માર્ચ પછી એપ્રિલમાં પણ ગરમી રેકોર્ડ તોડશે, આજથી હીટવેવની ચેતવણી


- સતત ચોથા વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા : હવામાન વિભાગ

- 1971-2020ની 'લોંગ પિરિયડ એવરેજ' 87 સે.મી., અચાનક હવામાન પલટાતા કેદારનાથમાં હિમવર્ષા થઈ

નવી દિલ્હી : એપ્રિલના પ્રારંભમાં કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળ્યા પછી ફરી એક વખત ગરમીએ પ્રકોપ બતાવવાનું શરૂ કર્યું છે. રાજધાની નવી દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ફરી હીટવેવની હવામાન વિભાગે ચેતવણી આપી છે. ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ૧૬મી એપ્રિલથી તાપમાન વધશે અને ૧૮મી-૧૯મી એપ્રિલ માટે 'યલો એલર્ટ' જાહેર કરાઈ છે. વધુમાં હવામાન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે માર્ચમાં ગરમી વિક્રમી સ્તરે પહોંચ્યા પછી એપ્રિલમાં પણ પરી ગરમી રેકોર્ડ તોડે તેવી શક્યતા છે. બીજીબાજુ હવામાન વિભાગે સતત ચોથા વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરી છે.

હવામાન વિભાગના એક વરિષ્ઠ વૈજ્ઞાાનિકે જણાવ્યું હતું કે, દિલ્હી, હરિયાણા, પંજાબ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને પૂર્વીય રાજસ્થાનના અનેક ભાગોમાં મહત્તમ તાપમાન ૨-૪ ડિગ્રી વધશે. આ વિસ્તારોમાં ૧૬થી ૧૭ એપ્રિલે હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને ૧૮-૧૯ એપ્રિલે ગરમીમાં વધારો થવાની શક્યતા છે. હવામાન વિભાગ મુજબ મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીથી વધળાની સંભાવના હોય અથવા સરેરાશ કરતાં ૪.૫ ડિગ્રી તાપમાન વધે ત્યારે હીટવેવની આગાહી આપવામાં આવે છે.

હવામાન વિભાગે ઉમેર્યું હતું કે, કાંગરા ખીણમાં દરિયાની સપાટીથી ૧,૪૫૭ મીટરની ઊંચાઈએ આવેલા ધર્મશાળામાં એપ્રિલમાં મોટાભાગે સરેરાશ તાપમાન ૧૮ ડિગ્રી સે. રહેતું હોય છે. પરંતુ આ વર્ષે અહીં તાપમાન વધીને ૩૩ ડિગ્રી સે.એ પહોંચ્યું છે. હવામાન વિભાગ એપ્રિલના પહેલા પખવાડિયામાં ગંભીર હીટવેવની ચેતવણી આપે છે, જેને પગલે ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતમાં કાળઝાળ ગરમીનો અનુભવ થવાની શક્યતા છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આ વર્ષે માર્ચ મહિનામાં ગરમીએ ૧૨૧ વર્ષનો રેકોર્ડ તોડયો હતો. વર્ષ ૧૯૦૧ પછી માર્ચ મહિનામાં દેશના નવ રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર ગયું હતું. માર્ચ પછી એપ્રિલમાં પણ ગરમી નવો વિક્રમ નોંધાવે અને ઉનાળો જુલાઈ સુધી લંબાય તેવી શક્યતા છે. એપ્રિલના પહેલા પખવાડિયામાં ૭૨ વર્ષમાં પહેલી વખત આટલું ઊંચું તાપમાન નોંધાયું છે. એપ્રિલમાં આગામી સમયમાં પણ વારંવાર હીટવેવની આગાહી કરવામાં આવી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાાનિકોએ કહ્યું કે, વર્ષ ૨૦૧૦ પછી પહેલી વખત એપ્રિલમાં મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રી સે.ને પાર ગયું છે.

દરમિયાન ઉત્તરાખંડમાં અચાનક હવામાને પલટો મારતાં કેદારનાથમાં હિમવર્ષા થઈ હતી. ગુરુવારે સાંજે ઉત્તરકાશી, ચમોલી, પિથૌરાગઢ, રુદ્રપ્રયાગ અને બાગેશ્વર જિલ્લામાં ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડયો હતો. જેને પગલે તાપમાન હળવું થયું હતું. જોકે, રુડકીમાં લોકોને ગરમીથી રાહત મળી નહોતી અને એપ્રિલમાં જ જૂન જેવી ગરમી અનુભવાઈ રહી છે. ગુરુવારે રુડકીનું મહત્તમ તાપમાન ૩૮.૫ ડિગ્રી સે. નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ૨.૬ ડિગ્રી સે. વધુ હતું.

દરમિયાન હવામાન વિભાગે સતત ચોથા વર્ષે દેશમાં ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ગુરૂવારે જણાવ્યું હતું કે, આ વર્ષે ૯૬થી ૧૦૪ ટકા જેટલો વરસાદ થવા સંભવ છે જે ૧૯૭૧થી ૨૦૨૦ની લાંબા ગાળાની ૮૭ સે.મી.ની સરેરાશના આધારે કરેલી ગણતરી પ્રમાણે કહી શકાય તેમ છે. આ પૂર્વે હવામાન વિભાગે ૧૯૬૧- ૨૦૧૦ની લોંગ પિરિયડ એવરેજ (એલપીએ) - ૮૮ સે.મી.ની મૂકી હતી. ભારતના ઉત્તર ભાગ (દખ્ખન ઉ. મહારાષ્ટ્ર, તેલંગણા, આંધ્ર)માં તથા મધ્ય ભારત અને હિમાલયના તળેટીના વિસ્તારમાં તથા ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ સામાન્ય કરતા ઓછો થવાનો સંભવ છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે