સરકારી કર્મચારીઓ ફરી આંદોલનના માર્ગે : સમાધાનનું સૂરસૂરિયું


- વચન વાયદા પર ભરોસો નથી, સરકાર લેખિતમાં આપે

- ગાંધીનગરમાં જૂના સચિવાલયમાં દેખાવો, કર્મચારી મહા મંડળની ઓફિસ પર હલ્લાબોલ, મંડળના ચાંપસૂલિયા નેતાઓ ભૂગર્ભમાં  આરોગ્ય - એસટી કર્મી,નિવૃત સૈનિકો, પ્રાથમિક શિક્ષકોનો વિરોધ પ્રદર્શન, તા.19મીએ કર્મચારી મહામંડળની બેઠક

અમદાવાદ : એકાદ  પ્રશ્નો ને બાદ કરતાં મોટાભાગની માંગણીઓ ન સ્વિકારતા સરકારી કર્મચારીઓમાં બે ફાડચા પડયાં  છે. ભાજપતરફી આગેવાનો સરકારના ખોળામાં જઇને બેઠા છે પરિણામે અન્ય સરકારી કર્મચારી મંડળોએ  ફરી રસ્તા પર ઉતરવુ પડયુ છે. એટલુ જ નહીં, સરકારની સમાધાનની ફોર્મ્યુલાનો  અસ્વિકાર કરી સરકારી કર્મચારીઓએ આજે પણ વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યુ હતું. એક બાજુ વડાપ્રધાનના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી તો  બીજી બાજુ આખાય રાજ્યમાં પ્રાથમિક શિક્ષકો, આરોગ્ય કર્મચારીઓ, નિવૃત સૈનિકો, એસટી કર્મચારીઓ ઉપરાંત એલઆરડીની ભરતીના મુદ્દે મહિલા ઉમેદવારોએ દેખાવો અને વિરોધ પ્રદર્શન કરી સરકાર સામેની લડત જારી રાખી હતી. ખુદ સરકારી કર્મચારી મહામંડળે જયાં સુધી પડતર પ્રશ્ન હલ ન થાય ત્યાં સુધી આંદોલન યથાવત રાખવા એલાન કર્યુ હતુ.  ટૂંકમાં સરકાર માટે કરવા ગયા કંસારને થઇ ગઇ થૂલી જેવો ઘાટ સર્જાયો છે.

રાજ્ય સરકાર સાથેનુ સમાધાન સરકારી કર્મચારીઓને સ્વિકાર્ય જ નથી. તેમનુ કહેવુ છેકે, કારમી મોઘવારીમાં નજીવા ભથ્થા-પગાર વધારાનુ લોલીપોપ આપી સરકાર છેતરપીંડી કરવા માંગે છે. ગઇકાલે ભાજપ તરફી સરકારી કર્મચારી મહામંડળના આગેવાનો સરકારના ખોળામાં જઇ બેઠા હતાં અને સમાધાનના નામે આદોલન ઠારવા ખેલ પાડયો હતો પણ આજે જયારે વાસ્તવિકતાનો અંદાજ આવતાં જ સરકારી કર્મચારીઓમાં જાણે રોષ ભભૂકયો હતો. આજે ગાંધીનગરમાં જૂના સચિવાલયમાં કર્મચારીઓના ટોળેટોળા ઉમટયા હતા અને માંગો પૂર્ણ કરવા સૂત્રોચ્ચાર પોકાર્યા હતાં. એટલુ જ નહીં, કર્મચારીઓએ મહામંડળની ઓફિસમાં હંગામો મચાવ્યો હતો અને મંડળના આગેવાનોના રાજીનામાની માંગ કરી હતી જેથી વાતાવરણ તંગ બન્યુ હતું. કર્મચારીઓના ઉગ્ર રોષને જાતા મંડળના હોદ્દેદારો રફુચક્કર થઇ ગયા હતાં. સ્થિતીને પગલે  પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો. 

