કોરોનાઃ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો, 4ના મોત, સક્રિય કેસ 12,000ની નીચે
- છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,150 નવા કેસ સામે આવ્યા છે જે ગઈકાલની સરખામણીએ 192 જેટલા વધારે
નવી દિલ્હી, તા. 17 એપ્રિલ 2022, રવિવાર
દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ગઈકાલની સરખામણીએ આજે વધારો જોવા મળ્યો છે. જોકે છેલ્લા 2 દિવસથી મૃતકઆંકમાં ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે તે રાહતની વાત કહી શકાય. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે બહાર પાડવામાં આવેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,150 નવા કેસ સામે આવ્યા છે જે ગઈકાલની સરખામણીએ 192 જેટલા વધારે છે. આ સમય દરમિયાન 4 લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. જ્યારે સ્વસ્થ થનારા લોકોની સંખ્યા 954 છે.
શનિવારે (16 એપ્રિલના રોજ) દેશમાં 958 નવા કેસ સામે આવ્યા હતા અને 4 લોકોના મોત થયા હતા. દેશમાં હાલ કોરોનાના સક્રિય કેસની સંખ્યા 11,558 જેટલી છે. જ્યારે કોરોનામાંથી સાજા થવાનો વર્તમાન દર 98.76 ટકા છે.
દિલ્હીમાં ભયજનક સ્થિતિ
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 461 નવા કેસ સામે આવ્યા છે અને 2 દર્દીઓના મોત થયા છે. આશરે 2.5 મહિના બાદ સંક્રમણ દર વધી રહ્યો છે. સંક્રમણ દર 5.33 ટકા જેટલો નોંધાયો છે. અગાઉ 25 ફેબ્રુઆરીના રોજ 460 નવા કેસ સામે આવ્યા હતા અને 15 માર્ચના રોજ 2 દર્દીઓના મોત થયા હતા.
મહારાષ્ટ્રની સ્થિતિ
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 98 નવા કેસ સામે આવ્યા છે પરંતુ સદનસીબે કોઈ મૃત્યુ નથી નોંધાયું. જોકે એક દિવસ પહેલા રાજ્યમાં 69 નવા કેસ સામે આવ્યા હતા અને એક દર્દીનું મોત થયું હતું.
Comments
Post a Comment