રશિયન ચામાચિડિયામાં કોરોના જેવો વાઇરસ મળી આવ્યો


- આ રસીપ્રતિરોધક વાઇરસનો ચેપ માણસને લાગી શકે છે

- સાર્બેકોવાઇરસીસનો સામનો કરવા યુનિવર્સલ રસી વિક્સાવવાની જરૂર 

વોશિંગ્ટન : વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીની સંશોધકોની ટીમ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં રશિયન ચામાચિડિયામાં કોરોના જેવો નવો વાઇરસ શોધી કાઢવામાં આવ્યો છે જેનો માણસોને ચેપ લાગી શકે છે અને કોરોના સામેની તમામ રસીઓનો તે પ્રતિકાર કરી શકે  છે. આ ચામાચિડિયાના વાઇરસમાં ખોસ્ટા-૨ નામના સ્પાઇક પ્રોટીન્સ મળી આવ્યા છે જે માનવકોશમાં ચેપ લગાડી શકે છે. આ વાઇરસ એન્ટીબોડી થેરપી અને બ્લડ સિરમ સારવારને પણ દાદ આપતાં નથી. 

વાઇરસ ચેપ લગાડવા માટે માનવકોશમાં પ્રવેશવા સ્પાઇક પ્રોટીનનો ઉપયોગ કરે છે. બંને વાઇરસ ખોસ્ટા-૨ અને સાર્સ કોવ-૨ સાર્બેકોવાઇરસ પરિવારના સભ્યો છે. આ અભ્યાસમાં ભાગ લેનાર સંશોધક માઇક લ લેટકોએ જણાવ્યું હતું કે અમારું સંશોધન દર્શાવે છે કે સાર્બેકોઇવાઇરસીસ એશિયાની બહાર વન્યજીવનમાં પ્રસરેલા છે. ખોસ્ટા-૨ વાઇરસ પશ્ચિમ રશિયામાંથી મળી આવ્યો છે. આ વાઇરસ દુનિયાના આરોગ્ય સામે જોખમ સમાન છે. 

પ્લોસ પેથોજન્સ નામની જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસના તારણોમાં સાર્સ કોવ-૨ જેવા  જાણીતા વેરિઅન્ટ્સ સામે અસરકારક એવી કોરોના રસી બનાવવાને બદલે સાર્બેકોવાઇરસીસ સામે અસરકારક એવી યુનિવર્સલ રસી વિકસાવવા પર ભાર મુકવામાં આવ્યો છે. લેટકોએ જણાવ્યું હતું કે હાલ અમુક જૂથો આ પ્રકારની સાર્બેકોવાઇરસીસ સામે રક્ષણ આપે તેવી રસી વિકસાવવાના કામમાં ખૂંપેલા છે. 

તાજેતરના વર્ષોમાં હજારો સાર્બેકોવાઇરસીસ શોધી કાઢવામાં આવ્યા છે. જે મુખ્યત્વે એશિયાના ચામાચિડિયામાં જોવા મળે છે પણ તેમાંના મોટાભાગના માણસોને ચેપ લગાડી શકે તેમ નથી. ખોસ્ટા-૧ અને ખોસ્ટા-૨ વાઇરસીસ ૨૦૨૦ના અંતભાગે રશિયન ચામાચિડિયામાં મળી આવ્યા હતા. શરૂઆતમાં તે માણસો માટે જોખમકારક ન હોવાનું જણાયું હતું. આ વાઇરસ સાર્સ કોવ-૨ જેવા દેખાતા ન હોવાથી કોઇએ તેમના પ્રત્યે ધ્યાન આપવાની દરકાર કરી નહોતી. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો