મંદીના વાદળો ઘેરાયા, વોલ સ્ટ્રીટ, યુરો, પાઉન્ડના કડાકા


અમદાવાદ, તા. 24 સપ્ટેમ્બર 2022, શનિવાર

વૈશ્વિક બજારોમાં વધી રહેલા વ્યાજ દરના કારણે કોરોનાકાળથી ઉભરી રહેલા અર્થતંત્ર ઉપર માઠી અસર થશે, અર્થતંત્ર મંદીમાં સરી પડશે એવી આગાહીઓ વચ્ચે બજારોમાં ઉથપાથલ જોવા મળી રહી છે.

વિશ્વના સૌથી મોટા શેરબજાર અમેરિકામાં શેરઆંક મંદીના સ્તરની નજીક આવી ગયા છે. શુક્રવારે ડાઉ જોન્સ ઇન્ડેક્સ તેની વર્ષની નીચી સપાટીએ અને છેલ્લી ઊંચી સપાટીથી 20 ટકા ઘટી ગયો હતો. જોકે, દિવસના અંતે તેમાં થોડો સુધારો જોવા મળ્યો હતો. શુક્રવારે ડાઉ 486 પોઇન્ટ ઘટી 29,590 બંધ રહ્યો હતો.

મંદીની દહેશત શેરબજાર કરતાં ફોરેક્સ અને બોન્ડ માર્કેટમાં વધારે જોવા મળી રહી છે. વિશ્વના છ અગ્રણી ચલણ સામે અમેરિકન ડોલરનું મૂલ્ય નક્કી કરતો ડોલર ઇન્ડેક્સ 113.02ની સપાટીએ બંધ આવ્યો હતો જે 20 વર્ષની સૌથી ઊંચી સપાટી છે. જર્મનીનું અર્થતંત્ર ગેસની અછત અને મોંઘવારીના કારણે મંદ પડી રહ્યું છે એવા સંકેત વચ્ચે યુરો બે દાયકાની વધુ એક નીચી સપાટીએ ડોલર સામે 0.9689 રહ્યો હતો. બ્રિટન સરકારે મંદી ખાળવા, મોંઘવારીથી લોકોને રાહત આપવા 50 વર્ષમાં સૌથી મોટા ટેક્સ કાપની જાહેરાત કરી છે. આ જાહેરાતના પગલે પાઉન્ડ શુક્રવારે 3.49 ટકા તૂટી ડોલર સામે 1.08 બંધ આવ્યો હતો. આ 37વર્ષની નીચી સપાટી છે.

બોન્ડ માર્કેટમાં બ્રિટિશ બોન્ડના યિલ્ડ 20 વર્ષમાં સૌથી વધુ ઉછળ્યા હતા. અમેરિકન બોન્ડના યીલ્ડ પણ વધી રહ્યા છે.

વધી રહેલા યિલ્ડ હજી વ્યાજ દર વધશે એની ચિંતા દર્શાવી રહ્યા છે. બીજી તરફ, ડોલરના મૂલ્યમાં વધારો રોકડ માટેની ડોટ દર્શાવી રહ્યા છે. શુક્રવારના વૈશ્વિક બજાર બંધ રહી ત્યારે એવું લાગી રહ્યું છે કે જોખમી અસ્ક્યામતમાં વેચાણ અને સલામતી માટે રોકડ તરફ પ્રવાહ હજી થોડા દિવસ તો ચલાશે જ.

અગાઉ, ભારતના શેરબજારમાં પણ સેન્સેકસમાં 1000 પોઇન્ટના કડાકાના કારણે રોકાણકારોના રૂ. 4.60 લાખ કરોડનું ધોવાણ ગઈકાલે જોવા મળ્યું હતું.

દરમિયાન અમેરિકન ક્રૂડ વાયદો 79 ડોલર પ્રતિ બેરલ બંધ આવ્યો છે જે વર્ષ 2022ની સૌથી નીચી સપાટી છે. સોનુ પણ ઊંચા ડોલરના કારણે 29 ડોલર ઘટી 1651 ડોલર પ્રતિ ઔંસ બંધ રહ્યું હતું.

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો