રાજસ્થાનમાં CM પદ માટે રસાકસી, ભાજપના નેતાઓ કરી રહ્યા છે ટીખળ
- ભાજપ સતત એવો કટાક્ષ કરી રહ્યું છે કે, કોંગ્રેસે નેતાઓને પાર્ટીમાં જોડી રાખવા અને તેમને એકજૂથ રાખવા પર ધ્યાન આપવું જોઈએ
નવી દિલ્હી, તા. 26 સપ્ટેમ્બર 2022, સોમવાર
રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદ માટે અશોક ગેહલોત અને સચિન પાયલટ જૂથ વચ્ચે રસાકસી જામી છે. રાજસ્થાન કોંગ્રેસના આ રાજકીય સંકટના કારણે ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપના નેતાઓ સોશિયલ મીડિયા પર આ અંગે ટ્વિટ કરીને ટીખળની મજા લઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપ પહેલેથી જ કોંગ્રેસની કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 'ભારત જોડો યાત્રા'ની મજાક ઉડાવતું આવ્યું છે. ભાજપ સતત એવો કટાક્ષ કરી રહ્યું છે કે, કોંગ્રેસે નેતાઓને પાર્ટીમાં જોડી રાખવા અને તેમને એકજૂથ રાખવા પર ધ્યાન આપવું જોઈએ કારણ કે, તેના અનેક વરિષ્ઠ નેતાઓ પાર્ટી છોડીને જઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ રાજસ્થાન કોંગ્રેસમાં 92 ધારાસભ્યોના રાજીનામા, ગેહલોતે કહ્યું- મારા હાથમાં કશું નથી
ગેહલોતના વફાદાર ધારાસભ્યોને રિસોર્ટમાં લઈ જવાયા હોવાની અટકળો વચ્ચે ભાજપના કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે ગેહલોત અને પાયલટની રાહુલ ગાંધી સાથેની એક જૂની તસવીર ટ્વિટ કરી હતી. રાહુલ ગાંધીએ 4 વર્ષ પહેલા તે તસવીર ટ્વિટ કરી હતી જ્યારે તેમણે મુખ્યમંત્રી પદના દાવેદાર સચિન પાયલટને અશોક ગેહલોતના નાયબ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી નિભાવવા માટે રાજી કર્યા હતા. રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચાલી રહેલી કોંગ્રેસની ભારત જોડો યાત્રા અંગે કટાક્ષ કરીને ભૂપેન્દ્ર યાદવે લખ્યું હતું કે, મહેરબાની કરીને પહેલા આમને જોડી લો...
અન્ય એક કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ટ્વિટમાં લખ્યું હતું કે, વાડાબંધીની સરકાર... ફરી એક વખત વાડામાં જવા માટે તૈયાર!!
ગેહલોતની બેવડી ભૂમિકાની શક્યતાઓ પર આ સપ્તાહની શરૂઆતમાં જ રાહુલ ગાંધીએ પૂર્ણ વિરામ મુકી દીધું હતું. તેમણે એક વ્યક્તિ એક પદના નિયમ પર ભાર આપ્યો હતો.
Comments
Post a Comment