રોકાણકારોની સંપત્તિમાં રૂ.16.59 લાખ કરોડનું ધોવાણ


- નવ ટ્રેડીંગ સત્રમાં સેન્સકેસ 3426 અને નિફ્ટી 1054 પોઈન્ટ ઘટી ગયા 

- માર્કેટ કેપ રૂ. 286 લાખ કરોડથી ઘટીને આજે રૂ.270 લાખ કરોડ થઇ : વધતા વ્યાજ દર વચ્ચે અર્થતંત્રમાં મંદીની દહેશતથી રોકાણકારોની સલામતી માટે દોટ

અમદાવાદ : વૈશ્વિક અર્થતંત્રમાં મંદીના ભણકારા કે વધી રહેલા વ્યાજ દરના કારણે આર્થિક વિકાસ ઘટી શકે છે એવી દહેશત વચ્ચે ગ્લોબલ શેરબજારની સાથે ભારતીય શેરબજારમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે સતત ચોથા દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ આવ્યું હતું. સેન્સેક્સ ૯૫૪ પોઈન્ટ અને નિફ્ટી ૩૧૧ પોઈન્ટ ઘટી ગયા હતા. તા. ૧૩ સપ્ટેમ્બરના રોજ સેન્સેક્સ ૬૦,૫૭૧ અને નિફ્ટી ૧૮,૦૭૦ની ઉંચી સપાટીએ પહોંચ્યા પછી સતત વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. ત્યારથી આજ સુધીના નવ ટ્રેડીંગ સત્રમાં સેન્સેક્સ ૫.૬૫ ટકા કે ૩૪૨૬ અને નિફ્ટી ૫.૮૩ ટકા કે ૧૦૫૪ પોઈન્ટ ઘટી બંધ આવ્યા છે. આ ઘટાડાની સાથે શેરબજારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ.૧૬.૫૯ લાખ કરોડનો જંગી ઘટાડો જોવા મળ્યો છે.

આ નવ સત્રમાં જે માર્કેટ કેપ રૂ. ૨૮૬ લાખ કરોડ હતું તે ઘટી હવે રૂ.૨૭૦ લાખ કરોડ થઇ ગયું છે. માત્ર મુખ્ય ઇન્ડેક્સ જ નહી પણ નિફ્ટી  સ્મોલ કેપ ઇન્ડેક્સ ૮.૧૪ ટકા, મિડકેપ ઇન્ડેક્સ સાત ટકા અને નિફ્ટી બેંક ઇન્ડેક્સ પણ ૬.૭૩ ટકા ઘટી ગયા છે. આ દર્શાવે છે કે વેચવાલી વ્યાપક છે અને કોઈ ચોક્કસ ક્ષેત્ર કે લાર્જ કેપ સુધી સીમિત નથી.

જુલાઈ - ઓગસ્ટ મહિનામાં ફુગાવો ઘટી રહ્યો છે એવા સંકેત સાથે હવે વ્યાજના દર વધશે નહિ એવી આશા સાથે ભારત અને વૈશ્વિક શેરબજારમાં ખરીદી સાથે તીવ્ર ઉછાળો આવ્યો હતો. પણ સપ્ટેમ્બરમાં આ આશાઓ ઉપર પાણી ફરી વળ્યું છે. ગત સપ્તાહે ફેડરલ રીઝર્વે સતત ત્રીજી  બેઠકમાં ૦.૭૫ ટકા વ્યાજનો દર વધાર્યો હતો. છેલ્લા ૪૧ વર્ષમાં અમેરિકામાં આટલી ઝડપથી વ્યાજ દર વધ્યા નથી. હવે અમેરિકામાં વ્યાજનો દર ૨૦૦૮ પછી પ્રથમ વખત ૩ થી ૩.૨૫ ટકા થઇ ગયો છે. માત્ર અમેરિકા નહી પણ ઇંગ્લેન્ડ, નોર્વે, સ્વીડન, સ્વિત્ઝરલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને યુરોપીયન સેન્ટ્રલ બેંકે પણ વ્યાજ દર વધારવા પડયા છે. ભારતમાં રિઝર્વ બેંકે ત્રણ વખત વ્યાજના દર વધાર્યા છે અને હજુ તા.૩૦ સપ્ટેમ્બરની બેઠકમાં વધારશે એવી આગાહી થઇ રહી છે. કોરોના કાળમાં વિશ્વની સેન્ટ્રલ બેંકોએ મંદી ખાળવા માટે સસ્તા નાણા અને પુષ્કળ નાણાની નીતિ અપનાવી હતી. હવે આ બન્ને પરત ખેચવામાં આવી રહ્યા છે. મંદીમાંથી અર્થતંત્ર બહાર આવી ગયા છે પણ સપ્લાય ચેઈનમાં ક્ષતિ અને રશિયા - યુક્રેન યુદ્ધના કારણે મોંઘવારી વિવિધ દેશોમાં વિક્રમી સપાટીએ છે. મોંઘવારી ડામવા હવે નાણું મોંઘુ અને બજારમાં ઓછી પ્રવાહિતાનો સમય આવી રહ્યો છે. 

