કોરોનાએ ફરી માથું ઊંચક્યું : કેરળના ૩૦ હજાર સહિત નવા ૪૬,૧૬૪ કેસ


કેરળમાં સતત બીજા દિવસે ૩૦,૦૦૦થી વધુ કેસ

કોરોનાની બીજી લહેર પૂરી થઇ નથી, લોકો તહેવારોના દિવસોમાં સતર્ક રહે : કેન્દ્રની ચેતવણી

કેરળમાં હોમ ક્વોરન્ટાઇનના નિયમોનો ભંગ થવાથી કેસ વધ્યા હોવાનો આરોપ 

મુંબઈની સેન્ટ જોસેફ બોર્ડિંગ સ્કૂલમાં૨૨ વિદ્યાર્થીઓને કોરોના થતાં બિલ્ડિંગ સીલ

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૬

કેરળમાં આજે ફરીથી ૩૦,૦૦૦થી વધુ કેસો નોંધાતા દેશમાં આજે કોરોનાના કુલ ૪૬,૧૬૪ કેસો સપાટી પર આવ્યા છે. ગઇ કાલના કુલ કેસો કરતા આજે ૨૨.૭ ટકા વધુ કેસો સામે આવ્યા છે. નવા કેસોમાં ૭૦ ટકાથી વધુ કેસો કેરળના છે. જેના કારણે કોરોનાના સંદર્ભમાં કેરળ સૌથી મોટો પડકાર બની ગયું છે. 

બીજી ચિંતા વાત એ છે કે એક્ટિવ કેસો ફરીથી એક ટકા કરતા વધી ગયા છે. હાલમાં દેશમાં કોરોનાના કુલ ૩,૩૩,૭૨૫ દર્દીઓ છે. કોરોનામાથી સાજા થવાનો દર ૯૭.૬૩ ટકા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૩૪,૧૫૯ દર્દી સાજા થયા છે. 

આ સાથે જ કોરોનાથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને ૩,૧૭,૮૮,૪૪૦ થઇ ગઇ છે. રાહતની વાત એ છે કે દૈનિક પોઝિટિવ રેટ સતત ૩૧ દિવસોથી ૩ ટકાની નીચે છે. 

દેશમાં અત્યાર સુધીમાં કોરોના વેક્સિનના ૬૦.૩૮કરોડ ડોઝ લગાવવામાં આવ્યા છે. કેરળમાં કોરોનાથી વધુ ૨૧૫ લોકોનાં મોત થયા છે. રાજ્યમાં કોરોનાનો પોઝિટિવ રેટ વધીને ૧૨ ટકાની ઉપર પહોંચી ગયું છે. 

આ દરમિયાન આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું છે કે કોરોના મહામારી અંગે લોકોને સતર્ક રહેવાની જરૃર છે. હજુ પણ કોરોનાની બીજી લહેર સમાપ્ત થઇ નથી. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં તહેવારો આવતા હોવાથી વધુ સતર્ક રહેવાની જરૃર છે. 

દેશમાં આજે કોરોનાથી વધુ ૬૦૭ લોકોનાં મોત મોત થયા છે. જે પૈકી કેરળમાં ૨૧૫ લોકોનાં મોત થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી ૨૧૬ લોકોનાં મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાનો મૃત્યુઆંક વધીને ૪,૩૬,૩૬૫ થઇ ગયો છે. 

આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે રાજ્યો પાસે હાલમાં ૩.૭૭ કરોડ વણવપરાયેલી કોરોના વેક્સિન ઉપલબ્ધ છે.


Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો