UPમાં ભારે વરસાદ, લખનૌમાં દીવાલ ધસી પડતાં 7 લોકોના મોત
- ઉત્તર પ્રદેશના તમામ પ્રમુખ જિલ્લાઓમાં આગામી 48 કલાક માટે ભારે વરસાદ અને આંધીની આગાહી
લખનૌ, તા. 16 સપ્ટેમ્બર 2022, શુક્રવાર
ઉત્તર પ્રદેશના 30થી વધારે જિલ્લાઓમાં પાછલા 24 કલાક કરતાં પણ વધારે સમયથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. સાથે જ અયોધ્યા, લખનૌ, કાનપુર, નોએડા, ગાઝિયાબાદ, પ્રયાગરાજ જેવા તમામ પ્રમુખ જિલ્લાઓમાં આગામી 48 કલાક માટે ભારે વરસાદ અને આંધીની આગાહી છે.
ભારે વરસાદના કારણે લખનૌમાં નિર્માણાધીન દીવાલ ધસી પડવાના કારણે 7 લોકોના મોત થયા છે અને 2 લોકોને ઈજાઓ પહોંચી છે. દિલકુશા વિસ્તારમાં દીવાલ ધસી પડવાના કારણે તેની આડશમાં ઝૂંપડી બનાવીને રહેતા 7 મજૂરો દટાઈ ગયા હતા. તે સિવાય ઘાયલોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને મૃતકોના પરિવારજનો માટે વળતરની જાહેરાત કરી છે. સાથે જ તમામ ઈજાગ્રસ્તોને ફ્રીમાં સારવાર આપવા આદેશ કર્યો છે.
દુર્ઘટના સ્થળેથી 7 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દીવાલનું બાંધકામ કરી રહેલા મજૂરો રાતે ત્યાં જ રોકાઈ ગયા હતા અને ગુરૂવારે ભારે વરસાદના કારણે તે દીવાલ ધસી પડી હતી.
ઘટના સ્થળે પહોંચેલા રાહત દળે મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
Comments
Post a Comment