મંદીમાંથી બહાર આવી રહેલા અર્થતંત્રમાં રીકવરી નાજુક છે અને બહુ ઊંચા વ્યાજ દરના કારણે તેની ગાડી ફરી પાટા ઉપરથી ઉતરી પડશે એવી દહેશત છે. અર્થતંત્રમાં મંદી આવે, તેનો વિકાસ ધીમો પડે તો કંપનીઓની કમાણી ઉપર અસર પડે એવી શક્યતાએ શેરબજારમાં વેચવાલી છે. રોકાણકારો સલામતી તરફ દોટ લગાવી રહ્યા છે. વધતા વ્યાજ દરની સ્થિતિમાં રોકડ અને સરકારી બોન્ડમાં વળતર સલામત અને વધારે મળશે એવી આશાએ બન્નેમાં તેજી જોવા મળી રહી છે. રોકડની ડોટના કારણે વિશ્વની સૌથી સલામત કરન્સી ડોલરના ભાવ બે દાયકાની સૌથી ઉંચી સપાટીએ છે. અમેરિકન બોન્ડમાં યીલ્ડ ચાર ટકા જેટલું થઇ ગયું છે. કરન્સી અને વ્યાજ બન્ને ઊંચા મળી રહ્યા હોવાથી ઓગસ્ટ મહિનામાં ભારતીય શેરમાં ખરીદી કરનાર વિદેશી સંસ્થાઓ ફરી વેચવાલ બની છે અને તેના કારણે ભારતના શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 

ઓક્ટોબર ૨૦૨૧થી જુલાઈ ૨૦૨૨ના દસ મહિના સુધી સતત વેચાણ બાદ વિદેશી ફંડ્સની ઓગસ્ટમાં રૂ.૨૨,૦૨૫ કરોડની ખરીદી જોવા મળી હતી અને શેરબજારમાં હવે તે રોકાણ કરશે અને શેરઆંક નવી ઉંચાઈઓ સર કરશે એવા ઉજળા સંજોગો ઉભા થયા હતા. ત્યાં સપ્ટેમ્બરમાં ફરી વિદેશી સંસ્થાઓએ આક્રમક વેચાણ શરુ કર્યું છે. એક્સચેન્જના આંકડા અનુસાર આજે રૂ.૫,૧૦૧ કરોડના જંગી વેચાણ સહિત વિદેશી ફંડ્સની ચાલુ મહિનામાં શેરબજારમાં રૂ.૭,૫૪૭ કરોડની વેચવાલી જોવા મળી છે.

વ્યાજના દર વધવાથી, નાણા પ્રવાહિતા ઘટવાથી લોકોની ખરીદી ઉપર અને અર્થતંત્ર ઉપર અસર પડશે એવી ધારણા છે. એવી ધારણા પણ કરવામાં આવી રહી છે કે ઊંચા વ્યાજ દરના કારણે અર્થતંત્ર મંદીમાં સરી પડશે. આ મંદીની દહેશતથી વિવિધ કોમોડિટીઝના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઈલ ૧૧૦ ડોલરની બદલે હવે કેલેન્ડર વર્ષ ૨૦૨૨ના સૌથી નીચી સપાટી ૮૫ ડોલર પ્રતિ બેરલ મળી રહ્યું છે. કોપરના ભાવ એક જ મહિનામાં ૮.૨૫ ટકા, એલ્યુમિનીયમ ૧૨ ટકા, ઝીંક ૧૭ ટકા જેટલા ઘટી ગયા છે.

પાઉન્ડના સામ્રાજ્યના વળતા પાણી, ડોલર સામે સૌથી નીચી સપાટીએ

- ચાર દિવસમાં 193 પૈસા ઘટી રૂપિયો  રૂ.81.67ના નવા તળિયે પટકાયો

અમેરિકામાં વધી રહેલા વ્યાજ દર, યુરોપ અને બ્રિટન ઉપર આર્થિક મંદીના ઘેરાયેલા વાદળો વચ્ચે ડોલર આજે છેલ્લા ૨૦ વર્ષની નવી ઉંચાઈએ જોવા મળતા એક સમયે સૌથી સલામત ગણાતુ ચલણ બ્રિટીશ પાઉન્ડ આજે ઐતિહાસિક નીચી સપાટીએ પટકાયું હતું. પાઉન્ડ ડોલર સામે ૧.૦૩ની ૧૯૭૧ પછીની સૌથી નીચી સપાટીએ પહોચ્યો હતો. દરમિયાન, ભારતીય ચલણ રૂપિયામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ડોલર સામે આજે રૂપિયો વધુ ૫૮ પૈસા તૂટી ૮૧.૬૭ની ઈતિહાસની સૌથી નીચી સપાટીએ બંધ રહ્યો હતો.  આર્થિક મંદી અને ભારતીય શેરબજારમાં વિદેશી ફંડ્સની આક્રમક વેચવાલીના કારણે ડોલર સામે રૂપિયો સતત ઘટી રહ્યો છે. છેલ્લા ચાર સત્રમાં ડોલર સામે રૂપિયામાં ૧.૯૩ ટકાનો જંગી ઘટાડો જોવા મળ્યો છે. તા. ૧ જાન્યુઆરીએ ૭૪.૯૬ની સપાટીએ રહેલા રૂપિયામાં ડોલર સામે ૮.૯૫ ટકાનો અત્યારસુધીમાં ઘટાડો નોંધાયો છે. 

સોમવારે બજાર શરૂ થતાની સાથે વિશ્વના છ મુખ્ય ચલણ સામે અમેરિકન ડોલરનું મૂલ્ય નક્કી કરતો ડોલર ઇન્ડેક્સ ૧૧૪.૫૦ની બે દાયકાની ઉંચી સપાટીએ હતો. તેની સાથે પાઉન્ડ ૧.૦૩૮૪ની વિક્રમી નીચી સપાટીએ હતો. યુરો છેલ્લા ૨૦ વર્ષની નીચી સપાટી ૦.૯૬૧૮ ઉપર હતો. જાપાનીઝ યેન શુક્રવારે થોડો વધ્યા બાદ ફરી ૩૪ વર્ષની નીચી સપાટી ૦.૯૬૧૨ થઇ ગયો હતો. અમેરિકામાં વધી રહેલા વ્યાજ દર અને આર્થિક મંદીના ભણકારા વચ્ચે સલામતી તરફથી ડોટમાં વિશ્વની સૌથી મોટી રિઝર્વ કરન્સી (એ ચલણ કે જેમાં વિશ્વની સરકારો પોતાના ફોરેકસ રિઝર્વ રાખે છે) તરફ રોકાણકારો વળ્યા હતા. શેરબજારમાં વેચાણ અને મંદીના કારણે કોમોડિટીઝમાં ઘટાડાના કારણે ડોલરને વધુ ગતિ મળી રહી છે.

પોતાના અર્થતંત્રને મંદીમાંથી ઉગારવા માટે બ્રિટીશ સરકારે ગત સપ્તાહે ૪૫ અબજ પાઉન્ડના જાહેર કરેલા પેકેજ બાદ વધુ એક પેકેજ જાહેર કરવા અંગે વિચાર કરી રહ્યા હોવાની જાહેરાત સાથે પાઉન્ડમાં આક્રમક ઘટાડો જોવા મળ્યો હતો. પાઉન્ડના ઘટાડા બાદ બેંક ઓફ ઇંગ્લેન્ડે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે મોંઘવારી નાથવા માટે પોતે વ્યાજ દર વધારતા અચકશે નહી.

તમામ સેક્ટર સારી કામગીરી કરી રહ્યાંનો દાવો

ભારતીય અર્થતંત્ર રિકવરના માર્ગે : વી અનંત નાગેશ્વરન

જો કે વિદેશી રોકાણકારો વિદેશી ભૌગોલિક પરિસ્થિતિને કારણે રોકાણ કરવા અંગે સચેત રહેશે 

ભારતીય અર્થતંત્ર રિકવર થઇ રહ્યું છે પણ વૈશ્વિક પડકારોને કારણે વિદેશી રોકાણકારો વધુ સચેત રહેશે તેમ મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત  નાગેશ્વરને જણાવ્યું છે.  સ્વદેશી રિસર્ચ ઇન્સ્ટીટયૂટ દ્વારા આયોજિત વર્ચ્યુઅલ સેમિનારને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે ખેતી, મેન્યુફેકચરિંગ અને કન્ટ્રકશન જેવા અર્થતંત્રના તમામ સેક્ટર સારી કામગીરી કરી રહ્યાં છે. 

તેમણે જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્ર રિકવરીના માર્ગે આગળ વધી રહ્યું છે. પ્રાઇવેટ ડિમાન્ડ અને સર્વિસ સેક્ટર અપેક્ષા કરતા વધારે સારી કામગીરી કરી રહ્યાં છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઇ) સ્થિર રહેશે.

ચીફ ઇકોનોમિક એડવાઇઝરે વધુમાં જણાવ્યું હતું કે જીયોપોલિટિકલ પડકારોને કારણે વિદેશી રોકાણકારો રોકાણ કરવા અંગે સચેત રહેેશે. ભારત પાસે સારી મૂડી ધરાવતું બેકિંગ  સેક્ટર છે. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઇનસોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ (આઇબીસી)એ પણ ભારતીય બેંકોની સ્થિતિ સુધારવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. 

એકેડેમિક અને ક્રેડિટ સૂઇ ગુ્રપ એજીના પૂર્વ એક્ઝિક્યુટીવે જણાવ્યું છે કે ભારતમાં હાલમાં ફુગાવો સાત ટકા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો