ભાગવત મસ્જિદમાં : ડૉ. ઈલિયાસીએ રાષ્ટ્રપિતા ગણાવ્યા


- ઇમામોના સૌથી મોટા સંગઠનના વડા સાથે ભાગવતની મસ્જિદમાં બેઠક

- મદરેસામાં બાળકોએ જય હિન્દ, વંદેમાતરમનો સૂત્રોચ્ચાર કર્યો, જીવનમાં ડૉક્ટર-એન્જિનિયર બનવાની ઈચ્છા વ્યક્ત કરી

- મોહન ભાગવત દિલ્હીમાં મદરસામાં બાળકોને મળ્યા, ધર્મની સાથે કમ્પ્યુટર સહિત આધુનિક શિક્ષણ મેળવવા પર ભાર મૂક્યો

- મુસ્લિમ ધર્મગુરુઓ-બુદ્ધિજીવીઓ સાથે ભાગવતે મહિનામાં બીજી વખત ચર્ચા કરી

નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે ગુરુવારે અચાનક જ કસ્તુરબા ગાંધી માર્ગ પર આવેલી મસ્જિદમાં ઇમામોના સૌથી મોટા સંગઠન ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ ડૉ. ઉમર અહેમદ ઈલિયાસી અને અન્ય મુસ્લિમ નેતાઓ સાથે લગભગ એક કલાક મુલાકાત કરી. આ બેઠક પછી ડૉ. ઉમર અહેમદ ઈલિયાસીએ ભાગવતને રાષ્ટ્રપિતા અને રાષ્ટ્રઋષિ ગણાવ્યા હતા. ભાગવતે આઝાદ માર્કેટની મદરેસામાં બાળકો સાથે પણ મુલાકાત કરી હતી. અહીં તેમણે બાળકોને ઈસ્લામિક શિક્ષણની સાથે આધુનિક શિક્ષણ મેળવવા પર ભાર મૂક્યો હતો. મુસ્લિમ સમાજ સાથે સંપર્ક સાધવાના અભિયાનના ભાગરૂપે ભાગવત એક મહિનામાં બીજી વખત મુસ્લિમ ધર્મગુરુઓ અને બુદ્ધિજીવીઓને મળ્યા હતા. 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે ગુરુવારે ઓલ ઈન્ડિયા મુસ્લિમ ઈમામ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ ડૉ. ઈમામ ઉમર અહેમદ ઈલિયાસી અને શોએબ ઈલિયાસી સહિત અન્ય મુસ્લિમ નેતાઓ સાથે કસ્તુરબા ગાંધી માર્ગ મસ્જિદમાં બેઠક કરી હતી. ભાગવતને મળનારા મુસ્લિમ બુદ્ધિજીવીઓમાં ભૂતપૂર્વ સાંસદ શાહિદ સિદ્દિકી, ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસવાય કુરૈશી, પૂર્વ ઉપરાજ્યપાલ નજીબ જંગ, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ જમીરુદ્દિન શાહ અને ઉદ્યોગપતિ સઈદ શેરવાનીનો સમાવેશ થાય છે. 

આ બેઠકમાં ભાગવતે હિન્દુઓ માટે વપરાતા શબ્દ 'કાફીર'નો મુદ્દો ઉઠાવ્યો હતો જ્યારે મુસ્લિમ ધર્મગુરુઓએ જમણેરી પાંખના લોકો દ્વારા મુસ્લિમોને 'જેહાદી' અને 'પાકિસ્તાની' કહેવા સામે વાંધો ઉઠાવ્યો હતો. ભાગવતે ભારતમાં બધા જ 'હિન્દુઓ અને મુસ્લિમો'ના ડીએનએ એકસમાન હોવા પર ભાર મૂક્યો હતો. ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશન ભારતીય ઈમામોની કોમ્યુનિટીનું પ્રતિનિધિત્વ કરે છે અને તે વિશ્વમાં સૌથી મોટું ઈમામ સંગઠન હોવાનો દાવો કરાઈ રહ્યો છે. મુસ્લિમ ધર્મગુરુઓ અને બુદ્ધિજીવીઓ સાથે મોહન ભાગવતની એક મહિનામાં બીજી બેઠક છે. આ પહેલા ભાગવતે મુસ્લિમ બુદ્ધિજીવીઓના પાંચ સભ્યની ટીમની પણ મુલાકાત કરી હતી.

આ બેઠક પછી ડૉ. ઈમામ ઉમર અહેમદ ઈલિયાસીએ સંઘ પ્રમુખ મોહન ભાગવતની ભરપૂર પ્રશંસા કરી હતી. તેમણે મોહન ભાગવતને રાષ્ટ્રપિતા અને રાષ્ટ્રઋષિ પણ કહ્યા હતા. તેમણે ઉમેર્યું કે ભાગવતજી આજે મારા આમંત્રણ પર અહીં આવ્યા હતા. તેમનો આજનો પ્રવાસ દેશમાં એક સારો સંદેશ મોકલશે. ભગવાનની પૂજા કરવાની આપણી રીતો અલગ છે, પરંતુ સૌથી મોટો ધર્મ માનવતા છે. અમારું માનવું છે કે દેશ પહેલા આવે છે. ડૉ. જમીલ ઈલિયાસીના પુત્ર શોએબ ઈલિયાસીએ કહ્યું કે, ભાગવતનું આવવું દેશ માટે મોટો સંદેશ છે. પ્રેમનો સંદેશ છે. ભાગવત મસ્જિદ શા માટે ગયા તેવા સવાલો ના કરવા જોઈએ.

મુસ્લિમ ધર્મગુરુઓને મળ્યા પછી ભાગવત ઉત્તર દિલ્હીમાં આઝાદ માર્કેટમાં તાજવીદુલ કુરાન મદરેસામાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે બાળકો સાથે મુલાકાત કરી. ભાગવતે સંભવત: પહેલી વખત મદરેસામાં બાળકો સાથે મુલાકાત કરી હતી. ભાગવતે મદરેસામાં બાળકોને તેઓ શું ભણે છે અને જીવનુમાં શું બનવા માગે છે તેવા સવાલો કર્યા હતા. મોટાભાગના બાળકોએ પોતે ડૉક્ટર-એન્જિનિયર બનવા માગે છે તેમ જણાવ્યું હતું. તેમણે બાળકોને ઈસ્લામ ધર્મની સાથે કમ્પ્યુટર સહિત આધુનિક શિક્ષણ મેળવવા પણ સલાહ આપી. તેમણે કહ્યું કમ્પ્યુટરનું શિક્ષણ જીવનમાં તેમને ઘણું કામ લાગશે. તેમણે બાળકોને રાષ્ટ્રના ઉત્થાનમાં કામ કરવા માટે પ્રેરણા આપી. આ સમયે બાળકોએ જય હિન્દ અને વંદેમાતરમનો સૂત્રોચ્ચાર કર્યો હતો.

મોહન ભાગવતની લાંબા સમયથી મુસ્લિમ બુદ્ધિજીવીઓ અને નેતાઓ સાથે મુલાકાતો થઈ રહી છે. સંઘ નેતાઓએ જણાવ્યું કે, મોહન ભાગવત સમયે સમયે સમાજના વિવિધ વર્ગોના પ્રતિનિધિઓ અને અગ્રણીઓને મળતા રહે છે. ગયા મહિને મોહન ભાગવતે દિલ્હીમાં સંઘના અસ્થાયી કાર્યાલયમાં કેટલાક અગ્રણી મુસ્લિમ બુદ્ધિજીવીઓ સાથે ચર્ચા કરી હતી. ભાગવત આગામી સમયમાં જમ્મુ-કાશ્મીરના મુસ્લિમ નેતાઓને પણ મળશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો