થઈ જાઓ તૈયાર, આજે બપોરે લાઈવ આવીને કોઈ ધમાકેદાર જાહેરાત કરશે ધોની


- IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નું નેતૃત્વ કરનારા ધોની IPL 2023માં પોતાના ઘરેલું મેદાન પર જ રમશે તેની પુષ્ટિ થઈ ચુકી છે

નવી દિલ્હી, તા. 25 સપ્ટેમ્બર 2022, રવિવાર

મહેન્દ્ર સિંહ ધોની એક ખૂબ જ અંગત જીવન જીવવાનું પસંદ કરે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ તે રાંચીમાં એક સાદગીભર્યું જીવન વિતાવી રહ્યા છે. તેઓ સોશિયલ મીડિયાથી પણ દૂર રહે છે અને ભાગ્યે જ કશુંક પોસ્ટ કરે છે. તે લાઈમલાઈટથી પણ દૂર રહે છે અને કોઈ ચાહક તેમનો ફોટો ક્લિક કરવામાં સફળ રહે ત્યારે જ ક્યાંક જોવા મળે છે. 

જોકે ધોની હવે સોશિયલ મીડિયામાં એક ધમાકો કરવાની તૈયારીમાં છે. આજે તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ આવશે અને તેમણે પોતે જ એક ફેસબુક પોસ્ટ દ્વારા આ અંગેની જાણ કરી છે. ધોનીએ પોતે રવિવારે બપોરે 2:00 કલાકે ચાહકો સાથે એક 'રોમાંચક સમાચાર' શેર કરશે તેમ જણાવ્યું છે. 

ધોની ફેસબુક લાઈવ આવીને કઈ જાહેરાત કરશે તે હજુ રહસ્ય જ છે. ધોનીના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસને પણ 2 વર્ષથી પણ વધારે સમય થઈ ગયો છે. જોકે તે હજુ પણ આઈપીએલ (IPL) રમે છે અને એવું માનવામાં આવે છે કે, આગામી આઈપીએલ ધોનીની અંતિમ આઈપીએલ હોઈ શકે છે. 

આ સંજોગોમાં ક્રિકેટના અને ખાસ કરીને ધોનીના ચાહકો તે ક્રિકેટ સંન્યાસ સાથે સંકળાયેલી કોઈ જાહેરાત તો નહીં કરેને તેવી અટકળો કરી રહ્યા છે. ધોનીએ પોતે આઈપીએલમાં પોતાના હોમ ગ્રાઉન્ડ એટલે કે, ચેન્નાઈ સુપરકિંગ્સના હોમ ગ્રાઉન્ડ પર અંતિમ મેચ રમવા ઈચ્છે છે તે જણાવી દીધેલું છે. 

ધોનીએ જાન્યુઆરી 2021 બાદ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કોઈ પોસ્ટ શેર નથી કરી. તે સમયે જ તેમણે પોતાની અંતિમ ટ્વિટ કરી હતી. જોકે તાજેતરમાં ફેસબુક પર અનેક પોસ્ટ શેર કરી છે. 

ઘરેલું મેદાન પર રમશે IPL

આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નું નેતૃત્વ કરનારા ધોની IPL 2023માં પોતાના ઘરેલું મેદાન પર જ રમશે તેની પુષ્ટિ થઈ ચુકી છે. આઈપીએલમાં ડેબ્યુ બાદથી જ ચેન્નાઈ ધોનીનું ઘર રહ્યું છે અને તેઓ આગામી વર્ષે ફરી એક વખત યેલો આર્મીનું નેતૃત્વ કરવાના છે. 

BCCI દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવેલી છે કે, આઈપીએલ હોમ અને અવે ફોર્મેટમાં રમવામાં આવશે. ધોનીએ IPL 2022ની શરૂઆત પહેલા કેપન્ટનશિપમાંથી રાજીનામુ આપી દીધું હતું. પરંતુ રવીન્દ્ર જાડેજાએ પદ છોડ્યું ત્યાર બાદ તેઓ ફરી ટીમનું નેતૃત્વ કરતા જોવા મળી રહ્યા છે. 

આ પણ વાંચોઃ IPL 2023માં મહેન્દ્રસિંહ ધોની જ હશે CSKના કેપ્ટન

સીએસકે દ્વારા થોડા સમય પહેલા જ આગામી આઈપીએલમાં ધોની જ ટીમને લીડ કરશે તે સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું. આ સંજોગોમાં ધોની પોતાના ફેસબુક લાઈવ દરમિયાન કયા મજેદાર સમાચાર પોતાના ચાહકો સાથે શેર કરશે તેની રાહ જોવાઈ રહી છે. 

ધોનીએ 15 ઓગષ્ટ 2020ના રોજ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ જાહેર કર્યો હતો. ધોની પોતાનો અંતિમ આંતરરાષ્ટ્રીય મુકાબલો 2019ના વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે રમ્યા હતા. 41 વર્ષીય ધોની આંતરરાષ્ટ્રીય કરિયરમાં કુલ 350 વનડે, 98 T20 અને 90 ટેસ્ટ રમ્યા છે અને ત્રણેય ફોર્મેટમાં કુલ મળીને 17,266 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમણે 108 અરધી સદી (50) અને 16 સદી લગાવી છે. ધોનીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ 2007ના T20 વર્લ્ડ કપ, 2011ના વનડે વર્લ્ડ કપ અને 2013ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજય મેળવ્યો છે. 


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો