RBIએ સતત ચોથી વખત વ્યાજદર વધાર્યા : લોન મોંઘી થશે


- મેથી અત્યાર સુધીમાં ચાવીરૂપ વ્યાજદરમાં કુલ 1.90 ટકાનો વધારો

- 0.50 ટકાના વધારા પછી રેપો રેટ વધીને 5.90 ટકા : ત્રણ વર્ષની ઉંચી સપાટી વર્તમાન નાણાકીય વર્ષ માટે ફુગાવાનો અંદાજ 6.70 ટકા જાળવી રખાયો

- નાણાકીય વર્ષ 2022-23 માટે જીડીપીનો અંદાજ 7.2 ટકાથી ઘટાડી 7 ટકા કરાયો

મુંબઈ : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)એ ત્રણ દિવસની બેઠકના અંતે આજે વ્યાજ દરમાં  અપેક્ષા પ્રમાણે  અડધા ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. એમપીસીએ છેલ્લી ચાર બેઠકમાં કુલ ૧૯૦ બેઝિસ પોઈન્ટનો વધારો કરી હવે વ્યાજ દર ૫.૯૦ કર્યો છે.  જે  છેલ્લા ત્રણ વર્ષનો સૌથી ઊંચો છે.  મે ૨૦૨૨ની બેઠકમાં ચાલીસ બેઝિસ પોઈન્ટ બાદ સતત ત્રણ બેઠકમાં દરેકમાં અડધા ટકા (પચાસ બેઝિસ પોઈન્ટ)નો વધારો કરાયો છે. વર્તમાન નાણાં વર્ષ માટે ફુગાવાનો દર ૬.૭૦ ટકા જાળવી  રખાયો છે જ્યારે આકાર પામી રહેલા વૈશ્વિક ઘટનાક્રમોને ધ્યાનમાં રાખી વર્તમાન નાણાં વર્ષ એટલે કે ૨૦૨૨-૨૩ માટેના આર્થિક વિકાસ દરના અંદાજને ૭.૨૦ ટકા પરથી ઘટાડી ૭ ટકા કરાયો હોવાનું રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે બેઠક બાદ જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું. વ્યાદ દર વધતા હોમ, વ્હીકલ્સ, પરસનલ સહિતની લોન્સના ઈએમાઆઈમાં વધારો થશે.

વધી રહેલા ફુગાવાને કાબૂમાં લેવા એમપીસીએ પાંચ વિરુદ્ધ એકના મતથી વ્યાજ દરમાં અડધા ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. એમપીસીના છમાંના એક સભ્ય અસિમા ગોયલે ૩૫ બેઝિસ પોઈન્ટ વધારવાની તરફેણમાં મત આપ્યો હતો. 

સ્ટેન્ડિંગ ડીપોઝિટ ફેસિલિટી રેટ તથા માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટમાં પણ અડધા ટકાનો વધારો કરી અનુક્રમે ૫.૬૫ ટકા અને ૬.૧૫ ટકા કરાયો છે. 

વર્તમાન નાણાં વર્ષના બીજા ત્રિમાસિક ગાળાનો આર્થિક વિકાસ દર ૬.૩૦ ટકા, ત્રીજા ત્રિમાસિક માટે ૪.૬૦ ટકા અને ચોથા ત્રિમાસિકમાં ૪.૬૦ ટકા રહેવાનો અંદાજ હોવાનું ગવર્નરે જણાવ્યું હતું.  વૈશ્વિક સ્તરે નાણાં નીતિમાં સખતાઈ તથા માગમાં નરમાઈને ધ્યાનમાં રાખી જીડીપી અંદાજમાં ઘટાડો આવી પડયો છે. કોરોના, રશિયા-યુક્રેન યુદ્ધ બાદ હવે નાણાં નીતિની સખતાઈના રૂપમાં આપણે ત્રીજા  આંચકાનો સામનો કરી રહ્યા છીએ એમ પણ તેમણે જણાવ્યું હતું. 

વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રણ ત્રિમાસિકમાં ફુગાવો રિઝર્વ બેન્કના મહત્તમ ૬ ટકાના ટાર્ગેટ  કરતા ઊંચો રહેવાની એમપીસી અપેક્ષા રાખી રહી  છે.  વૈશ્વિક સ્તરે  ભૌગોલિકરાજકીય અનિશ્ચિતતા, નાણાંકીય બજારોમાં વોલેટિલિટી તથા પૂરવઠા ખલેલને ધ્યાનમાં રાખી ફુગાવો ઊંચો જોવાઈ રહ્યો છે, એમ તેમણે ઉમેર્યું હતું. જો કે બે વર્ષના ગાળામાં ફુગાવો ચાર ટકાના ટાર્ગેટની નજીક આવી જવાની અપેક્ષા હોવાનું ગવર્નરે એમપીસીની  બેઠક બાદની પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. 

બજારોમાં અનિશ્ચિતતા છતાં, રિઝર્વ બેન્ક પાસે ફોરેકસ રિઝર્વની સ્થિતિ મજબૂત છે. પ્રવર્તી રહેલી સ્થિતિને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્ક ફોરેકસ બજારમાં દરમિયાનગીરી કરે છે, એમ દાસે નિવેદનમાં જણાવ્યું હતું. ૨૩ સપ્ટેમ્બરના સપ્તાહના અંતે ફોરેકસ રિઝર્વનો આંક ૫૩૭.૫૦ અબજ ડોલર રહ્યો  હતો. વિશ્વના અન્ય ઊભરતા દેશોની સરખામણીએ ભારતીય રૂપિયો ડોલર સામે મજબૂત સ્થિતિમાં છે. વર્તમાન નાણાં વર્ષમાં ડોલરમાં ૧૪.૫૦ ટકા વધારો થયો છે જ્યારે રૂપિયો ૭.૪૦ ટકા જ ઘટયો છે. 

સતત ઊંચા ફુગાવાને ધ્યાનમાં રાખી ઉદાર નાણાં નીતિને તબક્કાવાર રીતે પાછી ખેંચવાનું આવશ્યક બની ગયું હોવાનું એમપીસી માની રહી છે એમ પણ ગવર્નરે વધુમાં જણાવ્યું હતું. જેથી ભાવના દબાણને વિસ્તરતું અટકાવી શકાય.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે