આતંક ફેલાવતા પીએફઆઇ ઉપર પાંચ વર્ષનો પ્રતિબંધ


- પીએફઆઇના આઇએસ સહિતના સંગઠનો સાથે સંબંધોના પુરાવા મળ્યા બાદ કેન્દ્રનો નિર્ણય 

- પીએફઆઇના સ્થાપકો સિમી, બાંગ્લાદેશના આતંકી સંગઠનના સભ્યો, દેશમાં ધર્મના નામે લોકોને ભડકાવતા હતા: કેન્દ્ર

- પીએફઆઇ ઉપરાંત રેહાબ ઇન્ડિયા, કેમ્પસ ફ્રન્ટ, નેશનલ વૂમન ફ્રન્ટ, એમ્પાવર ઇન્ડિયા જેવા સંગઠનો પર પણ પ્રતિબંધ

- ગુજરાત, ઉ. પ્રદેશ, કર્ણાટક સરકાર તરફથી પ્રતિબંધની ભલામણ મળી હતી, મોડી રાત્રે કેન્દ્રએ નોટિફિકેશન બહાર પાડયું

- કટ્ટરવાદી સંગઠનોએ કુરાનનો દુરુપયોગ કરી યુવાઓને ગેરમાર્ગે દોર્યા, પ્રતિબંધનું સ્વાગત: મુસ્લિમ લીગ

નવી દિલ્હી : પોપ્યૂલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (પીએફઆઇ) ઉપર કેન્દ્ર સરકારે પાંચ વર્ષ માટે પ્રતિબંધ મુકી દીધો છે. આઇએસ જેવા મોટા આતંકી સંગઠનો સાથે લિંક હોવાના પુરાવા મળ્યા બાદ આ પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાનું સરકારે જણાવ્યું હતું. પીએફઆઇની સાથે અન્ય કેટલાક સંગઠનો ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જેમાં રેહાબ ઇન્ડિયા ફાઉન્ડેશન, કેમ્પસ ફ્રન્ટ ઓફ ઇન્ડિયા, નેશનલ વૂમન ફ્રન્ટ, જુનિયર ફ્રન્ટ, એમ્પાવર ઇન્ડિયા ફાઉન્ડેશનનો પણ સમાવેશ થાય છે. આ સંગઠનોની ઉપર યુએપીએ કાયદા હેઠળ પ્રતિબંધ મુકાયો છે.

છેલ્લા ૧૦ દિવસથી પીએફઆઇના કાર્યકર્તાઓ અને નેતાઓની સામે એનઆઇએ, ઇડી અને રાજ્યોની પોલીસ દ્વારા કાર્યવાહી કરાઇ રહી હતી જેમાં ૪૦૦ જેટલાની અટકાયત કે ધરપકડ કર્યા બાદ સરકારે પ્રતિબંધ મુકી દીધો છે. ઇડીએ કહ્યું હતું કે પીએફઆઇના બેંક ખાતામાં ૧૨૦ કરોડ રૂપિયા જમા થયા હતા જેનો ઉપયોગ દેશવિરોધી પ્રવૃત્તિઓ માટે થતો રહ્યો. જ્યારે કેટલાક રાજ્યોની પોલીસે પણ આતંકવાદ સાથે લિંકની તપાસ શરૂ કરી હતી. મંગળવારે મોડી રાત્રે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું હતું કે પીએફઆઇની સ્થાપના કરનારાઓ પ્રતિબંધિત સિમી સંગઠનના નેતાઓ પણ છે. આ ઉપરાંત પીએફઆઇના સંબંધ જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ (જેએમબી) સાથે પણ છે.  ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે પીએફઆઇના આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠનો જેવા કે આઇએસ સાથે પણ સંબંધો હોવાના પુરાવા મળ્યા છે, પીએફઆઇના અનેક સભ્યો આઇએસ જેવા આતંકી સંગઠનોમાં સામેલ થયા છે. આ બધી બાબતોના પુરાવા મળ્યા બાદ યુએપીએ કાયદા હેઠળ પાંચ વર્ષ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 

કેન્દ્રએ જણાવ્યું હતું કે ગુજરાત, ઉત્તર પ્રદેશ, કર્ણાટક સરકાર દ્વારા પીએફઆઇ ઉપર પ્રતિબંધ મુકવાની ભલામણો ગૃહ મંત્રાલયને મળી હતી. બીજી તરફ આ પ્રતિબંધનું ઉત્તર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, આસામના મુખ્યમંત્રીઓએ સ્વાગત કર્યું હતું, ઉપરાંત કેરળમાં વિરોધપક્ષ કોંગ્રેસે પણ પ્રતિબંધનું સ્વાગત કર્યું હતું. જ્યારે ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ દ્વારા પણ પ્રતિબંધનું સ્વાગત કરાયું હતું પણ સાથે જ સંઘ ઉપર પણ પ્રતિબંધની માગણી કરી હતી. પીએફઆઇ સાથે જોડાયેલા લોકો ધર્મના નામે લોકોને ભડકાવતા હતા.  

ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના નેતા એમ કે મુનીરે કહ્યું હતું કે પીએફઆઇ જેવા કટ્ટરવાદી સંગઠનોની આકરા શબ્દોમાં નિંદા કરીએ છીએ. આવા સંગઠનો કુરાનનો દુરુપયોગ કરી રહ્યા છે. પીએફઆઇએ યુવાઓને ગેરમાર્ગે દોર્યા છે સાથે જ સમાજમાં ભાગલા પાડીને નફરત પણ ફેલાવી છે. અન્ય જે સંગઠનો ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેઓ પણ પીએફઆઇ સાથે જોડાયેલા હોવાનું સરકારે જણાવ્યું છે. કેન્દ્ર સરકારે આ સાથે જ રાજ્ય સરકારોને પણ પીએફઆઇ અને તેની સાથે સંકળાયેલા પ્રતિબંધિત સંગઠનોની સામે કાર્યવાહીની સત્તા આપી દીધી છે. જે સાથે જ પીએફઆઇની સંપત્તિને જપ્ત કરવા સહિતની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. 

પ્રતિબંધ મૂકાયાના કલાકો બાદ જ પીએફઆઇએ સંગઠન વિખેરી નાખ્યું

કેન્દ્ર સરકારે પ્રતિબંધ મુક્યાના કલાકો બાદ જ પીએફઆઇએ પોતાની સમગ્ર દેશની કેડરને વિખેરી નાખી હતી. પીએફઆઇના સ્ટેટ જનરલ સેક્રેટરી એ અબ્દુલ સત્તરે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના પ્રતિબંધ બાદ અમે આ સંગઠનને વિખેરી નાખ્યું છે. દેશના નાગરિક તરીકે અમે કાયદા સાથે બંધાયેલા હોવાથી કેન્દ્રના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. આ સાથે જ પીએફઆઇએ કહ્યું છે કે અમારા સંગઠન સાથે જોડાયેલા દરેક નાગરિકોને જાણ કરવામાં આવે છે કે અમે સમાજના વિકાસ માટે ત્રણ કાયદાથી કામ કરી રહ્યા હતા પણ કાયદા સાથે બંધાયેલા હોવાથી આ સંગઠનને વિખેરી નાખીએ છીએ. તેથી સંગઠનના દરેક લોકોને વિનંતી છે કે તેઓ આ સંગઠન હેઠળની પોતાની બધી જ પ્રવૃત્તિઓને અટકાવી દે. આ સાથે જ પણ સ્પષ્ટ છે કે પીએફઆઇ હાલ કેન્દ્રના નિર્ણય સામે કોર્ટમાં જવાની તૈયારીમાં નથી. 

સરકારે પ્રતિબંધ મૂકતા પહેલાં મુસ્લિમ સંગઠનોને વિશ્વાસમાં લીધા

કેન્દ્ર સરકારે પુરી તૈયારી સાથે પીએફઆઇ પર પ્રતિબંધ લગાવ્યો છે.  છેલ્લા ઘણા સમયથી મુસ્લિમ નેતાઓ, ધર્મગુરુઓ, મૌલવીઓ સાથે બેઠકો શરૂ કરી દેવામાં આવી હતી. તેઓને વિશ્વાસમાં લીધા બાદ જ પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવ્યો હોવાના અહેવાલો છે. ૧૭મી સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલે મુસ્લિમ સંગઠનોની સાથે એક મહત્વની બેઠક યોજી હતી. જેના પાંચ જ દિવસ બાદ ૨૨મીએ એનઆઇએ, ઇડી દ્વારા દરોડા પાડવાનું શરૂ કરાયું હતું. 

જે પણ મુસ્લિમ સંગઠનો આ બેઠકમાં સામેલ થયા હતા તેઓએ પ્રતિબંધનો વિરોધ નહોતો કર્યો, એનઆઇએ, આઇબીના અધિકારીઓએ પણ ઇસ્લામના સંગઠનો દેવબંદી, બરેલવી, સૂફી સંપ્રદાયોનું પ્રતિનિધિત્વ કરનારા સાથે બેઠક યોજી હતી. 

પીએફઆઇનો હિંસાનો ખરડાયેલો ઇતિહાસ

૨૦૦૬ માં સ્થાપના: પીએફઆઇની સ્થાપના ૧૯ ડિસેમ્બર, ૨૦૦૬માં કરાઇ હતી, જે સાથે જ કર્ણાટક ફોરમ ફોર ડિગ્નિટી અને એનડીએફને પીએફઆઇ સાથે મર્જ કરાયું, એનડીએફની રચના બાબરી ધ્વંસ પછી કરાઇ હતી.

સીએએ સમયે હિંસાથી ચર્ચામાં: નાગરિકતા કાયદાના વિરોધમાં દેશમાં ભારે હિંસા ફાટી નીકળી હતી, ધર્માંતરણ અને આ હિંસા પાછળ પીએફઆઇના લોકો જોડાયેલા હોવાના પુરાવા મળ્યા હતા. 

રામ નવમીએ હિંસામાં હાથ: ગોવા, ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઝારખંડ, બંગાળમાં ગત રામ નવમીની હિંસામાં પીએફઆઇના લોકો સામેલ હતાના અહેવાલો છે. પીએફઆઇના ૫૦,૦૦૦ સભ્યો સક્રિય હતા.

સામાન્ય મુદ્દા પણ ભડકાવતું: પીએફઆઇ પર આરોપ છે કે તે મુસ્લિમ સમાજના એકદમ સામાન્ય મુદ્દાઓને પણ ભડકાવવાનો પ્રયાસ કરતું, પીએફઆઇના કેટલાક કેડર ધારદાર હથિયારોની પણ તાલિમ આપતાના અહેવાલો.

ટેરર ફન્ડિંગ, બોમ્બના પુરાવા: કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે પીએફઆઇના લોકો આતંકી સંગઠનો આઇએસ અને બાંગ્લાદેશના આતંકીઓ સાથે જોડાયેલા હતા, ટેરર ફન્ડિંગમાં પણ હાથ હતો, એક ચોક્કસ ધર્મના લોકોને કટ્ટરવાદ તરફ લઇ જતુ હતું, ગુપ્ત રીતે કામ કરતું હતું. એનઆઇએના દરોડામાં બોમ્બ બનાવવાની ગાઇડ, જીપીએસ નેવિગેટર પણ મળ્યા હતા.

ચાર વર્ષ પહેલા  પ્રતિબંધ હતો: પીએફઆઇ પર ૨૦૧૮માં ઝારખંડ દ્વારા પ્રતિબંધ મુકાયો હતો, જોકે બાદમાં પીએફઆઇ દ્વારા હાઇકોર્ટમાં પ્રતિબંધને પડકારાયો હતો જેમાં તેની જીત થતા રાહત મળી હતી.  

૨૦૧૮ પ્રતિબંધની શરૃઆત: ગયા વર્ષે સોલિસિટર જનરલ તુષાર મેહતાએ સુપ્રીમને કહ્યું હતું કે સરકાર પીએફઆઇ પર પ્રતિબંધની તૈયારી કરી રહી છે. જ્યારે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ પણ પ્રતિબંધ અંગે વાત કરી હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો