લખિમપુર-ખિરિમાં દલિત બહેનોની બળાત્કાર બાદ હત્યાથી ચકચાર



- ઉ.પ્રદેશમાં દલિત સગીરાઓ પર અત્યાચારના કેસમાં રાજકારણ ગરમાયું

- બંને બહેનો પર બળાત્કાર કરી ગળુ દબાવી હત્યા કરાયાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઘટસ્ફોટ : છની ધરપકડ, બે આરોપીએ ગુનો કબૂલ્યો

- દલિત બહેનોના પરિવારની સરકારી નોકરી, આર્થિક મદદ, ફાસ્ટટ્રેક કોર્ટમાં સુનાવણી, આરોપીઓને ફાંસીની માગ : ગુરુવારે સાંજે અંતિમ સંસ્કાર કરાયા

- યોગી સરકાર ભોગ બનેલા પરિવારને ઝડપથી ન્યાય અપાવશે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવશે : નાયબ સીએમ બ્રજેશ પાઠક

લખિમપુર-ખિરિ : ઉત્તર પ્રદેશના લખિમપુર-ખિરિના નિઘાસનમાં બે સગીર દલિત બહેનો પર કથિત બળાત્કાર, હત્યા બદલ છ લોકોની ધરપકડ કરાઈ છે, જેમાંથી પાંચ મુસ્લિમ છે. બંને દલિત બહેનોના મૃતદેહ શેરડીના ખેતરમાં એક ઝાડ પર લટકેલી હાલતમાં મળી આવ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાયું છે કે બંને બહેનો પર બળાત્કાર કરાયા પછી તેમનું ગળુ દબાવી હત્યા કરાઈ હતી તેમ પોલીસે જણાવ્યું હતું. દરમિયાન મૃતક બહેનોનો પરિવારની માગો પૂરી થવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટના આશ્વાસન પછી પરિવારે ગુરુવારે મોડી સાંજે બંને બહેનોના અંતિમ સંસ્કાર કરાયા હતા. આ મુદ્દે ઉત્તર પ્રદેશમાં ગુરુવારે આખો દિવસ રાજકીય આક્ષેપબાજી થઈ હતી.

લખિમપુર ખિરિના પોલીસ સુપરીન્ટેન્ડેન્ટ સંજિવ સુમને જણાવ્યું કે, પ્રાથમિક તપાસ મુજબ બંને દલિત બહેનો બુધવારે બપોરે બે આરોપીઓ જુનૈદ અને સોહૈલ સાથે તેમના ઘરેથી નીકળી હતી. જુનૈદ અને સોહૈલે બંને બહેનો પર બળાત્કાર કર્યા પછી તેમનું ગળું દબાવી હત્યા કર્યાનું કબૂલ્યું છે. બંને બહેનો સાથે તેમના સંબંધ હતા અને તેઓ તેમના પર લગ્ન માટે દબાણ કરતી હતી. પોલીસે આ કેસમાં છ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં જુનૈદ અને સોહૈલ ઉપરાંત હફિઝુર રહેમાન, કરિમુદ્દિન, આરિફ અને છોટુનો સમાવેશ થાય છે. બળાત્કારના આરોપી જુનૈદ સાથે પોલીસની અથડામણ થઈ હતી, જેમાં તેને ગોળી વાગી હતી. પોલીસે તેની પાસેથી એક મોટરસાઈકલ, દેશી પિસ્તોલ અને કારતૂસો જપ્ત કરી હતી.  

અગાઉ દલિત સગીરાઓની માતાએ આક્ષેપ કર્યો હતો કે બંને બહેનોના અપહરણ થયા હતા. એસપી સુમને જણાવ્યું હતું કે આરોપીઓના કપડાં તપાસ માટે મોકલી અપાયા છે. પોલીસે બળજબરીથી બંને બહેનોના મૃતદેહના પોસ્ટમોર્ટમ કરાયાના આક્ષેપોને ફગાવી દીધા હતા. સુમને કહ્યું કે, પોસ્ટમોર્ટમ તપાસની વીડિયોગ્રાફી પણ કરાઈ છે. બંને સગીરાઓના પિતાએ પણ પોલીસ કાર્યવાહી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. 

જોકે, દલિત બહેનોના પરિવારજનોએ બધા જ આરોપીઓને ફાંસી પર લટકાવવાની માગણી કરી હતી. પીડિતાના પિતાએ કહ્યું કે આ મુદ્દે અમને ઝડફથી ન્યાય મળવો જોઈએ અને આરોપીઓને ફાંસી થવી જોઈએ. આ સાથે મૃતક બહેનોના પરિવારજનો અને સંબંધીઓ તેમની માગણી પૂરી ન થાય ત્યાં સુધી અંતિમ સંસ્કાર ના કરવા પર અડી ગયા હતા. તેમણે તંત્ર તરફથી સરકારી નોકરી, પર્યાપ્ત આર્થિક મદદ, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસની સુનાવણીની પણ માગણી કરી હતી. જોકે, મોડી સાંજે જિલ્લા અધિકારીએ તેમની ત્રણેય માગણી પૂરી કરવાનું આશ્વાસન આપતા પોલીસ સુરક્ષામાં બંને બહેનોના અંતિમ સંસ્કાર કરી દેવાયા હતા.

એસસી-એસટી પંચે પણ આ કેસની નોંધ લીધી હતી. પંચના ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ દુર્ગાશંકર મિશ્રાએ ડીજીપી, જિલ્લાઅધિકારી લખિમપુર ખિરિ તથા એસપી પાસેથી રિપોર્ટ માગ્યો હતો. માનવાધિકાર પંચે પણ આ કેસની નોંધ લેતા કહ્યું કે પ્રથમ દૃષ્ટિએ આ કેસ માનવાધિકારોનો ભંગ હોવાનું જણાય છે. તેમણે લખિમપુર ખિરિના એસપી પાસેથી આ અંગે રિપોર્ટ પણ માગ્યો હતો.

ઉત્તર પ્રદેશમાં ગુરુવારે આ કેસ મુદ્દે રાજકારણ ગરમાતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પર એડીજી પ્રશાંતકુમાર લખિમપુર ખિરી પહોંચ્યા હતા અને તેમનો રિપોર્ટ મુખ્યમંત્રીને સોંપશે. નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે આ કેસના સંદર્ભમાં જણાવ્યું હતું કે સરકાર એવું પગલું લેશે કે તેમની આગામી પેઢીઓનો આત્મા પણ કાંપી ઉઠશે. પરિવારને ન્યાય અપાશે અને ફાસ્ટટ્રેક કોર્ટના માધ્યમથી કાર્યવાહી કરાશે. બીજીબાજુ વિપક્ષે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના મુદ્દે યોગી સરકારની ઝાટકણી કાઢી હતી. 

બંને આરોપીની ધરપકડ, પોલીસે વધુ તપાસ હાથ ધરી

હૈદરાબાદમાં સગીરાને ડ્રગ આપી બે દિવસ સુધી હોટેલમાં બળાત્કાર

ઉત્તર પ્રદેશમાં બે સગીરા પર બળાત્કાર, હત્યાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં તેલંગાણાના હૈદરાબાદમાં એક સગીરાને ડ્રગ્સ આપી હોટેલના રૂમમાં ગોંધી રાખી બળાત્કારનો કિસ્સો સામે આવ્યો છે. આ કેસમાં પોલીસે બે વ્યક્તિની ધરપકડ કરી છે.

પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓ અને ૧૭ વર્ષની પીડિતા એક જ વિસ્તારમાં રહેતા હોવાથી એકબીજાને ઓળખતા હતા. બંને આરોપીઓએ મંગળવારે સગીરાને એક હોટેલના રૂમમાં લઈ ગયા હતા, જ્યાં ડ્રગ્સ આપીને બે દિવસ સુધી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર પછી તેઓ ભાગી ગયા હતા. પીડિતાના માતા-પિતાએ ફરિયાદ નોંધાવ્યા પછી દબીરપુરા પોલીસે તપાસ હાથ ધરી હતી અને બંને આરોપીઓની ધરપકડ કરી હતી. દબીરપુરા પોલીસ સ્ટેશનના સર્કલ ઈન્સ્પેક્ટર કોટીસ્વર રાવના જણાવ્યા મુજબ માતા-પિતાની ફરિયાદ અને સગીરાના નિવેદનના આધારે ફરિયાદ નોધાઈ છે. સગીરાને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવી છે. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે. જોકે, પોલીસે બંને આરોપીઓને પકડી લીધા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો