કોંગ્રેસ અધ્યક્ષ: ગેહલોત રેસમાંથી બહાર, આ દિગ્ગજ નેતાઓના નામ પર વિચારણા
નવી દિલ્હી, તા. 27 સપ્ટેમ્બર 2022, મંગળવાર
રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીના રેસમાંથી બહાર થઈ ગયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અશોક ગેહલોતે સીએમ પદ છોડવાનો ઈનકાર કરી દીધો છે. જેનાથી પાર્ટીના હાઈકમાન્ડ નારાજ હતા. બીજી તરફ પાર્ટી હવે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે બીજા વિકલ્પ શોધી રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અધ્યક્ષ પદની રેસમાં મધ્ય પ્રદેશના પૂર્ણ મુખ્યમંત્રી કમલનાથ પણ નથી. મલ્લિકાર્જુન ખડગે અને દિગ્વિજય સિંહના નામ પર પાર્ટી વિચાર કરી રહી છે.
સચિન પાયલટને CM બનાવવા નહોતા માંગતા
અશોક ગેહલોત કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ રાજસ્થાનના સીએમનું પદ ખાલી થવાનું હતું. આ પદ માટે પાર્ટી હાઈકમાન્ડની પહેલી પસંદ સચિન પાયલટ હતા. પરંતુ અશોક ગેહલોતને સમર્થન કરનારા ધારાસભ્યોને કોઈપણ સંજોગોમાં સચિન પાયલટ મુખ્યમંત્રી તરીકે મંજૂર નહોતા. આવી સ્થિતિમાં પાર્ટીના ઘણા ધારાસભ્યોએ સામૂહિક રાજીનામાની ધમકી આપી હતી.
રાજસ્થાનમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક રવિવારે રાત્રે મુખ્યમંત્રી આવાસ પર યોજાવાની હતી પરંતુ ગેહલોતના કેટલાક વફાદાર ધારાસભ્યો બેઠકમાં હાજર નહોતા રહ્યા. તેમણે સાંસદીય કાર્યમંત્રી શાંતિ ધારીવાલના બંગલા પરબેઠક કરી હતી અને ત્યારબાદ તેઓ ત્યાંથી વિધાનસભા અધ્યક્ષ ડો. સીપી જોશીને મળવા નીકળી ગયા હતા.
વધુ વાંચો: અશોક ગેહલોત કોંગ્રેસ પ્રમુખ પદની ચૂંટણી લડશે : રાજસ્થાનના મુ.મં. પદેથી રાજીનામું આપશે
આ મામલાનો ઉકેલ લાવવા માટે ગેહલોત ટીમના ધારાસભ્યો સાથે અજય માકન અને મલ્લિકાર્જુન ખડગેએ વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ધારાસભ્યોએ વાત કરવાનો ઈનકાર કરી દીધો હતો.
કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ પ્રમાણે નામાંકન પત્ર દાખલ કરવાની પ્રક્રિયા 24થી 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. નામાંકન પત્ર પાછું ખેંચવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર છે. એકથી વધુ ઉમેદવાર થવા પર 17 ઓક્ટોબરના રોજ મતદાન થશે અને પરિણામ 19 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવશે.
Comments
Post a Comment