કર્મચારી મહામંડળના પ્રવક્તા પ્રવિણ સુતરિયાએ આક્ષેપ કર્યોકે, સરકારે ૧,૧,૧૬ના લાભો સિવાય કશું જ અપ્યુ નથી.બોર્ડ નિગમના કર્મચારીઓને બધાય લાભોથી વંચિત રખાયા છે. વર્ગ-૪ના કર્મચારીઓને કશું જ લાભ નથી. જૂની પેન્શન યોજના કે જે રાજસ્થાન, પંજાબ સહિતના રાજ્યોમાં અમલી છે જયારે ગુજરાતમાં હજુ સરકાર માત્ર વાયદો કરી રહી છે. સરકાર તરફી નેતાઓએ આંદોલનમાં બે ફાંટા પાડવા પ્રયાસ કર્યા છે પણ જયાં સુધી મહામંડળના નેતાઓ સાથે ચર્ચા કરી મૂળભૂત પ્રશ્નોનો હલ નહી કરાય ત્યાં સુધી આંદોલન જારી રહેશે. આંદોલનની વધુ રણનીતિ નક્કી કરવા તા.૧૯મીએ મહામંડળની બેઠક બોલાવાઇ છે. 

એવો દાવો કરાયો હતોકે, સરકાર ભલે કહે કે,આંદોલન સમેટાયુ છે પણ હકીકત એછેકે, સરકારનુ સમાધાન ફગાવી દેવાયુ છે.આરોગ્ય કર્મચારી, પંચાયતના વિલેજ કમ્પ્યુટર કર્મચારી, એસટી કર્મચારી, કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી, નિવૃત સૈનિકો ઉપરાંત પુરવઠા કર્મચારીઓ અને પ્રાથમિક શિક્ષકોએ પોતાની પડતર માંગણીઓ સ્વિકારવા વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. સરકારી કર્મચારી મહામંડળે એલાન કર્યુ છેકે, જયાં સુધી પ્રશ્નો હલ નહી થાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે.

કર્મચારીઓની માગણી...

૧. 2005 પછીના કર્મચારીઓને પણ જૂની પેન્શન યોજનાનો લાભ આપવો.

૨. આઉટ સોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ સદંતર બંધ કરવી.

૩. સરકારમાં નિવૃત્તિ પછીની નિમણૂકો બંધ કરવી.

૪. કર્મચારી પરિવારના સભ્યને રહેમરાહે નોકરી આપવી.

એક લાખથી વધુ શિક્ષકો માસ સીએલ પર, રાજ્યભરમાં પ્રાથમિક શાળાના શિક્ષણ કાર્ય ખોરવાયુ

જૂની પેન્શન યોજના સહિતની માંગણીઓને લઇને રાજ્યના એક લાખથી વધુ પ્રાથમિક શિક્ષકોએ માસ સીએલ પાડીને વિરોધ વ્યક્ત કર્યો હતો. આ માસ સીએલને કારણે રાજ્યભરમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષણકાર્ય ઠપ રહ્યુ હતું.અમદાવાદ જિલ્લામાં સાણંદ ખાતે શિક્ષકોએ સૂત્રોચ્ચાર વચ્ચે દેખાવો કર્યા હતાં. આ ઉપરાંત મહેસાણા, મોરબી, પાટણ, ખેડા, સાબરકાંઠા, મહિસાગર સહિતના જિલ્લાઓમાં પ્રાથમિક શિક્ષકોને રેલી યોજીને દેખાવો કર્યા હતાં. શિક્ષણ કાર્ય પર અસર થતા શિક્ષણ વિભાગ પણ ચિંતામાં મૂકાયુ હતું. પ્રાથમિક શિક્ષક સંઘમાં ય ભાગલા પડયા હતાં. જોકે, મોટા ભાગના શિક્ષકોએ માસ સીએલ પાડીને  આંદોલનમાં જોડાયા હતા.

હાલ કયા કયા વિભાગના સરકારી કર્મચારીઓ આંદોલનના માર્ગે

પંચાયત આરોગ્ય કર્મચારીઓ, વનરક્ષકો, વિલેજ કમ્પ્યુટર કર્મચારી, એલઆરડીની મહિલા ઉમેદવારો, કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ, એસટી નિગમ ઉપરાંત બોર્ડ-નિગમના કર્મચારીઓ, પ્રાથમિક શિક્ષકો, ખેડૂતો.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે