આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 72મો જન્મદિવસ : દેશમાં સેવાકાર્યોનું આયોજન
- જીવેમ શરદ: શતમ્
- મોદી આજે મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં ચિત્તાઓને છોડશે : આપબળે આગળ વધેલી મહિલા સાહસિકોને સંબોધન કરશે
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ૭૨મો જન્મદિવસ દેશભરમાં ઉજવાશે. પીએમ મોદીના જન્મદિવસે ૧૭મી સપ્ટેમ્બરે દર વર્ષે ભાજપના કાર્યકરો અને કેન્દ્ર સરકાર ૨૦૧૪થી વિવિધ લોકસેવાના કાર્યક્રમો યોજે છે. આ વર્ષે પણ દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. દિવસ દરમિયાન મોદીના ચાર કાર્યક્રમો યોજાશે.
નામિબિયાથી ભારત પહોંચેલા આઠ ચિત્તાને નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં છોડશે. એ સાથે જ દેશમાં ચિત્તાના પુનર્વસનનો પ્રોજેક્ટ શરૂ થશે. ત્રણ નર અને પાંચ માદા ચિત્તાને નામિબિયાથી બોઈંગ ૭૪૭ વિમાનમાં જયપુર લાવવાના હતા પરંતુ આયોજનમાં ફેરફાર થયો હતો. જયપુરને બદલે ચિત્તા ગ્વાલિયર પહોંચશે અને ત્યાંથી હેલિકોપ્ટર મારફતે મધ્યપ્રદેશ લાવવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં આપબળે આગળ વધેલી મહિલા સાહસિકોના સંમેલનને સંબોધશે. વિશ્વકર્મા જયંતી હોવાથી પીએમ મોદી આઈટીઆઈના વિદ્યાર્થીઓને પણ સંબોધન કરશે. એ કાર્યક્રમમાં ૪૦ વિદ્યાર્થીઓ જોડાશે. મોડી સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ લોજિસ્ટિક પોલિસી લોંચ કરશે અને સાથે સાથે ભાષણ પણ આપશે.
દરમિયાન ભાજપે દેશભરમાં વિવિધ લોકસેવાના કાર્યક્રમોનું આયોજન કર્યું છે. રક્તદાન કેમ્પ સહિતના કાર્યક્રમો દેશભરમાં ભાજપના યુનિટો દ્વારા થશે. મોદીના જન્મદિવસે ભાજપ વિવિધતામાં એકતા પ્રોગ્રામ અંતર્ગત ગરીબોને સહાય કરશે, દિવ્યાંગોને પણ મદદ કરશે. તે ઉપરાંત સ્વચ્છતા અભિયાન પણ ચલાવાશે. ભાજપ પીએમ મોદીના જન્મદિવસને ધ્યાનમાં રાખીને ગિફ્ટ ઓફ સેવા નામનું કેમ્પેઈન શરૂ કરશે. એમાં શ્રમદાનનું મહત્ત્વ સમજીને અલગ અલગ ક્ષેત્રમાં શ્રમદાન થશે. યુપી સહિતના ઘણાં રાજ્યોમાં તળાવોની સફાઈ જશે, ક્યાંક નદીકાંઠાનો કચરો સાફ થશે.
આજથી પીએમ મોદીને મળેલી 1200 ગિફ્ટની હરાજી શરૂ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અલગ અલગ સમયે જુદા જુદા લોકોએ આપેલા ઉપહારોની હરાજી તેમના જન્મદિવસથી શરૂ થશે અને ગાંધીજયંતિ સુધી ચાલશે. ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ થોડા દિવસ પહેલાં મોદીએ કર્યું હતું, તેની પ્રતિકૃતિ આ ગિફ્ટમાં સામેલ છે. તે ઉપરાંત અયોધ્યા મંદિરનું મોડેલ, વારાણસીમાં કાશી-વિશ્વનાથના મંદિરનું મોડેલ વગેરે જેવી ગિફ્ટ, જે મોદીને અલગ અલગ સમયે મળી હતી તેની હરાજી નિયત કરાયેલી વેબસાઈટમાં થશે. આ ગિફ્ટમાં રમતવીરોએ પીએમને આપેલા ઉપહારોનો પણ સમાવેશ થાય છે. હરાજી માટે ૧૦૦ રૂપિયાથી ૧૦ લાખ સુધીની બેઝ પ્રાઈઝ નક્કી કરાઈ છે. આ હરાજીથી લગભગ ૨૦ કરોડ રૂપિયા મળે એવી શક્યતા છે. હરાજીમાંથી મળનારી ધનરાશિ નમામિ ગંગે પ્રોજેક્ટમાં આપવામાં આવશે.
Comments
Post a Comment