ચાઇલ્ડ પોર્નોગ્રાફી સામે સીબીઆઇનું ઓપરેશન 'મેઘચક્ર', 21 રાજ્યોમાં દરોડા
- વોટ્સએપ, સોશિયલ મીડિયા દ્વારા ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો ધંધો વધતા એજન્સી એલર્ટ
- સીબીઆઇએ 100થી વધુ દેશો પાસેથી ચાઇલ્ડ પોર્નોગ્રાફી નેટવર્કની જાણકારી મેળવી, 50 મોટા ગ્રુપમાં પાંચ હજારથી વધુ લોકો સક્રિય
નવી દિલ્હી : દેશમાં બાળકોને લઇને અપરાધની ઘટનાઓ વધી રહી છે. એક રિપોર્ટ મુજબ બાળકો પર અત્યાચાર અને શારીરિક છેડતી, રેપ વગેરે અપરાધોમાં ૧૬ ટકાનો વધારો થયો છે. ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લઇને હાલમાં જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો હતો. આ સ્થિતિ વચ્ચે સીબીઆઇએ દેશભરમાં બાળ અપરાધ વિરોધી ડ્રાઇવ શરૂ કરી દીધી છે. સીબીઆઇએ બાળ અપરાધ, ચાઇલ્ડ પોર્નોગ્રાફી સહિતના મામલાને લઇને દેશના ૨૧ જેટલા રાજ્યોમાં દરોડા પાડીને તપાસ અભિયાન શરૂ કર્યું છે.
સીબીઆઇની ટીમોએ ૧૯ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચાઇલ્ડ સેક્યૂઅલ એબ્યૂઝ મટિરિયલ (સીએસએએમ)ને લઇને ૫૬ જેટલા સ્થળોએ દરોડા પાડયા છે. સીબીઆઇની આ કાર્યવાહીને મેઘચક્ર નામ આપવામાં આવ્યું છે. સીબીઆઇને સિંગાપોર અને ન્યૂઝિલેન્ડ તરફથી મળેલા ઇન્ટરપોલના રિપોર્ટના આધારે આ દરોડા પાડયા હતા. સીબીઆઇએ જણાવ્યું હતું કે કેટલાક રાજ્યોમાં એવી ગેંગ સક્રિય થઇ ગઇ છે કે જે પ્રતિબંધિત ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો ધંધો ચલાવી રહી છે. આ ગેંગ ન માત્ર ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો વેપાર કરે છે સાથે સાથે બાળકોને ફિઝિકલી બ્લેકમેલ પણ કરે છે. આ ગેંગ બે રીતે કામ કરે છે, જેમાં એક સંગઠન બનાવવામા આવે છે જ્યારે બીજી રીતમાં વ્યક્તિગત રીતે કામ કરવામાં આવતું હોય છે. ગયા વર્ષે પણ સીબીઆઇ દ્વારા આ જ પ્રકારના દરોડા ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લઇને હાથ ધરવામાં આવ્યા હતા જેને ઓપરેશન કાર્બન નામ આપવામાં આવ્યું હતું. જોકે તેમ છતા દેશમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી સહિતના બાળ વિરોધી અપરાધ વધી રહ્યા છે. સોશિયલ મીડિયા પર અવારનવાર ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લઇને કન્ટેન્ટ શેર થતી હોય છે જેથી હાલમાં જ સુપ્રીમ કોર્ટે પણ સોશિયલ મીડિયા કંપનીઓ અને સરકાર પાસેથી જવાબ માગ્યો છે.
હાલમાં ઓપરેશન મેઘચક્ર અંતર્ગત સીબીઆઇ દ્વારા ગુજરાત, હિમાચલ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટકા, તેલંગાણા, તમિલનાડુ સહિત ૨૦ રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા છે. સીબીઆઇ ભારતમાં ચાલી રહેલા ચાઇલ્ડ પોર્નોગ્રાફીના વેપારને અટકાવવા માટે અનેક દેશોના પણ સંપર્કમાં છે. એવા અહેવાલો પણ છે કે આ વેપાર આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલો છે જેમાં ભારતમાં સક્રિય ગેંગ વિદેશોમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીની કન્ટેન્ટ મોકલતી હોય છે. જે પણ દેશોમાં આ ગેંગ સક્રિય છે કે જે ભારતીય ચાઇલ્ડ પોર્નોગ્રાફી સાથે લિંક ધરાવે છે. જેમાં પાકિસ્તાન, કેનેડા, અમેરિકાનો પણ સમાવેશ થાય છે. સીબીઆઇ પાસે આવા વિદેશીઓના પણ રિપોર્ટ છે જેમાં આરોપીઓમાં પાકિસ્તાનના ૩૬, કેનેડાના ૩૫, અમેરિકાના ૩૫, બાંગ્લાદેશના ૩૧, શ્રીલંકાના ૩૦ આ ઉપરાંત અન્ય દેશોમાં નાઇજેરિયા, યમન, મલેશિયા, સાઉદી અરેબિયા, ઇન્ડોનેશિયા વગેરેનો પણ સમાવેશ થાય છે.
સીબીઆઇને રિપોર્ટ મળ્યો છે કે ચાઇલ્ડ પોર્નોગ્રાફી સાથે ૫૦થી વધુ ગ્રુપ જોડાયેલા છે જેમાં ૫ હજારથી વધુ અપરાધીઓ સામેલ છે. આ અપરાધ ૧૦૦ જેટલા દેશોમાં પથરાયેલો છે. મુખ્યત્વે આ ગેંગ વોટ્સએપ દ્વારા આ પ્રકારની કન્ટેન્ટ શેર કરતી હોય છે. તેથી તેના પર પણ સીબીઆઇની નજર હોવાના અહેવાલો છે. સીબીઆઇ પાસે આ અપરાધીઓની યાદી આવી ગઇ છે અને તેના આધારે જ હાલ દેશમાં ૨૦ જેટલા રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ભારતમાં બાળકો વિરોધી અપરાધનું પ્રમાણ વર્ષ ૨૦૨૦થી ૨૦૨૧ વચ્ચે ૧૬.૨ ટકા વધ્યું છે.
ગુજરાતમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી વિડીયોનું નેટવર્ક રાજકોટ, કચ્છ, ગોધરા અને લુણાવાડામાં દરોડા
ચાઈલ્ડ પોર્નોગ્રાફી વિડીયોના ઈન્ટરનેશનલ રેકેટને ધ્વસ્ત કરવા સીબીઆઈએ દેશના ૨૧ રાજ્યોમાં ૫૯ સ્થળોએ દરોડા પાડયાં છે. ૨૧ રાજ્યોમાં ગુજરાતના કચ્છ, રાજકોટ, લુણાવાડા અને ગોધરામાં સીબીઆઈની ટીમોએ ચાઈલ્ડ પોર્નોગ્રાફી વિડીયો ડાઉનલોડ કરી તેનું વેચાણ કરતાં તત્વોને ઝડપી લઈ તપાસ કાર્યવાહી હાથ ધરી છે. સીબીઆઈના સૂત્રોએ જણાવ્યું કે, ભારતમાં કેટલાક લોકો ચાઈલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ મટિરિયલ એટલે કે પોર્ન વિડીયો ક્લાઉડ-બેઈઝડ સ્ટોરેજમાંથી ઉતારી લેતા હતા. આ સ્ટોરમાંથી ચાઈલ્ડ પોર્નોગ્રાફી વિડીયો મેળવતાં કચ્છ, રાજકોટ, લુણાવાડા અને ગોધરાના શખ્સોને શોધી કાઢી લેપટોપ, મોબાઈલ ફોન સહિતની સામગ્રી કબજે કરવામાં આવી છે. ગુજરાતના કચ્છ, રાજકોટ, લુણાવાડા અને ગોધરામાંથી છ શખ્સોની અટકાયત કરી વધુ તપાસ ચાલી રહી હોવાનું સીબીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું. ગુજરાતમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી વિડીયો ફરતા કરવાના નેટવર્ક અંગે ઊંડાણભરી તપાસ ચાલી રહી છે.
Comments
Post a Comment