ગુજરાતમાં 9 પાકિસ્તાની રૂ.300 કરોડનું ડ્રગ્સ ઘુસાડતા ઝડપાયા


- કચ્છમાં જખૌની દરિયાઈ સરહદે એટીએસ-કોસ્ટ ગાર્ડનું દિલધડક ઓપરેશન

- પાક. ડ્રગ પેડલસ ફિશિંગ બોટમાં 56 કિલો હેરોઇન લાદીને કચ્છમાં ઘુસાડવાની પેરવીમાં હતા ત્યારે ઝડપી લેવાયા

અમદાવાદ : વધુ એક વખત કચ્છની દરિયાઈ સરહદથી ડ્રગ્સની હેરાફેરી થાય તે પહેલાં હેરોઈનનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. જખૌની જળસીમામાં ગુજરાત એટીએસની ટીમ અને કોસ્ટગાર્ડની ટીમે સંયુક્ત રીતે દિલધડક ઓપરેશન કરી ૨૮૦ કરોડનું હેરોઈન પકડી પાડયું છે. કરાંચીથી નવ ખલાસી સાથે નીકળેલા ફિશીંગ ટ્રોલરને બાતમી આધારે આંતરરાષ્ટ્રીય જળસિમાથી ભારતની સરહદમાં ૧૪ નોટિકલ માઈલ  અંદર પડકારવામાં આવી હતી. પાકિસ્તાન તરફ ભાગવાનો પ્રયાસ કરવામાં આવતાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગમાં ત્રણ પાકિસ્તાની માછીમાર ખલાસીને સામાન્ય ઈજા પહોંચી હતી. હાઈસ્પીડ ફિશીંગ ટ્રોલરમાં તપાસ કરતાં માછલીઓને બદલે ૨૮૦ કરોડની કિંમતના ૫૬ કિલો વજનના હેરોઈનના ૫૬ પેકેટ પકડાયા છે.

ગુજરાત એટીએસના નાયબ પોલીસ અધિક્ષક ભાવેશ રોજીયાને બાતમી મળી હતી કે, પાકિસ્તાનનો મુસ્તુફા નામનો ડ્રગ્સ માફિયા પાકિસ્તાનના બંદરથી અલ હજ નામની પાકિસ્તાની બોટમાં હેરોઈન ભરી ગુજરાતના દરિયાકિનારા મારફતે ઉત્તર ભારતમાં મોકલવાનો છે. પાક્કી બાતમીના આધારે એટીએસ અને કોસ્ટ ગાર્ડની ટીમે ભારતીય જળસીમામાં વોચ ગોઠવી હતી. આંતરરાષ્ટ્રીય જળસીમાથી ભારતીય જળસીમામાં ૧૪ નોટિકલ માઈલ અંદર બાતમી અનુસારનું ટ્રોલર જોવા મળ્યું હતું. કોસ્ટગાર્ડે નિયમાનુસાર ચેતવણી ઉચ્ચારતા ટ્રોલર ભગાવવામાં આવ્યું હતું. બોટને બદલે ટ્રોલર હોવાથી તેની ગતિ વધારી દેવાઈ હતી. કોસ્ટગાર્ડ તરફથી અપાયેલી ચેતવણી ઉવેખવામાં આવતાં નિયમાનુસાર પહેલાં પાણીમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. છતાં ટ્રોલર રોકવામાં ન આવ્યું નહોતું અને ટ્રોલરમાંથી કોઈ જથ્થો પાણીમાં ફેંકી દેવા હિલચાલ શરુ કરાઈ હતી. આથી, અસરકારક રીતે કરાયેલા ફાયરિંગમાં ટ્રોલર ઉપર રહેલા ત્રણ શખ્સોને સામાન્ય ઈજા પહોંચી હતી. કોસ્ટગાર્ડ અને એટીએસનું કડક વલણ જોઈને ટ્રોલર અટકાવી દેવાયું હતું. ટ્રોલરમાં તપાસ કરતાં તેમાંથી નવ શખ્સો મળી આવ્યાં હતાં. 

ટ્રોલરની તલાશી લેતા તેમાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં ૨૮૦ કરોડ કિંમત ગણાય છે તેવું ૫૬ કિલો હેરોઈન મળી આવ્યું હતું. એક- એક કિલોના એવા  હેરોઈનના ૫૬ પેકેટ્સ કોથળામાં ભરેલા હતા. ડ્રગ્સનો મોટો જથ્થો મળતાં નવ પાકિસ્તાની શખ્સો, ટ્રોલર અને ડ્રગ્સના જથ્થાને સોમવારે સાંજે જખૌ બંદરે લાવવામાં આવ્યો હતો. ગુજરાત એટીએસની અમદાવાદમાં આવેલી મુખ્ય કચેરીએ ગુનો નોંધવામાં આવ્યો છે. 

ડીજીપી આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમે ભાગવાનો પ્રયાસ કરતા ટ્રોલરને ઝડપી લઈ ૨૮૦ કરોડનું ડ્રગ્સ પકડયું છે. ડ્રગ્સનો જથ્થો ઉત્તર ભારતમાં લઈ જવાનો હતો.  હેરોઈન કેસની વધુ તપાસ એટીએસ સાથે એનસીબીની મદદ લઈને શરુ કરવામાં આવી છે. સંયુક્ત ટીમ ઉત્તર ભારતના જુદા જુદા રાજ્યો તેમજ અન્ય રાજ્યોમાં દરોડા પાડીને મૂળ સુધી પહોંચવા કાર્યવાહી કરશે. ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સનો જથ્થો ઉતારીને ઉત્તર ભારતમાં મહદ્દઅંશે પંજાબ પહોંચાડવાના કારસાનો પર્દાફાશ કરવા માટે ઊંડાણ ભરી તપાસ શરુ કરવામાં આવી છે. 

ભારતમાં ડ્રગ્સના કાળા કારોબાર માટે 'ગેટ-વે' તરીકે હવે ગુજરાતનો ઉપયોગ

એક સમય હતો કે જ્યારે ઉડતા પંજાબ કહેવાતું હતું. પરંતુ, હેરોઈન સહિત જુદા જુદા પ્રકારના ડ્રગ્સનો નશો ભારતના અનેક રાજ્ય અને મોટા શહેરોમાં પ્રસરાવવામાં આવી રહ્યો છે. ભારતમાં ડ્રગ્સનો કાળો કારોબાર કરવા માટે ગેટ-વે તરીકે ગુજરાતનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કાશ્મીર અને પંજાબની સરહદો સીલ કરવામાં આવતાં હવે ૧૬૦૦ કિલોમીટર લાંબા ગુજરાતની જળસીમાનો ઉપયોગ ડ્રગ્સ માફિયાઓ કરી રહ્યાં છે. ગુજરાતનો ઉપયોગ ગેટ-વે તરીકે કરવામાં આવી રહ્યો છે. ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ અને રાષ્ટ્રીય એજન્સીઓ ડ્રગ્સ માફિયાઓના કાળા કારોબારને અટકાવવા સક્રિય છે.

ગુજરાતમાં એક જ વર્ષમા દરિયાઈ સરહદ અને કચ્છથી ઘૂસાડાતું 25000 કરોડનું ડ્રગ્સ પકડાયું

ભૂજ: ગુજરાતનો દરિયો ડ્રગ્સ હેરાફેરી માટે હોટ ફેવરીટ છે. ગુજરાત ડ્રગ્સ માટેનું એપી સેન્ટર બની રહ્યુ છે. મોટા શહેરોથી લઈને ગામડાઓ  સુધી ડ્રગ્સના કનેકશન બહાર આવ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં અંદાજીત ૪૦,૦૦૦ કરોડનું ડ્રગ્સ ગુજરાત પોલીસ અને નાર્કોટીકસ સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યુ છે. 

* ગત ૧૫ સપ્ટેમ્બરે મુંદરા પોર્ટમાં ટેલકમ પાવડરની આડમાં અંદાજે ૨૧ હજાર કરોડની કિંમતનો ૩ હજાર કિલો હેરોઈનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. 

* વર્ષ ૨૦૨૧ની ૧૭ એપ્રિલે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદે ૧૫૦ કરોડના હેરોઈન સાથે ૮ પાકિસ્તાની  શખ્શો ઝડપાયા હતા. 

* ૧૭ નવેમ્બરે સુરતના સરથાણા વિસ્તારમાંથી એમડી ડ્રગ્સની લેબોરેટરી પકડી હતી. આરોપી ફૈઝલને ડ્રગ્સના મામલે જૈમીન સવાણીની મદદ કરતો હતો. 

*  ગત ૨૫ સપ્ટેમ્બરે કડોદર નિયોલ ચેક પોસ્ટ પરથી સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ૧૯.૬૨ લાખ રૂપિયાના ડ્રગ્સને ઝડપી પાડયુ હતુ. - ગત ૪ ઓગષ્ટે વલસાડના વાપી જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ડુંગરી ફળિયામાંથી ગુજરાત નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોની ટીમે દરોડો પાડીને ૪.૫ કિલો એમડી ડ્રગ્સ, ૮૫ લાખ રોકડ સાથે ૨ શખ્શોને ઝડપી પાડયા હતા. 

* રાજકોટના ગોંડલથી ૧૨ ફેબ્રુઆરીએ ૧૦.૬ મિલિગ્રામ ડ્રગ્સ સાથે બે શખ્શોને એસઓજીએ ઝડપી પાડયા હતા.  

* ગત ૨૦ નવેમ્બરે રાજકોટમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે કચ્છના વતની મુસ્તાક અબ્દુલ ઘીસોરાની ધરપકડ કરવામાં આવી હતી. 

* ૨૨ નવેમ્બરે જામનગરથી ઝડપાયેલા રૂ. ૧૦ કરોડના ડ્રગ્સની જખૌના દરિયામાં ડિલિવરી થઈ હતી. 

* ૧૭ નવેમ્બરે ગુજરાત એટીએસએ ૧૨૦ કરોડની કિંમતનું હેરોઈનનો જથ્થો પકડી લીધો હતો.   

* ૧૦ નવેમ્બરે ખંભાળીયા આરાધના ધામ પાસે કારમાંથી અંદાજીત ૬૬ કિલોનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. જેની કિંમત ૩૫૦ કરોડથી વધુની રકમ જણાવાઈ હતી. 

* પોરબંદરના દરિયામાંથી ૨૩ સપ્ટેમ્બરે ૧૫૦ કરોડના ડ્રગ્સ સાથે પકડાયેલા ૭ ઈરાનીઓને ઝડપી લેવાયા હતા.

* ૨૪ ઓક્ટોબરે અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચે ૨૫ લાખની કિંમતનું ૨૫૦ ગ્રામ ડ્રગ્સ ઝડપ્યુ હતુ. 

* ૧૨ ઓગષ્ટે અમદાવાદમાં ગુજરાત એનસીબી એ ૨૦ કરોડનું કોકેઈન ડ્રગ્સ ઝડપ્યુ હતુ. 

* ૨૦ જાન્યુઆરીએ એટીએસની ટીમે મુંબઈથી આવતા શખ્શની એક કરોડની કિંમતના એક કિલો ડ્રગ્સ સાથે અમદાવાદથી ધરપકડ કરી હતી. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે