્યો છે. મંગળવારે સતત બીજા દિવેસ હવાની ગુણવત્તા ચિંતાજનક સ્થિતિમાં રહી. દિલ્હીના આનંદ વિહારમાં એર ક્વૉલિટી એટલે કે એક્યુઆઈ ૪૧૮ ઉપર પહોંચી ગયો છે.

દિલ્હીમાં એર ક્વૉલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ)નું સરેરાશ સ્તર ૧૮૨ ઉપર પહોંચી ગયું છે. એટલે કે દિલ્હીની હવા ખરાબ શ્રેણીની નજીક પહોંચી ગઈ છે. દિલ્હીમાં ત્રણ દિવસ પહેલાં એક્યુઆઈનું સ્તર ૪૭ ઉપર હતું. દિલ્હીમાં સૌથી ખરાબ સ્થિતિ આનંદ વિહારની છે. ત્યાં એક્યુઆઈ સ્તર ૪૧૮ નોંધાયું છે. શાદીપુરમાં એક્યુઆઈનું સ્તર ૨૧૩ હતું. દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં એક્યુઆઈનું સ્તર ૧૦૦થી વધુ રહ્યું હતું. આનંદ વિહારમાં સોમવારે પણ એક્યુઆઈ ૪૦૫ હતો. આનંદ વિહાર સતત બીજા દિવસે દિલ્હીમાં સૌથી પ્રદૂષિત સ્થળ રહ્યું.

પૃથ્વી વિજ્ઞાાન મંત્રાલય હેઠળ આવનારા એર ક્વૉલિટી અર્લી વોર્નિંગ સિસ્ટમનું માનવું છે કે મંગળવારે દિલ્હીની હવા 'મધ્યમથી ખરાબ' રહી અને બુધવારે 'ખરાબ'ની શ્રેણીમાં પહોંચી શકે છે. દિલ્હીમાં હવે વાયુ પ્રદૂષણ સામાન્ય સમસ્યા બની રહી છે. સામાન્ય રીતે દિલ્હીમાં ઑક્ટોબરથી હવાની ગુણવત્તા ખરાબ થવાનું શરૂ થાય છે. નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરીમાં તે સૌથી ખરાબ હોય છે. પરંતુ આ વર્ષે સપ્ટેમ્બરથી જ દિલ્હીની હવા ખરાબ થવાનું શરૂ થઈ ગયું છે. આ સમયમાં માત્ર દિલ્હી જ નહીં એનસીઆર, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ શિયાળામાં હવાનું પ્રદૂષણ વધી જાય છે.

આ વિસ્તારમાં કારમાંથી નીકળતો ધુમાડો, કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીમાંથી નીકળતો ધૂમાડો, કચરો સળગાવાતા નીકળતો ધુમાડો, ખેતરોમાં પરાળી સળગાવવાતા નીકળતો ધૂમાડો અને રસ્તા પર જામેલી ધૂળના કારણે પ્રદૂષણ વધે છે.

દિલ્હીમાં વધતું વાયુ પ્રદૂષણ રોકવા માટે રાજ્ય સરકાર રાજધાનીમાં પરાળી સળગાવવાનું રોકવા માટે બાસમતી અને બાસમતી સિવાયના ડાંગરના ખેતરોના ૫,૦૦૦ હેક્ટર વિસ્તાર પર બાયો-ડીકમ્પોસર પુસાનો છંટકાવ કરશે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે, પંજાબમાં પ્રાયોગિક ધોરણે ખેતરો પર બાયો-ડીકમ્પોસરનો છંટકાવ કરાશે. પુસા બાયો-ડીકમ્પોસર ભારતી કૃષિ સંશોધન સંસ્થા (આઈએઆરઆઈ) દ્વારા વિકસાવાયું છે, જે ૧૫-૨૦ દિવસમાં ડાંગરના ભૂંસાને ખાતરમાં બદલી નાંખે છે. રાજ્ય સરકાર ખેતરોમાં બાયો-ડીકમ્પોસરનો ઉપયોગ કરવા ખેડૂતોને જાગૃત કરવા માટે ૨૧ ટીમો બનાવી છે.

પ્રદૂષણ વધતાં કોરોનાનું જોખમ વધશે, ફેફસાં પર અસર થશે

શિયાળાની શરૂઆતની તૈયારી છે ત્યારે જ દિલ્હીમાં ફરી એક વખત હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે. આવા સમયે નિષ્ણાતોનું કહેવું છે કે વર્ષ ૨૦૨૦થી કોરોના મહામારીનો સામનો કરી રહેલા દિલ્હીવાસીઓ માટે સમસ્યા વધી શકે છે. કોરોના મહામારીની સાથે સ્વાઈન ફ્લૂના પણ કેસ સામે આવી રહ્યા છે. એવામાં શ્વાસોચ્છ્વાસ સિસ્ટમને નુકસાન પહોંચનારા વાઈરસ સાથે પ્રદૂષણ વધી જાય તો બીમારી વધુ જોખમી બની શકે છે અને દર્દીને સાજા થવામાં પણ વધુ સમય લાગી શકે છે. 

દિલ્હીવાસીઓ માટે સામાન્ય શરદીની સ્થિતિમાં પણ પ્રદૂષણ ખતરનાક હોય છે. છેલ્લા બે વર્ષથી મોટી સંખ્યામાં દિલ્હીવાસીઓ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેની અસર તેમના ફેફસા પર થઈ છે. પ્રદૂષણનું સ્તર વધે તો તેની અસર ફેફસા પર પણ થાય છે. તેથી આગામી સમયમાં વાયરલ બીમારી વધુ જીવલણે અને ખતરનાક બની શકે છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો