'દિલ્હી લિકર પોલિસી' કેસમાં પ્રથમ એક્શન, CBI દ્વારા આરોપી વિજય નાયરની ધરપકડ
- નાયર ગુજરાતની ચૂંટણી માટે રણનીતિ તૈયાર કરી રહ્યા હોવાથી રાજકીય પ્રતિશોધના કારણે નાયરની ધરપકડ કરાઈ હોવાનો આપના પ્રવક્તાનો દાવો
નવી દિલ્હી, તા. 28 સપ્ટેમ્બર 2022, બુધવાર
રાજધાની દિલ્હીમાં નવી શરાબ નીતિ મામલે મંગળવારના રોજ પ્રથમ ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈએ શરાબના વેપારી વિજય નાયરની ધરપકડ કરી છે. તે Only Much Louder નામની એન્ટરટેઈનમેન્ટ અને મીડિયા ઈવેન્ટ કંપનીનો પૂર્વ સીઈઓ છે. સીબીઆઈએ નવી આબકારી નીતિ અંગેના કૌભાંડમાં તેને મુખ્ય આરોપી બનાવ્યો હતો.
કઈ રીતે કરાઈ ધરપકડ
વિજય નાયરને મંગળવારના રોજ પુછપરછ માટે સીબીઆઈના મુખ્ય કાર્યાલય ખાતે બોલાવવામાં આવ્યો હતો અને બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. કેન્દ્રીય તપાસ એજન્સીએ ષડયંત્ર, કાર્ટેલાઈઝેશન અને ગણતરીપૂર્વક પસંદગીનાઓને લાઈસન્સ આપવાના આરોપસર તેની ધરપકડ કરી છે. અગાઉ ઈડીએ પણ તેના અનેક ઠેકાણે દરોડા પાડ્યા હતા.
વિજય નાયરની ધરપકડ અંગે આપ પાર્ટીની પ્રતિક્રિયા પણ સામે આવી છે. AAPના પ્રવક્તા અક્ષય મરાઠેએ જણાવ્યું કે, વિજય નાયર અમુક વર્ષો માટે પાર્ટીના સંચાર પ્રભારી પણ હતા. તેમને ખોટા કેસમાં ફસાવાઈ રહ્યા છે. મરાઠે દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે આ સંપૂર્ણપણે રાજકીય પ્રતિશોધ અતંર્ગત ભરવામાં આવેલું પગલું છે કારણ કે, નાયર ગુજરાતની ચૂંટણી માટે રણનીતિ તૈયાર કરી રહ્યા હતા.
આમ આદમી પાર્ટી દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન પ્રમાણે વિજય નાયર પાર્ટીના કોમ્યુનિકેશન ઈન્ચાર્જ છે અને પંજાબમાં તેમની જવાબદારી કોમ્યુનિકેશનની રણનીતિ બનાવીને તેનો અમલ કરાવવાની હતી. ગુજરાતમાં પણ તેમની આ જ જવાબદારી છે. તેમને એક્સાઈઝ પોલિસી સાથે કશું પણ નથી લાગતું વળગતું. સીબીઆઈ દ્વારા વિજયની ધરપકડ કરવામાં આવી તે ચોંકાવનારી બાબત છે.
વધુમાં જણાવ્યું છે કે, વિજય નાયરને તાજેતરમાં પુછપરછ માટે બોલાવાયા ત્યારે તેમના પર મનીષ સિસોદિયાનું નામ લેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. તેમણે ઈનકાર કર્યો એટલા માટે તેમની ધરપકડ કરવામાં આવી. વિજયના ઘરે એક મહિનામાં 2 વખત દરોડો પડ્યો પરંતુ કશું પણ ન મળ્યું. આ આમ આદમી પાર્ટીને કચડવા માટે અને ગુજરાતની ચૂંટણીમાં પાર્ટીના અભિયાનમાં અડચણ ઉભી કરવા માટેના પ્રયત્નનો હિસ્સો છે.
આમ આદમી પાર્ટીના નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ભાજપ આમ આદમી પાર્ટીની વધી રહેલી લોકપ્રિયતાથી છંછેડાયું છે. ભાજપ ગુજરાતમાં આપ પાર્ટીના વધી રહેલા જનાધારને પચાવી નથી શકતી.
આ રીતે આમ આદમી પાર્ટીએ વિજય નાયર અને પાર્ટીના અન્ય નેતાઓ પર લગાવાયેલા આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવીને કાર્યવાહીની આકરી ટીકા કરી છે.
ભાજપ પર સાધ્યું નિશાન
આમ આદમી પાર્ટીના પ્રવક્તા સૌરવ ભારદ્વાજે જણાવ્યું કે, વિજય નાયરે પંજાબમાં રાજકીય રણનીતિ તૈયાર કરી અને હાલ તેઓ ગુજરાતની ચૂંટણી માટે કોમ્યુનિકેશન સ્ટ્રેટેજી તૈયાર કરી રહ્યા હતા. આવા સમયે લિકર પોલિસીના નામે તેમની ધરપકડથી સાબિત થાય છે કે, ભાજપ ચારે બાજુથી આપ પાર્ટીને કચડવાનો પ્રયત્ન કરી રહ્યું છે.
ભાજપે પણ કર્યો પ્રહાર
વિજય નાયરની ધરપકડ મામલે ભાજપે દિલ્હીની આમ આદમી પાર્ટીને ઘેરીને લખ્યું હતું કે, હાલ મીડિયા દ્વારા જાણવા મળ્યું કે, વિજય નાયરની ધરપકડ કરવામાં આવી છે. મનીષ સિસોદિયા હવે શરૂઆત થઈ ગઈ, બહુ જલ્દી તમારી અને અરવિંદ કેજરીવાલની તમન્ના પૂરી થશે.
ભાજપના નેતા કપિલ મિશ્રાએ લખ્યું હતું કે, વિજય નાયરની ધરપકડ લિકર પોલિસી કૌભાંડના દરેક સત્યને ઉજાગર કરશે. તેમણે વિજય નાયરના તાર મુખ્યમંત્રી કેજરીવાલ સુધી પહોંચતા હોવાનો દાવો કર્યો હતો. તેમણે શરાબ કૌભાંડથી શરૂ કરીને પંજાબની ગેરકાયદેસર લેવડ-દેવસ સુધીના તમામ કામોનું હેન્ડલિંગ વિજય નાયર કરતો હોવાનો દાવો કર્યો હતો.
વિજય નાયર પર લાંચ લેવાનો આરોપ
વિજય નાયર પર આરોપ છે કે, તેમણે લિકર ફર્મના માલિક પાસેથી લાંચ લીધી હતી. સીબીઆઈએ દિલ્હી લિકર પોલિસી મામલે એફઆઈઆર દાખલ કરી હતી જેમાં બિઝનેસમેન વિજય નાયર, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત 13 અન્ય લોકોના નામ સામેલ છે.
Comments
Post a Comment