ગુજરાતના રાજકારણને કાબૂમાં કરીને ભારતના રાજકારણમાં ફરી પાયો મજબૂત કરવા કોંગ્રેસની પેરવી
- મે મહિનાના પ્રથમ સપ્તાહમાં નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરે તેવી શક્યતા
અમદાવાદ, તા. 23 એપ્રિલ 2022, શનિવાર
વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના અનુસંધાને રાજકીય ગતિવિધિઓમાં વેગ આવ્યો છે. આ સાથે જ નરેશ પટેલની દિલ્હી મુલાકાત મામલે પણ અટકળોનું જોર વધ્યું છે. તાજેતરના અહેવાલ પ્રમાણે મે મહિનાના પ્રથમ સપ્તાહમાં નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ શકે છે.
સોનિયા ગાંધીની ટીમે પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં જોડાવા માટે મંજૂરી આપી દીધી છે ત્યારે હવે નરેશ પટેલ પણ કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે.
ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી ડો. રઘુ શર્માએ પણ નરેશ પટેલની કોંગ્રેસ હાઈકમાન્ડ સાથેની મુલાકાત મામલે નિવેદન આપીને ગુજરાતના રાજકારણમાં ચર્ચાઓને વેગવંતી બનાવી છે. તેમણે કહ્યું હતું કે, નરેશ પટેલ એક સામાજીક અને સન્માનિત નેતા છે. તે કોંગ્રેસ હાઈકમાન્ડને મળે તે આનંદની વાત છે. નરેશ પટેલ જેવા નેતાનું કોંગ્રેસમાં સ્વાગત છે. તેમના આગમનથી પક્ષ વધારે મજબૂત બનશે.
આ બધા વચ્ચે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ અચાનક દિલ્હી પહોંચ્યા હતા અને સોનિયા ગાંધીની મુલાકાત લીધી હતી. સોનિયા ગાંધી સાથેની મુલાકાત દરમિયાન ધાનાણીએ આમ આદમી પાર્ટીના વધી રહેલા પ્રભાવ અને હાર્દિક પટેલની નારાજગી અંગે પણ ચર્ચા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલ કોઈ પણ સમયે કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી શકે છે તેવા સમાચાર વહેતા થયા છે ત્યારે પરેશ ધાનાણીની સોનિયા ગાંધી સાથેની આ મુલાકાત ખૂબ જ મહત્વની અને સૂચક બની રહે છે.
CWC અને G23 નેતાઓ વચ્ચે વૈચારિક મતભેદ સામે આવતો રહે છે પરંતુ નરેશ પટેલ અને પ્રખ્યાત રણનીતિકાર પ્રશાંત કિશોર મામલે બંનેનો સૂર એક જ રહ્યો છે. આ કારણે ગુજરાતના રાજકારણને કાબૂમાં લઈને કોંગ્રેસ ફરી એક વખત દેશના રાજકારણમાં પોતાનો પાયો મજબૂત કરવાની પેરવીમાં હોવાનું જણાઈ રહ્યું છે.
Comments
Post a Comment